શ્રીલંકામાં આર્થિક કટોકટીથી ગૃહયુદ્ધનાં એંધાણ : મહિન્દા રાજપક્ષેના રાજીનામાથી નારાજ સમર્થકોએ રાજધાની કોલંબોમાં હિંસક ઘટનાઓને અંજામ આપ્યો
કોલંબો, તા.૧૦
શ્રીલંકામાં આર્થિક કટોકટીનો અસંતોષ હવે ગૃહયુદ્ધ તરફ દોરી શકે તેવી શક્યતા છે. સોમવારે વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેએ વિપક્ષના દબાણમાં રાજીનામું આપ્યું હતું. તેમના રાજીનામાથી નારાજ સમર્થકોએ રાજધાની કોલંબોમાં હિંસક ઘટનાઓને અંજામ આપ્યો હતો. ત્યાર પછી તેમના વિરોધીઓ પણ ગુસ્સે થયા હતા.
રાજપક્ષેના સમર્થકોએ કોલંબો છોડવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે વિવિધ સ્થળોએ તેમનાં વાહનોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં. બીજી તરફ વિરોધીઓએ હંબનટોટામાં મહિન્દા રાજપક્ષેના પૈતૃક ઘરને આગ લગાવી દીધી હતી. રાજધાની કોલંબોમાં પૂર્વ મંત્રી જોનસન ફર્નાન્ડોને કાર સહિત તળાવમાં ફેંકી દેવામાં આવ્યા હતા. સોમવારે હજારો પ્રદર્શનકારીઓએ પ્રધાનમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન ’ટેમ્પલ ટ્રી’નો મુખ્ય દરવાજો તોડી નાખ્યો અને ત્યાં ઊભેલી એક ટ્રકને આગ ચાંપી દીધી હતી.
ત્યાર પછી નિવાસસ્થાનની અંદર પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આંદોલનકારી ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે ટિયરગેસના સેલ છોડ્યા અને હવામાં ગોળીબાર કર્યો હતો.આર્થિક સંકટ વચ્ચે ઘેરાયેલા શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેએ સોમવારે રાજીનામું આપી દીધું હતું. વિપક્ષ દ્વારા વચગાળાની સરકાર બનાવવાની થઈ રહેલી માંગણી સામે ઝુકીને આખરે તેમણે રાજીનામુ આપવાનો નિર્ણય લીધો હતો. વિરોધ પક્ષો સરકાર પર સતત દબાણ કરી રહ્યા હતા જ્યારે બીજી તરફ મહિન્દા રાજપક્ષે પર તેમની પાર્ટીમાંથી પણ રાજીનામુ આપવા માટે દબાણ વધીરહ્યુ હતું. તેમના પોતાના ભાઈ અને રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે પણ ઈચ્છી રહ્યા હતા કે, મહિન્દા રાજપક્ષે રાજીનામુ આપી દે. શ્રીલંકાના સત્તાધારી જોડાણના અસંતુષ્ટ નેતા દયાસીરી જયશેખાનુ માનવું હતું કે, શક્ય છે કે મહિન્દારાજપક્ષે પોતાના ભાઈ અને રાષ્ટ્રપતિ ગોટબાયા પર રાજીનામાનો નિર્ણય છોડી દે અથવા તો જાતે જ રાજીનામુ આપી દે. આખરે તેમણે રાજીનામુ આપી દીધું છે પરંતુ આર્થિક સંકટનો ઉકેલ લાવવામાં આ રાજીનામુ કોઈ કામ નહીં લાગે.