કુંભારવાડા ખારમાંથી રૂા.૮.૨૬ લાખના શક પડતા ભંગાર સાથે ૬ શખ્સ ઝડપાયા

70

તાંબા-પિત્તળ, કોપર અને લોખંડનો ભંગાર તેમજ બાળ્યા વગરનો વાયરનો મસમોટો જથ્થો આધાર-પુરાવા વગર મળી આવતા બોરતળાવ પોલીસે કબ્જે લીધો
ભાવનગરના કુંભારવાડા, માઢીયા રોડ પર પોલીસ નાઇટ પેટ્રોલીંગમાં હતી ત્યારે ખાર વિસ્તારમાંથી શંકાસ્પદ હાલતે ૬ શખ્સો મળી આવ્યા હતાં. દરમિયાનમાં તપાસમાં ભંગાર અને વાયરનો મોટો જથ્થો હાથ લાગ્યો હતો. આ બનાવમાં બોરતળાવ પોલીસે છ શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે બોરતળાવ પોલીસ પાસેથી ઉપલબ્ધ વિગતો મુજબ પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે, કુંભારવાડા, માઢીયા રોડ, વિકટર પાસે ખાર વિસ્તારમાં કેટલાક શખ્સો બળેલો વાયર તેમજ કાચો વાયર એકત્ર કરી સગેવગે કરવાની પેરવીમાં છે આથી બાતમીવાળા સ્થળે દોડી જઇ પોલીસે તપાસ હાથ ધરતા ૬ શખ્સો અને ભંગારનો મોટો જથ્થો મળી આવ્યો હતો જેમાં એલ્યુમિનીયમ, લોખંડ, તાંબુ તથા બળેલા કોપર વાયરના અલગ અલગ ૮ ઢગલા સ્થળ પર પડ્યા હતા જે અંગે પુછતાછ કરી આધાર-પુરાવા માંગતા આ અંગે કોઇ સંતોષકારક જવાબ મળ્યો ન હતો. આથી પોલીસે કુલ ૨૩૦૪ કિલોગ્રામ જુદો જુદો ભંગાર જેની કિંમત કુલ રૂા.૮.૨૬ લાખ ગણી સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ પંચનામુ કરી શક પડતી મિલ્કત ગણી કબ્જે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે શાનીભાઇ મહંમદમકી કાઝી (રે.સવાઇગરની શેરી, ભાવનગર), આસીફભાઇ ઇદ્રીશભાઇ કુરેશી (રે.મોતીતળાવ, કાદરી મસ્જીદ પાસે), મુસ્તુફા રફીક શેખ (રે.મોતીતળાવ, શેરી નં.૩), અફઝલ મહંમદભાઇ કાઝી (રે.મોતીતળાવ, શેરી નં.૩), ઇમરાનભાઇ ઇદ્રીશભાઇ કુરેશી (રે.કાદરી મસ્જીદ પાસે) અને આસીફ દોલતખાન પઠાણ (રે.કુંભારવાડા, મહંમદી મસ્જીદ પાસે)ની ધોરણસર અટકાયત કરવામાં આવી હતી.

Previous articleડોંગરના હત્યારા લાંબાને આજીવન કેદ
Next articleશહેરના ૫ કોચિંગ ક્લાસીસો GSTના રડારમાં