ડોંગરના હત્યારા લાંબાને આજીવન કેદ

83

હિંમત પુરી-શાકવાળા નજીક જન્મ દિવસની ઉજવણીની પાર્ટીમાં બોલાચાલી બાદ બર્થડે બોય ગોપાલની થયેલી હત્યા કેસનો ડિસ્ટ્રીક્ટ કોર્ટનો ચુકાદો
એક વર્ષ પૂર્વે ભાવનગરની મુખ્ય બજારમાં આવેલ હિંમત પુરી-શાકવાળાની નજીક ચકુ મહેતાની ખડકીમાં રાત્રીના સમયે જન્મ દિવસની ઉજવણીની પાર્ટીમાં મિત્રો વચ્ચે થયેલી બોલાચાલીમાં ગોપાલ ઉર્ફે ડોંગર નામના બર્થડે બોયની હત્યા થયેલી જે અંગેનો કેસ આજે ભાવનગર ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલી જતા અદાલતે આરોપીને આજીવન કેદ અને રોકડ દંડ ફટકાર્યો હતો. બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.૨૭-૬-૨૦૨૧ના રોજ પ્રભુદાસ તળાવ, મફતનગર ખાતે રહેતા ગોપાલ ઉર્ફે ડોંગર જીતુભાઇ રાઠોડ (ઉ.વ.૨૭)નો જન્મદિવસ હોય તેના મિત્રો ભેગા મળી રાત્રે શેરડીપીઠના ડેલાની પાછળ હિંમત પુરી-શાકવાળાની નજીક ચકુ મહેતાની ખડકીમાં જન્મદિવસની ઉજવણીની પાર્ટી માટે ભેગા થયા હતા અને પાર્ટી કરી હતી. ત્યારબાદ થોડા મિત્રો જતા રહ્યા હતા અને થોડા રોકાયા હતાં જેમાં વિશાલ ઉર્ફે લાંબો મુળજીભાઇ ગોહેલ સાથે ગોપાલને બોલાચાલી થતા ઝઘડો થયેલ અને ગાળાગાળી થતા રોડ પર આવી ગયેલ જેમાં ઉશ્કેરાઇ જઇ વિશાલ ઉર્ફે લાંબાએ બર્થડે બોય ગોપાલ ઉર્ફે ડોંગરને આડેધડ છરીઓના ઘા ઝીંકી દીધા હતાં જેમાં વચ્ચે પડતા પ્રકાશ ઉર્ફે હરકતને પણ ઇજા થયેલ. ગંભીર ઇજા સાથે ગોપાલનું મૃત્યુ થતા બનાવ હત્યામાં પરિણામ્યો હતો. આ અંગેની ફરિયાદ રંજનબેન જીતુભાઇ રાઠોડે નોંધાવતા પોલીસે વિશાલ વિરૂદ્ધ હત્યા સહિતની કલમો તળે ગુનો નોંધી ધરપકડ કરી હતી. આ બનાવ અંગેનો કેસ આજરોજ ભાવનગર ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ મનોજભાઇ જાેષીની દલિલો, આધાર-પુરાવા ગ્રાહ્ય રાખી ડિસ્ટ્રીક્ટ જજ આર.ટી. વચ્છાણીએ આરોપીને કસુરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી અને રોકડ દંડ ફટકાર્યો હતો.

Previous articleરાણપુરમાં ૨૦૦૦ વીઘા ગૌચરની જમીન ઉપર ના દબાણો તંત્ર આગામી ૨૦ તારીખે હટાવશે..
Next articleકુંભારવાડા ખારમાંથી રૂા.૮.૨૬ લાખના શક પડતા ભંગાર સાથે ૬ શખ્સ ઝડપાયા