ગત રાત્રે કાળિયાબીડ પાણીની ટાંકી પાસે બનેલો બનાવ : પોલીસે શખ્સની કરી અટકાયત
ભાવનગરથી સુરત જતી ખાનગી બસમાં મુસાફર તરીકે બેઠેલા એક મુસ્લિમ શખ્સે એક યુવતીના ફોટા પાડી અને વીડિયો ઉતારતા આ યુવતીને તેની જાણ થઇ જતા પોલીસને બોલાવાઇ હતી અને આ શખ્સને સોંપી તેની સામે કાર્યવાહી કરવા પોલીસમાં અરજી પણ અપાઇ હતી. બનાવના પગલે લોકો એકત્ર થઇ ગયા હતા અને મુસ્લિમ શખ્સની કરતુત સામે રોષ વ્યક્ત કર્યો હતો. આ અંગે ઉપલબ્ધ વિગતો મુજબ ગત રાત્રે ભાવનગરથી સુરત જવા નિકળેલી તોતેર ટ્રાવેલ્સની બસ કાળિયાબીડ પાણીની ટાંકી પર પહોંચી ત્યારે અહીં એક યુવતી તેના ફઇને બસમાં બેસાડવા આવી હતી અને બસમાં અંદર ગઇ હતી ત્યારે બસમાં પહેલેથી જ મુસાફર તરીકે બેઠેલા એક મુસ્લિમ શખ્સે પોતાના મોબાઇલમાં આ યુવતીના ફોટા પાડી અને વીડિયો ઉતારેલ. આ અંગેની જાણ આ યુવતીને થતા વીડિયો શા માટે ઉતાર્યો છે ? તેમ પુછતા આ શખ્સે પોતે વીડિયો ઉતાર્યો નથી તેમ કહ્યું હતું આથી આ યુવતીએ તેના વાલીને જાણ કરતા તેના માતા-પિતા પણ બસમાં દોડી આવ્યા હતા અને આ શખ્સને નીચે ઉતારી મોબાઇલ તપાસતા તેમાંથી આ યુવતીના ત્રણ વીડિયો અને એક ફોટો મળી આવ્યો હતો. આથી તુરંત ૧૮૧ અભયમને જાણ કરતા પોલીસ દોડી આવેલ. જ્યારે આ શખ્સને મોબાઇલમાંથી અન્ય યુવતીના વીડિયો પણ મળી આવતા પોલીસે તેની અટકાયત કરી નિલમબાગ પોલીસ સ્ટેશને લઇ ગયેલ. આ બનાવમાં યુવતીની અરજીના આધારે પોલીસે અટકાયતી પગલા ભર્યાં છે. દરમિયાનમાં નિલમબાગ પોલીસ મથકના પી.આઇ. ભાચકનએ આ શખ્સ સુરતનો હોવાનું અને તેનું નામ અલીઅજગર હોવાનું પોલીસને જણાવે છે. વધુમાં આ શખ્સ અસ્થિર મગજનો હોવાનું લાગી રહ્યું છે તેમ પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. જો કે, જુદી જુદી યુવતીઓના વીડિયો ઉતારવા અને બાદમાં બચાવ કરી ખોટું બોલવું તે જોતા આ શખ્સ પોતે અસ્થિર મગજનો હોવાનું દેખાવ કરી રહ્યો હોવાનું પણ શક્યતા છે. ગઇકાલની ઘટનામાં હિન્દુ સંગઠનના આગેવાનો પણ બનાવ સ્થળે દોડી ગયા હતા અને રોષ વ્યક્ત કર્યો હતો.