દારૂનો જથ્થો તેમજ વાહનો મળી કુલ રૂ.12,70,880 નો મુદ્દામાલ કબ્જે
ભાવનગર શહેરના ભરતનગર પોલીસે પેટ્રોલીંગ દરમિયાન અધેવાડા ગામે આવેલા એક પ્લોટમાં દરોડો પાડી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તેમજ દારૂની હેર-ફેર માટે ઉપયોગમાં લેવાતાં વાહનો સહિત કુલ રૂપિયા 12 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ બુટલેગર ફરાર થતા તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. આ સમગ્ર બનાવ અંગે ભરતનગર પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર ગત સોમવારે રાત્રે ભરતનગર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમા હોય એ દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે અધેવાડા ગામે આવેલ પ્લોટનં-70 ના માલિક નિર્મળાબેન મોતીરામ પંડ્યાની માલિકીનો પ્લોટ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતો બુટલેગર પ્રવિણ શામજી રાઠોડે ભાડે રાખી બહારથી પરપ્રાંતિય શરાબનો જથ્થો મંગાવી પ્લોટમાં રાખી વેચાણ કરે છે, જે હકીકત આધારે ટીમે ઘટના સ્થળે પહોંચી બંધ પ્લોટના તાળાં તોડી અંદર પ્રવેશી રીક્ષા તથા આઈશર ટેમ્પોમાં છુપાવેલો ઈંગ્લીશ દારૂની પેટીઓ મળી આવેલ જયારે રીક્ષામાં દૂધના કેરેટની આડમાં છુપાવેલો વિદેશી શરાબનો મોટો જથ્થો ઝડપી લીધો હતો. આ જગ્યાએથી ઝડતી તપાસ દરમ્યાન ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની 119 પેટીઓ જેમાંનાની મોટી બોટલ નંગ – 3192 જેની કિ.રૂ.4,93,080નો ઇંગ્લીશ દારૂ મળી આવેલ અને આયશર ટેમ્પોની કિ.રૂ.6,50,000 તથા રીક્ષાની કિ.રૂ.1,25,000 ગણી કુલ કિ.રુ.12,70,880નો મુદ્દામાલ મળી આવેલ તપાસ અર્થે કબ્જે કરી પ્રોહી ધારા હેઠળ ફરીયાદ દાખલ કરેલ છે, જયારે બુટલેગર હાથ લાગ્યો ન હતો આથી પોલીસે દારૂ, રીક્ષા તથા આઈશર ટેમ્પો મળી કુલ રૂ.12,70,880 નો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગર પ્રવિણ શામજી રાઠોડ વિરુદ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા સાથે વાહનો અંગે તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર કામગીરીમાં ભરતનગર પોસ્ટેના પો.ઇન્સ. એ.બી.ગોહિલ તથા પો.સબ.ઇન્સ એમ.જે.કુરેશી તથા ડી.સ્ટાફના એ.એસ.આઇ હીરણભાઇ બાલુભાઇ બારોટ તથા પો.કોન્સ જયેન્દ્રસિંહ સહદેવસિંહ ચુડાસમા તથા પો.કોન્સ રાહુલભાઇ કેશવભાઇ કંટારીયા તથા પો.કોન્સ રાજદિપસિંહ ચંદુભા ગોહિલ તથા પો.કોન્સ ફારૂકભાઇ જમાલભાઇ મહીડા વી.સ્ટાફના માણસો જોડાયા હતા.