બાપાની મઢુલીનું બિલ ફાડી મ્યુ. તંત્ર વાહકોએ કરેલી ભૂલનું ભાન કરાવતી આમ આદમી પાર્ટી
ગુજરાતના રાજકારણમાં ભાવનગરથી આમ આદમી પાર્ટીને મળી રહેલા મુદ્દા ભારે ગરમાવો સર્જી રહ્યા છે. શાળાઓની નબળી સ્થિતિ, સરકારી અનાજનું કૌભાંડ બાદ હવે હિન્દૂ સંત બજરંગદાસ બાપાના નામે કોર્પોરેશને યુઝર્સ ચાર્જના નામે બિલ ઇસ્યુ કરતા આમ આદમી પાર્ટીએ મુદ્દો રાજકીય બનાવ્યો હતો અને આજે ઢોલ વગાડી બાપાના ફોટા સાથે યાત્રા યોજી કોર્પોરેશન જઇ મ્યુ. કમિશનર સમક્ષ પૈસા જમા કરાવ્યા હતા.
મહાનગરપાલિકાના ઘરવેરા વિભાગ દ્વારા હાલમાં વર્ષ ૨૦૨૨ ૨૩ના મિલકત વેરાના બિલ બજવણીની કામગીરી શરૂ છે જેમાં શહેરના આનંદનગર સ્લમ બોર્ડમાં બિનરહેણાંક મિલકતનું બીલ બજરંગદાસ બાપાની મઢુલી નામના માલિક તરીકે બજવવામાં આવ્યું હતું. માલિકનું નામ બજરંગદાસ બાપાની મઢુલી હોવાથી આશ્ચર્ય સાથે તંત્રની બેદરકારી બહાર આવી છે. મિલકત વેરા માટે કરદાતાઓના બિલ પ્રિન્ટ કરી મેલેરિયા વિભાગના કોન્ટ્રાક્ટ બેઈજના બહેનો દ્વારા ઘરે ઘરે જઈ બિલની બજવણી કરવામાં આવી રહી છે. જે દરમિયાન ઉત્તર કૃષ્ણનગર રુવા વોર્ડના સ્લમબોર્ડ, આડોડીયા વાસ પાસે આનંદનગર ખાતે બીન રહેણાંક મિલકતનુ કુલ રૂપિયા ૩૦૩૦નું બિલ બજાવવામાં આવ્યું હતું. પરંતુ તે બિલમાં મિલકતના માલિકનું નામ બજરંગદાસ બાપાની મઢુલી તરીકે બજવાયુ છે. મિલકતના માલિક નામમાં તંત્રની ક્ષતિને કારણે આ બીલ ચર્ચામાં પણ રહ્યું હતું. આથી આજે આમ આદમી પાર્ટીએ વાજતે ગાજતે બીલની રકમ ભરી હતી. બીલના પૈસા જમા કરાવવા ચલણી નોટોના બદલે પરચુરણ જમા કરાવતા મ્યુ. કર્મીઓ પરચુરણ ગણવામાં ધંધે લાગ્યા હતા..!!