અમદાવાદ,તા.૮
એપ્રિલ મહિનાથી જ અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પારો હાઈ રહ્યો છે. જ્યારે મે મહિનામાં તો તાપમાન ૪૦થી ૪૪ ડિગ્રીની વચ્ચે જ નોંધાઈ રહ્યું છે. જોકે છેલ્લા ૩-૪ દિવસથી ગરમી ૨-૩ ડિગ્રી ઘટી હતી પરંતુ હવામાન વિભાગે ફરીએકવાર રાજ્યના કેટલાક શહેરોમાં હીટવેવની આગાહી કરી છે. જેમા ખાસ કરીને અમદાવાદમાં ગરમીનો પારો ૪૫ ડિગ્રી સુધી પહોંચી શકે છે. સતત ૪-૫ દિવસ સુધી ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે. નોંધનીય છે કે, અમદાવાદમાં ૧૧ વર્ષમાં માત્ર ૨૦૧૬માં જ ગરમીનો પારો ૪૮ ડિગ્રી નોંધાયો હતો જોકે ત્યારબાદ ૪૪ ડિગ્રીથી વધુ ગરમી પડી નથી. અમદાવાદમાં થોડા દિવસથી હીટવેવનું જોર ઘટતાં ગરમીથી રાહત રહી હતી. પરંતુ, હવે આજથી ૧૪ મે સુધી ઉત્તર-પશ્ચિમના ગરમ પવનો ફૂંકાશે, જેની અસરોથી અમદાવાદમાં ફરી ગરમીનો પારો ૪૪ ડિગ્રી પહોંચશે. આ ચાર દિવસોમાંથી એક દિવસ હિટવેવને લીધે ગરમીનો પારો ૪૫એ પહોંચી શકે છે. અમદાવાદમાં ગત ૨૭ એપ્રિલથી ૨ મે દરમિયાન હિટવેવથી ગરમીનો પારો ૪૩થી ૪૪ ડિગ્રી વચ્ચે રહ્યો હતો. શનિવારે અમદાવાદમાં ગરમીનો પારો ૪૧.૭ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨ ડિગ્રી વધીને ૨૮.૪ ડિગ્રી નોંધાયો હતો. ૮ શહેરોમાં ગરમીનો પારો ૪૧ ડિગ્રીથી વધુ નોંધાયો હતો.આજથી ઉત્તર-પશ્ચિમના પવનો શરૂ થશે, જેની અસરથી ગરમીનો પારો અચાનક ઉંચકાશે. બંગાળની ખાડીમાં એક લો-પ્રેશર રચાયું છે, જે આગામી બે દિવસોમાં મજબુત બનશે. લો-પ્રેશરની અસરથી હાલમાં પવનની પેટર્ન એ રીતની થઇ છે કે, રણ-સુકા પ્રદેશના ઉત્તર અને ઉત્તર-પશ્ચિમના પવનો ખેંચાઇને નીચે થઇને બંગાળની ખાડીમાં જાય છે. જેથી રવિવારથી ગુજરાત-અમદાવાદ ઉપર ગરમ પવનોનો મારો ચાલુ થશે, જેને કારણે પાકિસ્તાન, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના મેદાની વિસ્તારોમાં હિટવેવથી ગરમીનો પારો ઉંચકાશે.
અમદાવાદમાં મે મહિનામાં પડેલી ગરમી
વર્ષ ડિગ્રી
૨૦૧૧ ૪૩.૪
૨૦૧૨ ૪૩
૨૦૧૩ ૪૪.૩
૨૦૧૪ ૪૪.૫
૨૦૧૫ ૪૪.૬
૨૦૧૬ ૪૮
૨૦૧૭ ૪૩.૬
૨૦૧૮ ૪૪.૮
૨૦૧૯ ૪૪.૩
૨૦૨૦ ૪૪.૧
૨૦૨૧ ૪૩