મુંબઈ, તા.૭
બોલિવુડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલ આ વર્ષે લગ્ન કરી રહ્યા હોવાની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. લગ્ન બાદ આથિયા અને કેએલ બાંદ્રામાં નવા ઘરમાં શિફ્ટ થઈ જશે તેવી પણ અફવા છે. બાંદ્રામાં અંડર કંસ્ટ્રક્શન બિલ્ડિંગમાં કપલે એક આખો ફ્લોર બુક કરાવી લીધો હોવાની ચર્ચા છે. આથિયા હાલમાં જ એક ઈવેન્ટમાં જોવા મળી હતી જ્યાં તેને નવા ઘર અંગે સવાલ પૂછવામાં આવતાં એક્ટ્રેસે કહ્યું, “હું નવા ઘરમાં બીજા કોઈની સાથે નહીં પરંતુ મારા પેરેન્ટ્સ સાથે જઈ રહી છું. હું અને મારો પરિવાર આ નવા ઘરમાં રહીશું.” હાલ આથિયા પોતાના પેરેન્ટ્સ અને ભાઈ અહાન સાથે સાઉથ મુંબઈના અલ્ટામાઉન્ટ રોડ પર આવેલા ઘરમાં રહે છે. સુનીલ શેટ્ટીની દીકરી આથિયાને તેના લગ્નની ચર્ચાઓ અંગે સવાલ પૂછાતાં તેણે જણાવ્યું, “હું આ સવાલોના જવાબ નહીં આપું. હું આ બધા પ્રશ્નોથી કંટાળી ગઈ છું અને હવે તેમને હાંસીમાં ઉડાવી દઉં છું. લોકોને જે વિચારવું હોય તે વિચારવા દો. વર્કફ્રંટની વાત કરીએ તો, આથિયાએ સૂરજ પંચોલી સાથે ફિલ્મ ’હીરો’ દ્વારા ૨૦૧૫ની સાલમાં બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. છેલ્લે આથિયા નવાઝુદ્દીન સિદ્દીકી સાથે ફિલ્મ ’મોતીચૂર ચકનાચૂર’માં જોવા મળી હતી. આ ફિલ્મ ૨૦૧૯માં રિલીઝ થઈ હતી. હવે આલિયા પોતાના બે આગામી પ્રોજેક્ટ માટે ઉત્સાહિત છે. આ બેમાંથી એક પ્રોજેક્ટ દ્વારા આથિયા ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરી શકે છે. આ અંગે આથિયાએ કહ્યું, “હાલ હું બે પ્રોજેક્ટ પર કામ કરી રહી છું જેની જાહેરાત ટૂંક સમયમાં જ થશે. એક ફિલ્મ છે જે થિયેટરમાં રિલીઝ થશે અને બીજી ઓટીટી પ્લેટફોર્મ પર થઈ શકે છે. બીજા પ્રોજેક્ટ અંગે હજી સ્પષ્ટતા નથી. મહત્વનું છે કે, સુનીલ શેટ્ટીની દીકરી આથિયા પોતાના ફિલ્મી કરિયર કરતાં વધુ ચર્ચામાં કેએલ રાહુલ સાથેની રિલેશનશીપના લીધે રહે છે. આથિયા અને કેએલ છેલ્લા ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. આથિયા અવારનવાર રાહુલ સાથે ક્રિકેટ ટૂર પર જતી જોવા મળી છે. સુનીલ શેટ્ટી અને તેમનો પરિવાર પણ કેએલ રાહુલને ખૂબ પસંદ કરે છે. થોડા દિવસ પહેલા જ આથિયા, સુનીલ શેટ્ટી અને પત્ની માના શેટ્ટી કેએલ રાહુલની મેચ જોવા સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. ૈંઁન્ ૨૦૨૨માં કેએલ રાહુલ લખનૌ સુપરજાયન્ટ્સ ટીમ તરફથી રમી રહ્યો છે. કેએલને સપોર્ટ કરવા પહોંચેલા શેટ્ટી પરિવારની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.