સમાજમાં કેટલાકને મોટા ભા થવાના ધખારાના ફુંવારા ગબારાની જેમ ઉડતા હોય છે. કોઈ એમના માટે બે સારા શબ્દો કહે તે માટે ચાર કે આઠ પૈસા ખરચવાનો વાંધો હોતો નથી અપવાદોને બાદ કરતા બધા એવોર્ડ, સન્માનપત્રો, ટ્રોફીઓ, ચંદ્રકો મેનેજ કરાયેલ હોય છે. ફિલ્મો/ નાટકોના એવોર્ડ અંગે જેમને એવોર્ડ ન મળ્યા હોય તે આ પ્રકારનો પુણ્ય પ્રકોપ ઠાલવતા હોય છે.!!!
આ પ્રકારની વૃતિ કે માનસિકતાને જાણીતા મનોવૈજ્ઞાનિક મેસ્લો અબ્રાહમ જરૂરિયાતોના વર્ગીકરણમાં પાંચમા ક્રમની જરૂરિયાત તરીકે ઓળખાવે છે. માણસની રોટી, કપડાં , મકાનની એટલે કે મૂળભૂત જરૂરિયાત સંતોષાય એટલે સ્વઆવિસ્કાર એટલે કે મને મોટો ભા બનાવોની વૃતિ સાપની જેમ ફૂંફાડા મારવા માંડે છે. ક્યાંક લાંબી ડોક કરીને કોઈ ફૂલોની માળા પહેરાવે, ખિસ્સામાં કાતર રાખી ઉદ્ધાટનની રીબીન કાપવાના ધખારા થાય છે. સોસાયટીના ચેરમેન થઈ છાપામાં નામ છપાવવાની ધખના છાનીછપની હોતી નથી. ક્યાંક ગાંઠના ખર્ચે રોગ નિદાન કેમ્પનું આયોજન કરી કેમ્પ સફળ બનાવવા જહેમત ઉઠાવનારની યાદીમાં પહેલા નંબરે રહેવા ધક્કામુક્કી કરે છે!!એ જ રીતે ગ્લુકોઝ બિસ્કિટના પાંચ પેકેટનું વિતરણ કરી સવાસો મહાનુભાવ ને પાંચસો કાર્યકરોના નામવાળી યાદી તંત્રીશ્રીઓને મોકલી આપે છે.
આપણી વાત જરા જુદી છે. એમાં સંપ અને સહકારને પ્રમોટ કરવાની સાથોસાથ મૂળભૂત રીતે છવાઈ જવાની કે છાકો પાડવાની છેલછબીલી મનોવૃત્તિ અધ્યાહાર છે.એક સોસાયટીમાં રહેતા, એક પ્રદેશના લોકો , સાથે નોકરી કરતા લોકોનો સમુહ. આ બધાને ઘરવપરાશની વસ્તુઓ જથ્થાબંધ ભાવે લાવી સભ્યોને આપવાથી બે પૈસાની બચત થાય, સારી ગુણવતાવાળી વસ્તુ મળે અને આ બહાને તથાકથિત આગેવાનને સ્વીકૃતિ મળે!!!
આ વાત ગાંધીનગરાઓની છે. ગાંધીનગરની રચના થયા બાદ લાંબા અરસા લગી કર્મચારી નગર તરીકે ઓળખાતું રહ્યું છે. ઉનાળામાં એટલી ધૂળની ડમરી કે આંધી ચડે એટલે આંધીનગર તરીકે પણ ઓળખાતું રહ્યું છે. શરૂઆતના તબકકે સમશાન પણ ન હતું.એટલે લોકો પેથાપુરના સ્મશાને અંતિમવિધિ કરતા હતા!! પછી સેકટર ૩૦ નું સ્મશાન શરૂ થયું. જે ખરેખર સેકટર-૩૦ મા નથી!!!
રજાઓમાં અમદાવાદ જતી બસોમાં બેસી માધુપુર કાલુપુરની બજારમાંથી હોલસેલ દુકાનોમાંથી કરયાણુ લઈ આવી થોડી બચત કર્યાનો સાત્વિક આનંદ લેતા હતા. આમાં કારકુન કે પટાવાળા કે આસીસ્ટંટ ન હતા નાયબ સચિવ ક ઉપ સચિવ પણ હતા. તે સમયે શોપિંગની દુકાનવાળા ઉઘાડી લૂંટ ચલાવે છે એ માન્યતા ઘર કરી ગઈ હતી તે આજે પણ યથાવત્ છે. નિયમિત ઘરાકને ડિસ્કાઉન્ટ આપવાના બદલે મહંતનું કિંમતથી એકાદ રૂપિયો ઓછો લઇ વેપાર ન થાય તેવું તેમનું ડઠર વલણ હોય તો સેકટરે સેકટરે વોલમાર્ટ આવે તેમાં આઘાતજનક શું છે?
સચિવાલયમાં કારકુન / મદદનીશ તરીકે ભરતી થયેલા યંગ તુર્ક હાથવાટકા જેવા. કેટલાક લોકો વીએચપી એટલે કે વિશ્વ હિન્દુ પરિષદ નહી પણ વેરી હરખપદુડા હોય છે. અમારો જયલો આ માયલો.
પચ્ચીસ મિત્રોની સાથે વહટી કરી. ગોંડલની એક તેલ મિલનો માલિક જયલાનો જીગરી. તેને વાત કરી. પેલાએ દોઢસો તેલના ડબ્બા ઉધારીમાં મોકલી દીધા. જેમને તેલ લેવાનું હતું તેની યાદી તૈયાર હતી.એ સમયે મોબાઈલ તો હતા નહી. રિસેસમાં કેન્ટિનમાં લંચ સમયે બધા ભેગા થાય. જયલાએ તેલ આવ્યાની વધામણી આપી. મારા ઘરેથી તેલના ડબ્બા લઈ જજો- જયલો ઉવાચ. એ સમયે ભાગ્યે જ કોઈ કર્મચારી પાસે લેમ્બ્રેટા હોય. સ્કૂટર એટલે લેમ્બ્રેટા આ છાપ રૂઢ થયેલી. બધા પાસે સારી કે ખખડધજ સાઈકલ હોય. સરવાળે છકડો ભાડે કરીને હોમ ડિલિવરીનો નિર્ણય કરાયો. એક સેકટરમાં રહેતા મિત્રો, બાજુના સેકટરમાં રહેતા હોય એવા મિત્રોની યાદીના આધારે તેલના ડબ્બાનું વિતરણ કાર્ય ચાલું કર્યું. જયલાની મદદમાં હું રહ્યો.આ મિત્રોની અપેક્ષા કેવી હોય તેની ખબર પડવા લાગી. પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવું. મુકેશભાઈ નામના સજજન મિત્ર અમને મજૂર સમજતા હોય તેમ પહેલાં માળના સ્ટોરમાં ડબ્બા મુકવા હુકમતુલ્ય વિનંતી કરી. જાણે આમાંથી અમારે કમિશન ખાવાનું ન હોય. માનો કે ઓઈલ કૂપન જેવું સ્કેમ. બીજા ભાઈબંધે પગાર થયાને બે દિવસ થયા છતાં પૈસા આગલા પગારે આપવાનો વાયદો કર્યો. ત્રીજાએ ડબ્બાની કિંમત રાઉન્ડમાં કરીને પચાસ રૂપિયાનો ચુનો લગાવ્યો. તેલના ડબ્બાની કિંમતમાં છકડા ભાડાના રૂપિયા થોડા ઉમેરવાના હોય ? આની કયાં કોઈ વાત થઈ છે એ તો જયલા અને તારે ભોગવવાના – ચોથા મિત્રનો તર્ક. પંચમીને ત્યાં તેલના ડબ્બા આપીને ચા- પાણી કરતા હતા ત્યાં ઊપલા નામનો મિત્ર આવીને કહે એક ડબ્બો તીણો છે. ડબ્બો બદલી આપો.આ કંઈ દુકાન હોય કે વધારાના ડબ્બા હોય?
અમે જેના ઘરે હતા ,તેણે મામલો હાથમાં લઈ લીધો.
“ઉપલા તારે ઘરે કપડા ધોવાનો સાબુ છે?” સુધલાએ પૂછ્યું.
“ હા હા”ઉપલાએ ટૂંકાણમાં જવાબ આપ્યો.
ઉપલો સવાલના ઇન સ્વીંગથી ગુંચવાયો. “પણ તેનું શું છે?” એની અકળામણ પ્રશ્ન દ્વારા વ્યક્ત કરી.
સુધલોએ વધુ આઉટ સ્વીંગ ફેંક્યો,” ડોબા તેલનો ડબ્બો ઊંધો કરી સાબુની ગોટી કાણા પર રેણની જેમ લગાવી દે. તેલનો કોઈ ડબ્બો ખાલી હોય તો તેમાં તેલ ઠાલવી દે. આ લોકો કંઈ વેપારી છે. આમાંથી કંઈ નફો કરવાના છે? આ બે જણા ગાંઠના ગોદડે ગોપીચંદન ઘસ છે. મદદ કરવાના બદલે છુંછા જેવી વાત કરે છે”
તેલનો પ્રોજેકટ તો માંડ માંડ પૂરો થયો. અમે ખિસ્સા પાંચસો રૂપિયા જોડયા. ત્યારેથી પાણી મૂક્યું કે સહકારી ધોરણે તેલ કે કોઈ વસ્તુ લાવી ઉલેમાથી ચુલમાં પડવું નહી.
– ભરત વૈષ્ણવ