એમસીડીની ટીમ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ : ટીમ પહોંચી તો લોકોએ રસ્તા પર બેસીને ખૂબ નારા લગાવ્યા, લોકોની દલીલ હતી કે માત્ર મુસ્લિમ વિસ્તારોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે
નવી દિલ્હી,તા.૯
દેશના રાજધાની દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં લગભગ ૩ કલાક હોબાળો અને નારાબાજી થયા પછી આખરે એમસીડીનું બુલડોઝર પાછું ફર્યું છે. સોમવારના રોજ શાહીન બાગ વિસ્તારમાં ભારે પોલીસ ફોર્સ સાથે એમસીડીની ટીમ પહોંચી હતી. દબાણ હટાવો અભિયાન અંતર્ગત ટીમ બુલડોઝર લઈને ત્યાં પહોંચી હતી. સવારના લગભગ ૧૧ વાગ્યે જ્યારે ટીમ દબાણ દૂર કરવા માટે ત્યાં પહોંચી તો લોકોએ રસ્તા પર બેસીને ખૂબ નારા લગાવ્યા. લોકોની દલીલ હતી કે માત્ર મુસ્લિમ વિસ્તારોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. શાહીન બાગની મહિલાઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. લોકોને હટાવવા માટે પોલીસકર્મી આગળ તો વધ્યા પરંતુ મહિલાઓને જોઈને કાર્યવાહી રોકી દેવામાં આવી હતી. પેરા મિલિટ્રી ફોર્સ પણ ઘટનાસ્થળે હાજર હતી. પ્રદર્શન કરનાર મહિલાઓ અને પુરુષોની અટકાયત પણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળ પર આમ આદમી પાર્ટીના નેતા પણ પહોંચ્યા હતા, તેમણે જણાવ્યું કે, શાહીન બાગમાં બુલડોઝર બતાવીને ડરનો માહોલ ઉભો કરવામાં આવી રહ્યો છે. ઓખલા વિસ્તારના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન પણ શાહીન ભાગ પહોંચ્યા હતા. તે પણ પ્રદર્શનમાં હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, બે દિવસ પહેલા જ દબાણ હટાવી લેવામાં આવ્યુ હતું, ભારતીય જનતા પાર્ટી શાંતિ વખોડવાનો પ્રયત્ન કરી રહી છે. ત્યાં હાજર લોકોએ જણાવ્યું કે, ગરીબો પર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે. અમને કોઈ નોટિસ પણ આપવામાં નથી આવી. અમે નોટિસ વગર કાર્યવાહી નહીં કરવા દઈએ, આ ગેરબંધારમીય કૃત્ય છે. ત્યાં હાજર લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પણ નારા લગાવ્યા હતા. એક મહિલાએ ટીવી ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ગરીબોનો રોજગાર ખતમ થઈ રહ્યો છે.
એકાએક તમને યાદ આવી ગયું કે અહીં દબાણ થયું છે. શાહીન બાગમાં બુલડોઝર પહોંચવાની ખબર સામે આવતા સમગ્ર વિસ્તારમાં હલચલ મચી ગઈ હતી. આ વિસ્તારના એક નેતા વાજિદ ખાને જણાવ્યું કે, એનક્રોચમેન્ટનું નામ લેવામાં આવી રહ્યું છે પરંતુ આ રોડ પર કોઈ દબાણ નથી. લોકોએ પોતાના પ્લોટ છોડીને પાછળ સીડીઓ બનાવી છે. જો એમસીડી કોઈની સાથે ખોટો વ્યવહાર કરશે તો અમે વિરોધ કરીશું. ભાજપ એમસીડી ઈલેક્શન પહેલા રાજનીતિ કરી રહી રહ્યો છે. અહીં તમામ દુકાનો કાયદેસરની છે. રોડ પર મકાન પણ નથી બનાવવામાં આવ્યા. જેને તમે ગેરકાયદેસર કહો છો, એ પ્રકારે તો ૮૦ ટકા દિલ્હી ગેરકાયદેસર છે. લગભગ ૩ કલાકના હોબાળા પછી જ્યારે લગભગ એક વાગ્યે બુલડોઝર પાછુ ફર્યું તો દુકાનદારોએ ખુશ થઈને ત્રિરંગો લહેરાવ્યો. કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ત્યાં ધરણા પર બેઠા હતા.