મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમાં ગુજરાત સરકારના સાયન્સ ટેકનોલોજી વિભાગના ગુજરાત સેન્ટર ઓફ એકસલન્સ, નાસ્કોમ અને IIT ગાંધીનગર વચ્ચે સેન્ટર ઓફ એકસલન્સ ફોર ઇન્ટરનેટ ઓફ થીંગની સ્થાપના માટેના MOU કરવામાં આવ્યા છે.
ભારત સરકાર દ્વારા આવા પાંચ સેન્ટર ઓફ એકસલન્સ દેશભરમાં શરૂ કરવાના ભાગરૂપે ગુજરાતે આ પહેલ કરી છે. આ અંતર્ગત IIT ગાંધીનગરના સહયોગથી ઇન્કયુબેશન સેન્ટર સ્થાપિત કરવામાં આવશે. આ સેન્ટર કાર્યરત કરવાનો મૂળભૂત હેતુ આરોગ્ય, ખેતી, ઉત્પાદન વગેરે ક્ષેત્રોમાં નવા ઇનોવેશન્સ માટે સ્ટાર્ટઅપ યુવાઓને વ્યાપક સુવિધા પ્રાપ્ત કરાવવાનો છે.
ગુજરાતની યુવા પેઢીમાં રહેલી ઊદ્યોગ સાહસિક ક્ષમતાથી યુવા સ્ટાર્ટઅપને IIT અને નાસ્કોમ જેવી આધુનિક જ્ઞાન સુવિધા સંપન્ન તજ્જ્ઞતાનો લાભ મળશે. વિકસીત દેશોમાં આ પ્રકારના સેન્ટર ઓફ એકસલન્સ ફોર ઇન્ટરનેટ ઓફ થીંગ્સનો જે ખ્યાલ છે તે હવે ગુજરાતના યુવાઓને પણ ઘરે બેઠાં પ્રાપ્ત થશે.
આ પહેલ એક એવા પ્લેટફોર્મની રચના કરશે જેમાં ઉદ્યોગથી લઇને શિક્ષણ જગત સુધીના લોકો ઇન્ડસ્ટ્રી ૪.૦ માટે ડિજિટલ સોલ્યૂશન્સનું સહ-સર્જન કરી શકશે. નાસકોમ શ્રેષ્ઠતમ્ રિસર્ચ બજાર સુધી પહોંચાડવા માટે શિક્ષણ જગત, કંપનીઓ, નીતિના રચયિતાઓને સાંકળતા સેતુની ભૂમિકા ભજવશે.