સ્થિતિ બેકાબૂ બની રહી છે કેદારનાથ અને બદરીનાથ ધામમાં ભાવિકો માટે યોગ્ય વ્યવસ્થાનો અભાવ, સ્વાસ્થ્યની તપાસ કરવા માટે પણ પૂરતી વ્યવસ્થા જોવા મળી રહી નથી
નવી દિલ્હી,તા.૯
ચારધામ યાત્રા શરૂ થયા બાદ ભાવિકોનો બેકાબૂ ધસારો થયા બાદ હવે અંધાધૂધીની સ્થિત સર્જાઈ છે. ૬ મેના રોજ યાત્રા શરૂ થયા બાદ ઉત્તરાખંડ સરકારે પણ નહીં વિચાર્યુ હોય તેટલી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે અને તેના કારણે સરકારે અગાઉથી વ્યવસ્થા અને સૂચનાઓ બહાર પાડી હતી. જોકે હવે સ્થિતિ બેકાબૂ બની રહી છે. કેદારનાથ અને બદરીનાથ ધામમાં ભાવિકો માટે યોગ્ય વ્યવસ્થાનો અભાવ છે. સ્વાસ્થ્યની તપાસ કરવા માટે પણ પૂરતી વ્યવસ્થા જોવા મળી રહી નથી. જેના પગલે પહેલા ૬ દિવસમાં ૧૬ ભાવિકોના મોત થઈ ચુકયા છે. ચાર ધામની યાત્રા માટે ભાવિકો સંપૂર્ણ રીતે સ્વસ્થ હોય તે જરૂરી છે. આ સંજોગોમાં મેડિકલ ચેક અપ વગર આવતા ભાવિકોને પણ યાત્રા માટે મંજૂરી આપવામાં આવી રહી છે. જેમાં તેમણે લખી આપવાનુ હોય છે કે, મને જો કશું થયુ તો તે માટે હું જાતે જ જવાબદાર હોઈશ. કેદારનાથમાં તો પોલીસની કામગીરી પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. પોલીસ ભાવિકોને ધક્કા મારી રહી છે, લાઠી ચાર્જ કરી રહી છે અને તેનાથી લોકોમાં રોષ પણ છે. કેદરાનાથના દ્વાર ખુલ્યા ત્યારે વીઆઈપી ગેટ પર યાત્રિકો સાથે પોલીસે કરેલી ધક્કામુક્કીથી ઘણા દર્શન વગર પાછા ફર્યા હતા. સાધુઓને પણ ધક્કા મારવામાં આવ્યા હતા અ્ને એ પછી પોલીસે માફી માંગી હતી. દરિયાઈ સપાટીથી ૧૦૦૦૦ થી ૧૨૦૦૦ ફૂટ ઉંચાઈએ યાત્રાધામ આાવેલા હોવાથી ભાવિકોના હાર્ટ એટેકથી મોતના કેસ વધી રહ્યા છે. આમ છતા હેલ્થ ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત કરાયા નથી. ભાવિકોના હેલ્થ ચેક અપ માટની વ્યવસ્થા પૂરી નથી. ઉત્તર કાશીના મેડિકલ ઓફિસરનુ કહેવુ છે કે, ભાવિકોની સંખ્યા પર પણ રોક લગાવાઈ નથી. જેના કારણે ચેક પોસ્ટ પર મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. ચેક અપ પણ કરાવી રહ્યા નથી. લોકો પોતાની જાતની જવાબદારી લેતુ લખાણ આપી દેવા માટે તૈયાર થઈ જાય છે.