ઘરેલુ બાટલાનો ભાવ રૂ. ૧૦૦૭.૫૦ ની ઉચ્ચ સપાટીએ પહોંચ્યો : રાંધવાનુ પણ મોંઘુ બન્યુ, રાંધણગેસના ભાવમાં એક વર્ષમાં રૂ. ૧૯૦ નો જંગી ભાવ વધારો ઝીંકાયો
મોંઘવારીનો માર આજે શનિવારે ફરી એકવાર પડયો છે. સરકારે આજે રાંધણગેસના ભાવમાં રૂ. પ૦નો વધારો ઝીંકી દીધો છે તેથી રાંધણગેસનો બાટલો મોંઘો થઈ ગયો છે. રાંધણગેસના બાટલાના ભાવ રૂ. ૧ હજારની સપાટી વટાવી ગયા છે તેથી ભાવનગરની ગૃહિણીઓમાં રોષ ભભૂકી ઉઠયો છે. રાંધણગેસના ભાવમાં વારંવાર વધારો થતા હાલ રાંધવુ પણ મોંઘુ થઈ ગયુ છે. હાલ જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે ત્યારે લોકો ભાવ ઘટાડવા માંગણી કરી રહ્યા છે પરંતુ સરકાર ભાવ વધારી રહી છે, આવુ આજે શનિવારે જોવા મળ્યુ હતું. સરકારે રાંધણગેસના ૧૪.ર૦૦ કિલોના બાટલાના ભાવમાં રૂ. પ૦નો વધારો કર્યો છે તેથી લોકોને મોંઘવારીમાં વધુ એક ઝટકો લાગ્યો છે. રાંધણગેસના બાટલાનો ભાવ રૂ. ૯પ૭.પ૦ હતો પરંતુ આજે રાંધણગેસના ભાવમાં રૂ. પ૦નો વધારો થતા હાલ રાંધણગેસના બાટલાના ભાવ રૂ. ૧૦૦૭.પ૦એ પહોંચી ગયા છે. છેલ્લા એક વર્ષમાં રાંધણગેસના ભાવમાં રૂ. ૧૯૦નો ભાવ વધારો થયો છે. ગત એપ્રિલ-ર૦ર૧માં રાંધણગેસના બાટલાનો રૂ. ૮૧૭.પ૦ હતો પરંતુ ત્યારબાદ વારંવાર રાંધણગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો તેથી હાલ રાંધણગેસના ભાવ ૧૦૦૭.પ૦ની ઉચ્ચસપાટીએ પહોંચી ગયા છે તેમ ભાવનગરના ગેસ એજન્સીના સંચાલકે જણાવ્યુ હતું. રાંધણગેસના ભાવ વધતા હાલ એલપીજી ગેસના બાટલાથી રસોઈ કરવી મોંઘી થઈ છે તેથી મહિલાઓ કચવાટ કરતી નજરે પડી રહી છે. ભાજપ સરકાર વિપક્ષમાં હતી ત્યારે મોંઘવારીનો વિરોધ કરતી હતી અને અચ્છેદિનની વાતો કરતી હતી પરંતુ હવે રાંધણગેસના ભાવમાં ભડકો થયો છે ત્યારે નેતાઓ ચુપ થઈ ગયા છે તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે. રાંધણગેસ સહિતની જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો કરવા લોકો માંગણી કરી રહ્યા છે.
કોર્મશીયલ રાંધણગેસના ભાવ રૂ. ૨૩૬૫.૫૦ની સપાટીએ પહોંચ્યા
કોર્મશીયલ રાંધણગેસના ભાવ વધુ જ હતા પરંતુ સરકારે તાજેતરમાં ફરી કોર્મશીયલ રાંધણગેસના ભાવ રૂ. ૧૦૦નો જંગી વધારો કર્યો હતો. આજે શનિવારે કોર્મશીયલ રાંધણગેસના ભાવ રૂ. ૯.પ૦નો ભાવ ઘટાડો થયો છે તેથી કોર્મશીયલ રાંધણગેસના બાટલાની કીંમત રૂ. ર૩૬પ.પ૦એ પહોંચી છે. કોર્મશીયલ રાંધણગેસના ભાવમાં પણ વારંવાર વધારો થઈ રહ્યો છે તેથી હોટલ, રેસ્ટોરન્ટવાળાઓના બજેટ ખોરવાય ગયા છે. હોટલ, રેસ્ટોરન્ટમાં જમવાનુ મોંઘુ થઈ ગયુ છે તેથી ગ્રાહકોની મૂશ્કેલી વધી છે.
એલપીજી ગેસના ભાવ ઘટાડવા માંગણી
એલપીજી ગેસના ભાવ ઘટાડવા માંગણી ઉઠી રહી છે. ઘર વપરાશના ગેસના બાટલામાં તેમજ કોર્મશીયલ બાટલામાં એલપીજી ગેસનો ઉપયોગ થાય છે. સરકાર દ્વારા એલપીજી ગેસના ભાવમાં વારંવાર વધારો ઝીંકવામાં આવી રહ્યો છે તેથી રસોઈ બનાવવી મોંઘી થઈ ગઈ છે તેમ કહી શકાય. બંને ગેસના બાટલાઓમાં ભાવ ઘટાડવામાં આવે તો લોકોને રાહત થાય છે. પાઘડીનો વળ છેડે આવે તેમ હાલ ગેસના ભાવ વધતા સામાન્ય લોકોની પરેશાની વધી છે.