જિલ્લા પંચાયતના પ્રાંગણમાં જિલ્લા પંચાયતના પ્રમુખ, મેયર અને જિલ્લા ભા.જ.પા. ના અધ્યક્ષની ઉપસ્થિતિમાં ઠંડા પાણીનું વોટર કૂલર મૂકાયું : જિલ્લાના પત્રકારોના સહયોગ અને મુન્નાભાઇ વરતેજીની સખાવતથી ઠંડા પાણીની સુવિધા ઉભી કરાઇ
અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. માણસ સાથે પશુ-પંખીઓ પણ આ ગરમીથી ત્રસ્ત છે. તેવાં સમયે ભાવનગર શહેરમાં ઠંડકના એક નવાં સરનામાનો ઉમેરો થયો છે. ભાવનગરના પત્રકાર મિત્રોના સહયોગથી અને ભાવનગરના બિલ્ડર અને સ્ક્રેપના વેપારી એવાં મુન્નાભાઇ વરતેજીની સખાવતથી જિલ્લા પંચાયતના જિલ્લા પંચાયતના પ્રાંગણમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલ, મેયર કિર્તીબેન દાણીધારીયા અને જિલ્લા ભા.જ.પા. ના અધ્યક્ષ મુકેશભાઇ લંગાળિયા અને જિલ્લાના ડેલીગેટની ઉપસ્થિતિમાં ઠંડા પાણીનું વોટર કૂલર મૂકી ઠંડા પાણીની સગવડ ખુલ્લી મૂકવામાં આવી હતી. ભાવનગરના પત્રકાર મિત્રોની બેઠકનું સરનામું એવાં જિલ્લા પંચાયતના પ્રાંગણમાં પ્રવેશતાં ડાબી બાજૂએ આવેલાં રૂમ ખાતે રૂા.૭૮ હજારના ખર્ચે આ વોટર કૂલર મૂકવામાં આવ્યું છે. એક જગ્યાએ પાણીની સગવડ ઉભી કરવાં માટે રૂા. ૧.૨૫ લાખ થી ૧.૫૦ લાખનો ખર્ચ થાય છે. જાણીતા સખાવતી મુન્નાભાઇ આ અગાઉ શહેર અને જિલ્લામાં ૪૩ વોટર કૂલર મૂકી ચૂક્યાં છે. તેમણે મહુવા, વલ્લભીપુર, ધોલેરા જેવી જગ્યાએ કૂલર તો મૂક્યાં જ છે. આ સિવાય તે માટેની છાપરી અને જરૂર જણાયે પાણીના બોરિંગની સુવિધા પણ કરી આપી છે. આ ઉપરાંત તેઓ પોલીસ સ્ટેશન, શાળાઓ, સર ટી. હોસ્પિટલ વગેરે જગ્યાએ તેઓ આ રીતે ઠંડા પાણીની સગવડ ઉભી કરી ચૂક્યાં છે. તેઓ સેવાભાવથી આ પ્રવૃત્તિ પ વર્ષથી કરે છે. આ વર્ષે તેઓ ૮ કૂલર મૂકી ચૂક્યાં છે. તેઓ આ અંગે કહે છે કે, ઇશ્વરે આપણને આપ્યું છે તે માણસજાતના ખપમાં આવે તો કામનું છે તેવાં ભાવથી તેઓ ઠંડા પાણીની સગવડ ઉભી કરે છે. જિલ્લા પંચાયત ખાતે કૂલરમાંથી જે વેસ્ટ પાણી નિકળે તે પાણીની ટાંકીમાં પડે તેવી વ્યવસ્થા ઉભી કરી છે. આ વેસ્ટ પાણીથી અબોલ જીવોને આ ધગધગતી ગરમીમાં પાણી મળશે અને એક શાતા પણ મળશે. મેયર કિર્તીબેન દાણીધારીયા અને જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલે આ કૂલરમાંથી પાણીનો ગ્લાસ પીને તેને વિધિવત રીતે શરૂઆત કરાવી હતી. આ અવસરે નાયબ જિલ્લા વિકાસ અધિકારી જોષી સાહેબ, જિલ્લાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યાં હતાં.