તત્કાલીન મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે ખાતમુહૂર્ત થયા બાદ રોડ બનાવામાં કોન્ટ્રાકટર કે કોર્પોરેશન કોઈને રસ નથી !
આરંભે શુરાની માફક કોર્પોરેશન દ્વારા વિકાસના નવા નવા કામો માટે ખાતમુહૂર્ત તો ગાઈ વગાડીને કરવામાં આવે છે પરંતુ ઘણા ખરા કામો પ્રજાની કોણીએ ગોળ સાબીત થયા છે. શહેરમાં રોડના નવા કામો લટકીને પડ્યા છે. ટેન્ડર ડાઉનમાં ભરી એજન્સી હવે કામ કરવા રાજી નથી, બીજી બાજુ કોર્પોરેશને પણ નાહી નાખ્યું હોય એમ રસ લેતું નથી. તળાજા રોડ પર દુખીશ્યામબાપા સર્કલથી અધેવાડા સીતારામબાપુના આશ્રમ સુધી ફોરલેન આરસીસી બનાવવા ૧ વર્ષ પૂર્વે તત્કાલીન મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે ખાતમુહુર્ત કરાયું પરંતુ કોઈ કામમાં પ્રગતિ થઈ નથી, ઉલ્ટાનું ખાળીયા ખોદીને મૂકી દઇ સ્થાનિકોને બાનમાં લેવાયા છે પરંતુ એજન્સી પાસે કોર્પોરેશન કે શાસકોનો ગજ વાગતો નથી.! વિધાનસભાની ચૂંટણી દેખાઇ રહી છે ત્યારે છેલ્લી બે સ્ટેન્ડીંગ કમિટીથી કરોડો રૂપિયાના વિકાસ કાર્યોને લીલી ઝંડી આપવામાં આવી રહી છે. પરંતુ જુના આદરેલા કામો પુરા કરવા શાસકોને રસ નથી! આગામી ૧૦મી મેના રોજ મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં પણ રૂ.૧૫.૨૦ કરોડના વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવશે. જે તમામ વિકાસકાર્યો માત્ર રોડના છે. સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ ૪૧ કાર્યોની ચર્ચા-વિચારણા કરી નિર્ણય કરવામાં આવશે. તે પૈકી ૨૭ કાર્યો રોડના કામના છે. શહેરના જુદા-જુદા વોર્ડમાં આરસીસી, પેવર અને પેવિંગ બ્લોકના રૂ.૧૫.૨૦ કરોડના કામોને બહાલી આપવામાં આવશે. તેમજ જુદા જુદા ૨૬ કામોના ટેન્ડરની પરામર્શ થઈ જતાં તેની પ્રક્રિયા કરવાની મંજુરી અપાયેલી તેને બહાલી આપવામાં આવશે. તદુપરાંત નવા ભળેલા ગામોની રસ્તાની સફાઈ માટે ખાનગીકરણ કરવાના ખર્ચની મંજૂરી આપવામાં આવશે.
મ્યુ. કચેરીનું રીનોવેશનનું ૫૧ લાખનું કામ ૧ કરોડે પહોંચ્યું…
રૂ ૫૧ લાખના ખર્ચના અંદાજથી કોર્પોરેશન બિલ્ડિંગના જર્જરિત ભાગોનો રીનોવેશન શરૂ કરી તેમાં સુધારો વધારો કરતા હવે એક કરોડ કરતાં વધુ ખર્ચ પહોંચતા તેને પણ મંજૂરી આપવામાં આવશે. શરૂઆતમાં ખર્ચ રૂ.૫૧ લાખ અંદાજયો હતો પરંતુ ખર્ચ ડબબલ થઈ જતા આશ્ચર્ય સર્જાયું છે. !