ભાવનગર જિલ્લામાં ૬,૪૪૯ સગર્ભા માતાને એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવી માતાની ગરજ સારતી ૧૦૮ ની ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા

148

જિલ્લામાં અત્યાર સુધી ૨,૧૪,૦૯૭ થી વધુ કિસ્સામાં પ્રસૂતિ દરમિયાનની સેવા પૂરી પાડવામાં આવી
સમગ્ર વિશ્વમાં માતાના બાળક માટેના નિઃસ્વાર્થને ઉજાગર કરવાં માટે વિશ્વભરમાં વિશ્વ માતૃત્વ દિવસ માર્ચ કે મે મહિનામાં ઉજવવામાં આવે છે. ભારતમાં તે મે મહિનાના બીજા રવિવારના દિવસે મનાવવામા આવે છે. સને- ૧૯૦૮ માં અમેરિકાના અન્ના જાર્વિસ દ્વારા તેમની માતા એન્ન રીસે જાર્વિસ જે એક શાંતિ કાર્યકર હતાં. તેમની યાદમાં સૌ પ્રથમ વિશ્વ માતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી રીસે જાર્વિસનું સમાધિ સ્થળ કે જે અમેરિકાના વેસ્ટ વર્જિનીયામાં આવેલું છે તે આંતરરાષ્ટ્રીય માતૃત્વ દિવસનું સ્થાનક બની રહ્યું છે. ભારતમાં પણ માતૃત્વનો અનેરો મહિમા છે એટલે જ ‘’એક માતા સો શિક્ષકની ગરજ સારે છે’’. ગુજરાતી કવિ બોટાદકરે માતાના આ પ્રેમને છાજે તેમ લખ્યું છે કે,’’જનની તો જોડ સખી નહીં જડે રે લોલ…’’ આમ, ભારતમાં પણ માતૃત્વનો મહિમા અનોખો છે. માતાના વ્હાલ અને પ્રેમની તોલે કોઇ ન આવી શકે તેવી માતાની યાદનો દિવસ એટલે વિશ્વ માતૃત્વ દિવસ… અને આ દિવસની અનેક જગ્યાએ વિવિધ રીતે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ભાવનગર વહીવટી તંત્ર દ્વારા ચાલતી ૧૦૮ ની ઇમરજન્સીની સેવા ખરાં અર્થમાં માતાની ગરજ સારે છે. જિલ્લાની ૧૦૮ ની સેવા દ્વારા અનેકવાર સગર્ભા માતાની સેવા કરી રહી છે અને સગર્ભા માતા મૃત્ય દર ઘટાડવામાં મહત્વપૂર્ણ સાબિત થઇ છે. સગર્ભા માતાને ૧૦૮ ની સેવા થકી જિલ્લાના અંતરીયાળ અને છેવાડાની સગર્ભા માતાના ઘરના ઉમરા સુધી પહોંચીને યોગ્ય હોસ્પિટલ લઈ જતાં ભાવનગર જિલ્લામાં ૬,૪૪૯ સગર્ભા માતાને એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવવામાં આવી છે. પ્રસૂતિ દરમિયાનના કિસ્સામાં બે લાખ (૨,૧૪,૦૯૭) થી વધારે સગર્ભા માતાને સેવા પૂરી પાડવામાં આવી છે. આ રીતે ખરા અર્થમાં ૧૦૮ ની ઇમરજન્સી એમ્બુલન્સ સેવા એ એક માતા જે રીતે પોતાના બાળકની સંભાળ રાખે તે રીતે કાળજી રાખીને એક માતાની ભૂમિકા ભજવી છે. આ રીતે રાજ્ય સરકારની નિઃ શૂલ્ક એવી ૧૦૮ સેવામાં માતૃત્વ દિવસ ઉપર અનેક માતા આ સેવા કરવાના આશીર્વાદ મેળવી ચૂકી છે. જિલ્લામાં છેલ્લા ૩ મહિનામાં પ્રસૂતિ જાન્યુઆરી મહિનામાં ૨૮ પ્રસૂતિ, ફેબ્રુઆરીમાં ૨૫ પ્રસૂતિ અને માર્ચ મહિનામાં ૩૮ પ્રસૂતિ ૧૦૮ એમ્બ્યુલન્સ વાનમાં કરવામાં આવી છે. જ્યારે જિલ્લામાં છેલ્લાં ત્રણ મહિનામાં ૬૨૩૨ સગર્ભા માતાને આ સેવાનો લાભ મળ્યો છે. જાન્યુઆરી મહિનામાં ૧,૪૦૯ સગર્ભા, ફેબ્રુઆરીમાં ૧,૮૬૨ સગર્ભા અને માર્ચ મહિનામાં ૧૯૦૧ સગર્ભા ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જિલ્લાની સગર્ભા અવસ્થામાં એકપણ માતાનું મૃત્યુ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવામાં નોંધાઇ નથી. આમ, ૧૦૮ ની આકસ્મિક એમ્બ્યુલન્સ સેવા ભાવનગરની માતૃત્વ ધારણ કરેલી મહિલાઓના બાળકોને સુરક્ષિત રીતે આ જગતમાં લાવવાં માટે માતાની ભૂમિકા ભજવી છે. આ માતાઓના સંતાનોને જ્યારે મોટા થઇને ખબર પડશે કે તેમને આ જગતમાં લાવવાં માટે ૧૦૮ ની સેવાએ કેવી મહત્વપૂર્ણ કામગીરી કરી હતી. તો તેઓ તેમની માતા સાથે ૧૦૮ એ પણ માતાની ગરજ સારી હતી તેવી યાદ સાથે યાદ કરશે એ જ ૧૦૮ માટે વિશ્વ માતૃત્વ દિવસની સાચી ઉજવણી બની રહેશે.

Previous articleસીસીટીવી કેમેરાની નજરમાં ધો. ૧૦ માં ૮૫ અને ધો. ૧૨ માં ૫૧ ગેરરીતિ શંકાસ્પદ
Next articleરાંધણગેસના ભાવ રૂ. ૫૦ નો વધારો થતા ભાવનગરની ગૃહિણીઓમાં રોષ