ચેનલોને સનસનાટી ફેલાવવા પર પ્રતિબંધને નેતાઓને સનસનાટી ધનઘનાટી સર્જવાની છૂટ!!

145

તમે કોઇ હોટલ કે રેસ્ટોરન્ટમાં લંચ કે ડીનર પર ગયા છો? તમે દમ આલુ કે લસણિયા બટાટા કે વેજેટેબલ તુફાનીનો ઓર્ડર કરો છો ? પંદર મિનિટની પ્રતીક્ષા પછી માનો કે દમ આલુ કે લસણીયા બટેટાને બદલે એક પ્લેટમાં માત્ર છાલ ઉતારેલા બાફેલા બટાટા વેઇટર આપી જાય તો?
તમને પીરસવામાં આવેલ શુધ્ધ, સાત્વિક, હર્બલ, ઓર્ગેનિક વાનગી તમારા સુરાહી ( કેટલાકની તો ગીધ કે કાગડા જેવી ગરદન જોક જેવી હોય છે, બોલો.શું બોલે? કંકોડા?)જેવા કમનીય ગરદન નીચે બટાટા ઉતરશે? વેઇટ! વેઇટ. બટાટા પર મીઠું મરચું ભભરાવવાની સરકારની મનાઇ છે! એટલે તમે બટેટાને સ્વાદિષ્ટ કરવા કે સાત્વિક વાનગીને મરચું, મીઠું, મરી નાંખીને તામસી નહીં કરો!!
જૈન કે અન્ય પ્રકારના શાકાહારીઓને પરદેશમાં જમવામાં તકલીફ પડે છે નગરી નગરી દ્વારે દ્વારે ઢુઢું રે વેજીટેરિયન વાનગીયા? કોઇ એવા દેશમાં પ્રવાસ કરતા હો કે જયાં ઇન્ડિયન રેસ્ટોરેન્ટ ન હોય, જયાં શાકાહારી વાનગી મળતી ન હોય ત્યાં પનીર કે બાફેલા બટાટા ( મરી મસાલા છાંટેલા!) મળે તો તમને કમને છપ્પનભોગ મળ્યાની વાનગોનુભૂતિ થાય!!
હોટલ રેસ્ટોરેન્ટ ઉદ્યોગ રોકેટ ગતિએ વધી રહ્યો છે, તેને વિકસિત કરવામાં ગૃહિણીઓનું પ્રમાદાત્મક પ્રદાન છે. રવિવારે રસોઇ ન બનાવવી પડે તેવો કૂકરી બ્રેક લઇને આપણે હોટલ કે રેસ્ટોરન્ટમ શરણમ્‌ ગચ્છામિ કરીએ. જો તમે સમય કરતા પહેલા જીવતા હો અને વહેલા પહોંચી જાવ તો તમે સ્વર્ગ કરતાં અદકેરું ટેબલ પામી શકો. લગભગ રાત્રે આઠ વાગ્યા પહેલા પહોંચો તો જ તમે પ્રતીક્ષા વિના ડીનર પામી શકો. ત્યાર પછી જેટલા મોડા જાવ એટલા તમારા બાર વાગે વાગે ને વાગે જ. એમાં કોઇ મીનમેખ નથી!!
ઘણીવાર તો પાર્ટી બે અઢી કલાક સુધી રાહ જુએ નર્મદ જેવો લડાયક જુસ્સો ડગલું ભર્યું તે ના હતું !! ક્યારેક તો થાય કે ભાઇ કે બહેન આટલા સમયમાં ઘરઘરાઉ રાંધીને ડીનર પતાવી રોટેશન મુજબ વાસણો સાફ કરી ઉંધી ગયા હોત!!
વરસો પહેલાં આવું જ સમાચારના કિસ્સામાં હતું. ન્યુઝ ચેનલોના આગમન પહેલાં સમાચાર મેળવવા માટે આકાશવાણી કે કે વર્તમાન પત્રોનો આશરો હતો.
દૈનિકો સરકાર વિરુદ્ધ હોય કે સરકારી સાંબેલું હોય. આકાશવાણી વાસ્તવમાં સરકારી વાણી બની રહેતી. જેમ સીબીઆઈ સરકારી તોતા છે તો આકાશવાણી સરકારી બુલબુલ બની રહેતું!!તે સમયે સાચા ( હકીકતમાં ચટપટા ) સમાચાર મેળવવા લોકો બીબીસી કે મોસ્કો રેડિયો ટયુન કરતા. ક્યાંક પાનના ગલ્લે કે ચર્ચાના ચોતરે વટભેર કહેતા કે આ સમાચાર બીબીસી પર આવ્યા છે એટલે ખોટા ન હોય.૧૯૭૭માં ઇંદિરા ગાંધી લોકસભાની ચૂંટણી હારી ગયેલા. તેના સમાચાર રાત્રે એક વાગ્યે બીબીસી આ રીતે આવેલા ‘ ભારત કી પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધી અપને નિકટતમ પ્રતિદ્વન્દ્વી રાજ નારાયણ બિસારિયા સે પંચપન હજાર વોટો કે હાર ગઇ હૈ!’ આપણા વાજિંત્રોએ બીજા દિવસે બપોરે આ સમાચાર પ્રસારિત કર્યા હતા.આપણા રેડિયો સ્ટેશન મનોરંજનના નામે એવું અગડમબગડમ પિરસતાં હતા, જેની સામાન્યજનને આવશ્યકતા ન હતી.
ગીતો સાંભળવાના રસિયા સિલોન રેડિયો ટયુન કરી સવારના સાડા નવ કે દસ સુધી એકએકથી ચડીયાતા હિન્દી ગીતો સાંભળી સવારને ખુશગવારા કે ખુશનુમા કરતા હતા!!
આપણે ત્યાં અલાયદી ન્યુઝ ચેનલ ન હતી. ચોવીસ કલાકની ચેનલ ન હતી. એટલે સારા, સાત્વિક ન્યુઝ વેલ્યુ ધરાવતા સમાચારો આવતા. હવે ચોવીસ કલાક ન્યુઝ ચેનલ શું પીરસે? ક્યાંક પ્રિન્સ નામનો છોકરો બોરવેલમાં પડી જાય એટલે બે ત્રણ દિવસ ઘટનાસ્થળેથી લાઇવ કવરેજ કરી ગાડું ગબડાવે. ૯/૧૧ ની ઘટના,૨૬/૧૧ ની ઘટના મરી મસાલો ભભરાવીને ભેળની જેમ દર્શકોને ફટકાર રાખે. એમાં કોરોના આવ્યો તો ચેનલો માટે ઘટનાઓનો દુકાળ પૂરો થયો. એક દોઢ વરસ સરસ પસાર થયું.
અત્યારે બે મહીમાંથી રશિયા યુક્રેન યુધ્ધ ચાલું થયું.એમાં ગ્રાફકસની મદદથી યુધ્ધ ક્રિએટ કરાય છે. એક બહુચર્ચિત ચેનલની એંકર યુક્રેનમાં મૃતદેહનાટયમ્‌ કરતી કરતી સમાચાર આપે છે. સુજ્ઞજનો એની ટીકા કરે છે! ઓશોએ મૃત્યુનો ઉત્તમ મનાવવા કહેલું.ચેનલવાળા તેનો અમલ કરે સરકારે તમામ પ્રાઈવેટ ન્યૂઝ ચેનલોને ખોટા દાવાઓ અને ચકચારી હેડલાઈન્સ થી દૂર રહીને હદમાં રહીને કવરેજ આપવાની સલાહ આપી છે.
આ દરમિયાન વિવિધ મુદ્દાઓ પર ટીવી ચેનલોમાં બિનઅધિકૃત, ભ્રામક, સનસનીખેજ અને અસ્વીકાર્ય ભાષાનો ઉપયોગ સામાજિક વાતાવરણમાં કરવામાં આવ્યો હતો યુક્રેન-રશિયા વિશેના ખોટા દાવાઓ અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓને સતત ખોટી રીતે ટાંકવામાં આવતા સમાચારો સાથે કોઈ લેવાદેવા ન હોવાનું મથાળું આપવામાં આવ્યું હતું, અને પ્રેક્ષકોને ઉત્તેજિત કરવા માટે, પત્રકારો અને ન્યૂઝ એન્કરોએ તેમની મનપસંદ, ઉપજાવી કાઢેલી માહિતી પીરસી હતી.ન્યૂઝ ચેનલોએ જહાંગીરપુરી કેસ અને કોમી હિંસા ભડકાવનાર વીડિયો વિશેની હેડલાઇન્સ ચલાવી હતી!!
સરકારે સૌને માટે દૂરદર્શનની ન્યુઝ ચેનલ જોવાનું ફરજિયાત કરવું જોઇએ કે જયાં એક જમાનામાં સિમલા મિર્ચ જેવું નાક ધરાવતા શમ્મી નારંગ કે આરોહઅવરોહ વિના સમાચાર પઠન કરતી સલ્મા સુલતાન કે ગૃહિણી જેવી દેખાતી સરલા મહેશ્વરી મીઠા મરચા સિવાયના ફીકાફસ સમાચારોનું વાંચન થતું હતું.
મજાની વાત એ છે કે માહિતી મંત્રાલયનો હવાલો એ સજ્જન પાસે છે ,જેમણે એક પ્રદેશની ચૂંટણીસભામાં દેશના ગદારોને ગોલી મારવા જેવી બાફેલા બટાટા( મીઠું મરચું મરી છાંટ્યા વિનાના)જેવી ફિકકીફસ હાકલ કરી હતી!ચેનલોને સનસનાટી ફેલાવવા પર પ્રતિબંધ ને નેતાઓને સનસનાટી ધનઘનાટી સર્જવાની છૂટ!!

– ભરત વૈષ્ણવ

Previous articleઈંગ્લેન્ડમાં ૨૦૧૯ના ક્રિકેટ વર્લ્ડ કપ માટે ટીમ સારી રીતે આયોજન કરવામાં નિષ્ફળ રહી હતી. : યુવરાજ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે