પીવાના પાણીને લઈ લેખિત-મૌખિક રજૂઆત છતાં પાણી પ્રશ્ન હલ ન થતાં સ્થાનિકોમાં રોષ
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલી મહાલક્ષ્મી મિલની ચાલીમાં છેલ્લા કેટલાક દિવસોથી પીવાનાં પાણીનો વિકટ પ્રશ્ન સર્જાયો છે. જેને લઈ સ્થાનિકો પીવાનું પાણી મેળવવા આકરાં તાપમા વલખા મારી રહ્યા છે. એક તરફ ભાવનગર મહાનગરપાલિકાના સત્તાધીશો દાવો કરી રહ્યાં છે કે શહેરમાં પીવાના પાણીનો કોઈ જ પ્રશ્ન નથી અને તમામ વિસ્તારોમાં લોકોને પાણી પુરતા પ્રમાણમાં આપવામાં આવી રહ્યું છે પરંતુ પછાત વિસ્તારોમાં પાણી પ્રશ્ન બારેમાસ સળગતી મશાલ સમાન અકબંધ રહે છે અને ઉનાળામાં પીવાના પાણીની વિકટ સમસ્યા દિનપ્રતિદિન વધુને વધુ વિકરાળ બને છે આવા પછાત વિસ્તારોમાં કુંભારવાડા વિસ્તારનું નામ મોંખરે છે. કુંભારવાડા વિસ્તાર પછાત વિસ્તારોમાં સૌથી વધુ વ્યાપ ધરાવે છે અને અહીં ગટર અને પાણીનો પ્રશ્ન લોકોને મુંજવે છે છતાં આ પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવતું નથી. હાલમાં 42 થી 43 ડીગ્રી તાપમાન વચ્ચે કુંભારવાડા સ્થિત મહાલક્ષ્મી મિલની ચાલીમાં રહેતા લોકોને છેલ્લા ત્રણ-ચાર દિવસથી પીવાનું પાણી મળ્યું નથી. ઉનાળામાં લોકોમા પાણીની જરૂરિયાત વધતી હોય છે એવા સમયે જ પાણી ન મળે તો લોકો જેમાં ખાસ કરીને મહિલાઓની સ્થિતિ દયનિય બને છે. આ વિસ્તારની મહિલાઓ સવારથી મોડી સાંજ સુધી પીવાના પાણી માટે દર દર ભટકી રહી છે એક તરફ આકરો તાપ તો બીજી તરફ પાણી મેળવવા જયાં ત્યાં વલખાં મારવાના આવી મુશ્કેલ પરિસ્થિતિમાં ઉનાળાના એક બાદ એક દિવસો લોકો કાપી રહ્યા છે. આ મુદ્દે લેખિત-મૌખિક રજૂઆત છતાં પાણી પ્રશ્ન હલ ન થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.