રશિયા બન્યું વધુ આક્રમક : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું અને હવે સ્થિતિ દિવસેને દિવસે વધુ ખરાબ થઈ રહી છે
કિવ, તા.૭
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું અને હવે સ્થિતિ દિવસેને દિવસે વધુ ખરાબ થઈ રહી છે. તાજેતરના કિસ્સામાં રશિયાએ પૂર્વ યુક્રેન પર બોમ્બમારો કર્યો છે. આ બોમ્બ વિસ્ફોટમાં એક શાળા ઝપેટમાં આવી ગઈ છે, જેમાં ઓછામાં ઓછા ૬૦ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ માહિતી લુહાન્સ્કના ગવર્નર સેરહી હૈદાઈએ આપી છે. આ અંગે કહેવામાં આવી રહ્યું છે કે, રશિયન સેનાએ પૂર્વી યુક્રેનના બિલોહોરીવકા ગામમાં આ હુમલો કર્યો છે. ગવર્નર હૌદાઈએ કહ્યું કે રશિયાએ જે સ્કૂલ પર હુમલો કર્યો તેમાં લગભગ ૯૦ લોકોએ આશરો લીધો હતો. જેમાંથી ૩૦ લોકોને બચાવી લેવાયા છે. ગવર્નરે કહ્યું કે. લગભગ ૪ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો, ત્યારબાદ કાટમાળ હટાવવામાં આવ્યો હતો, કમનસીબે ત્યાંથી બે મૃતદેહ મળી આવ્યા હતા. તેમણે જણાવ્યું કે કાટમાળમાંથી ૩૦ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, જેમાંથી ૭ લોકો ઘાયલ થયા છે. શાળાની ઇમારતના કાટમાળ નીચે ૬૦ લોકોના મોત થયા હોવાની આશંકા છે. યુક્રેન અને પશ્ચિમી દેશોએ રશિયા પર નાગરિકોને નિશાન બનાવીને યુદ્ધ અપરાધ કરવાનો આરોપ લગાવ્યો છે. તો સાથે જ રશિયાએ આ દાવાઓને ફગાવી દીધા છે. રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા કેટલાય મહિનાઓથી ચાલી રહેલા આ યુદ્ધમાં હજારો લોકોના મોત થયા છે, અનેક શહેરો બરબાદ થઈ ગયા છે અને લાખો લોકો વિસ્થાપિત થયા છે. બે મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા આ યુદ્ધમાં સફળતા ન મળવાથી પરેશાન રશિયન સેનાએ હવે પૂર્વી યુક્રેનને નિશાન બનાવ્યું છે. રશિયાએ અહીં હજારો સૈનિકો તૈનાત કર્યા છે. આ સૈનિકો પૂર્વ યુક્રેનના શહેરો પર સતત હુમલા કરી રહ્યા છે. રવિવારે રશિયન સેનાએ દોનેત્સ્ક અને હોલ્મિવ્સ્કી શહેરો પર પણ હુમલો કર્યો હતો. જેમાં ઘણા લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. તો સાથે જ યુક્રેનની સેના પણ રશિયા સામે જોરદાર ટક્કર આપી રહી છે.