બંધ ટ્રક પાછળ ઈકો કાર ઘુસી જતા ભાવનગરના યુવાનનું નિપજેલું મોત

95

બગોદરા હાઈવે પર સવારે સાતેક વાગ્યાનો બનાવ : કારનો આગળનો ભાગ ચેપાઈ ગયો
બગોદરા હાઈવે પર સવારના સાતેક વાગ્યાના સુમારે સાઈડ પાર્ક કરેલા ટ્રકની પાછળ ઈકો કાર ઘુસી જતા ભાવનગરના યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતું. આ બનાવની જાણ થતા બગોદરા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ બગોદરા હાઈવે પર આવેલી એક કંપની બહાર માલ ખાલી કરવા આવેલો ટ્રક નં.જીજે ૦૧ બીવી ૧૦૯૬ પાર્ક કરેલો હતો તેની પાછળ આજે સવારે સાતેક વાગ્યાના સુમારે ઈકો કાર નં.જીજે ૦૪ સીએ ૨૯૯૩ ધડાકાભેર ઘુસી જતા ઈકો કારનો આગળનો ભાગ ચેપાઈ જવા પામ્યો હતો. અને કારચાલકને ગંભીર ઈજા થતા ઘટનાસ્થળે જ મોત થયુ હતું.બનાવની જાણ થતા બગોદરા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તલાશી લેતા મૃતકના ખિસ્સામાંથી કાર્ડ મળી આવ્યુ હતું. જેના આધારે તે ભાવનગરના વડવા ઝાલમસિંગના ખાચામાં રહેતો મોહીત શશીકાંત ગોહેલ હોવાનું ખુલવા પામ્યુ હતું. જેથી પોલીસે તેના પરિવારને જાણ કરી હતી. અને લાશને પીએમ અર્થે બગોદરા પી.એચ.સી.માં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. જાણવા મળ્યા મુજબ ટ્રક ચાલક દ્વારા ઈકો કારના ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવાની કાર્યવાહી ચાલી રહી છે.
ત્રણ માસુમ સંતાનોએ પિતાની છત્ર છાયા ગુમાવી
મુળ વડવા જાલમસિંગના ખાચામાં રહેતા અને હાલ ફુસસર વિસ્તારમાં મોહિત શશીકાંત ગોહેલ ઉ.વ.આ.૩૫નું આજે સવારે બગોદરા હાઈવે પર અકસ્માતમાં મૃત્યુ થયુ છે. સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ મૃતક મોહિતને સંતાનમાં બે પુત્રી તથા નાનો એકથી દોઢ વર્ષનો પુત્ર હોવાનું જાણવા મળ્યુ છે. આથી ત્રણેય સંતાનોેએ પિતાની છત્ર છાયા ગુમાવી છે. યુવાનના અવસાનથી સમગ્ર પરિવારમાં શોકનું મોજુ ફેલાઈ જવા પામ્યુ છે.

Previous articleશહેરના ૫ કોચિંગ ક્લાસીસો GSTના રડારમાં
Next articleવિશ્વશાંતિ માટે પાલિતાણાની શાળામાં ૧૦ વર્ષની બાલિકા સહિત ૯ વિદ્યાર્થીઓએ સમગ્ર રમઝાન માસમાં રોજા રાખી અલ્લાહની બંદગી કરી