પેલા ત્રણ સિંહો પોતપોતાની બોડ ( અરે ભાઇ એમને ટેનામેન્ટ કે ફલેટ જે કાંઇ હોય તેમને બોડ કહેવાય!! શું સમજ્યા? નોલેજ પાવર જરૂરી છે!!)તરફ ગયા.
ત્યાં તો ઉત્સવ નહીં મહોત્સવનો માહોલ. લાલ જાજમ બિછાવેલ. નાની કુમારિકાઓ માથે કળશ-?નારિયેળ લઇને વનરાજના સ્વાગત માટે તૈયાર થઇને ઉભેલી. શરણાઈ,બુંગિયો ઢોલ પર ધ્રીબાંગ ધ્રાબાંગ દાંડી પડતી હતી. સિંહણો સુવર્ણપાત્ર લઇ વનરાજને કુમકુમ તિલક કરવા અને ઓવારણા લેવા તલપાપડ થતી હતી. સિંહણની છાતી ગજ ગજ ફૂલતી હતી. તેના માટીડાઓ સિંહ જગતના ઇતિહાસમાં કદી ન નોંધાયેલ હોય તેની સિધ્ધિ મેળવીને સ્વગૃહે પરત ફર્યા હતા. આવા પકડમદારનું સ્વાગત આલા ગ્રાંડ જ હોય ને!!
સિંહણે સિંહના ભાલ પ્રદેશમાં પોતાની આંગળી ચપ્પુ વડે કાપી તેના લોહીથી રક્ત તિલક ક્રયું!! અક્ષત લગાવ્યા. આગલા બે પગથી દુખણા-ઓવારણા લીધા!!
સિંહ સ્વગૃહે પ્રવેશ્યા. સિંહણે સસલાનું સુપ ધર્યું. પાડાનું માંસ આપ્યું. બકરાંનું લોહી શરબત તરીકે આપ્યું!!
સિંહે આંખ ચોળી! સિંહે વિચાર્યું કે આ કોઇ સ્વપ્ન છે કે શું?? તેણે આગલા પગથી મોઢા પર લપડાક મારી. સ્વપ્ન તો નથી જ!! સિંહને હતું કે ઘરે મહેણા, ટોણા, કટુ વાગ્બાણ,ઉપાલંભથી તેને પોંખવામાં આવશે!! તેના બદલે ભવ્ય સ્વાગત. આ શાંતિ તોફાન પહેલાંની શાંતિ હતી. સિંહણ શું વલે કરશે તેની કલ્પનામાત્રથી ભયનું લખલખું આવી ગયું. સંસારમાં પત્ની પાસે ગોરધન કે વનરાજની હાલત પતલી હોય છે.?બહાર જેની મૂછે લીંબુ લટકતા હોય તેમની હાલત ઘરના ધૂળજી કરતાં પણ નિરાદર હોય છે!! પેલાંને થાય કે ગોરધન થવું એના કરતાં ધૂળજી થાવ તો માલિકણ તતડાવે નહીં, ગરમ ચા સાથે ગરમ નાસ્તો મળે, રજાનો પગાર કપાય નહીં, વાસણ ઘસવા ગરમ પાણી મળે!!!
સાલું જગતનું શું થવા બેઠું છે કાંઇ ખબર પડતી નથી. આપણે ત્યાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી છે અને પરિણામ દસમી માર્ચે છે ત્યાં સુધી બધું જ સ્ટેચ્યું થઇ ગયું છે!! દસમીએ મતદારો કોને ગો કહે અને કોનું સ્ટેચ્યું ચાલું રાખશે તે ભર્યા નારિયેળ જેવું છે!!
જોરમાં સિંહોને વાંદરો લાફો મારી જાય અને એ ઘટના ન્યુઝ તરીકે વાયરલ થઇ જાય! પેલી કવિતામાં ચૌદ વરસની કન્યા સાવજને ભગાડે!! નાલેશીની ઘટના વધતી જાય!! સિંહ ઉંદરની બાળવાત્રામાં ઉંદરને જીવતો છોડી દે બદલામાં સિંહની જાળ ઉંદર કાપી નાંખે. આમાં ક્યાંય વનરાજનું ગૌરવ વઘ્યું? અંધારામાં પૂરું ટીખળી એક મરઘી દેખાડીને સિંહને ખોરાક માટે દોડાવે લલચાવે તેવા વીડીયો વાયરલ થાય! વનરાજની આબરૂંની મધર મેરી થઇ જાયે તો જાયે કહાં !! હમણા હમણા એક ભાઇએ સિંહો કાગડાનો શિકાર કરતા હોય તેવો વીડીયો વાયરલ કર્યો. આ તો અમેરિકન ડોલર સામે રૂપિયો રોજ રોજ ધોવાય તેવું થયું!! પાડા, હરણ કે શિયાળના બદલે કાગડાના શિકાર. સિંહ માટે બપોરા, વાળુ કે રોંઢા કે શિરામણ પણ ન કહેવાય. કોઇ હોટલમાં સેટે કરો અને કોમ્પલીમેન્ટરી બ્રેકફાસ્ટમાં બે બટર બ્રેડસ્લાઇસ આપે એના જેવું થાય.!!
તાલાળામાં સિંહોની વાટ લાગી ગઇ કે બેન્ડ બજી ગઇ!! ગીર જંગલમાં કમલેશ્વર ડેમ નજીક બનેલી વન્ય જીવસૃષ્ટિની એક દુર્લભ ઘટના સામે આવી છે.
જેમાં ડેમ કાંઠે જઇ રહેલો કાચબો ત્રણ યુવાન સિંહની નજરમાં આવ્યો હતો.અને મો બહાર હોવાથી સિંહોએ આ કાચબાને મોઢામાં પકડી શિકાર કરવા પ્રયાસ કર્યો હતો.પરંતુ કાચબાએ મો અંદર કરી લીધું હતું.શરીર પર મજબૂત કવચ ધરાવતા કાચબાનો શિકાર કરવા ત્રણેય સિંહોએ ખૂબ મહેનત કરી હતી.અને આખરે હાંફી જઈ થોડે દુર બેસી ગયા હતા.
બાદમાં કાચબો ડેમના પાણીમાં જતો રહ્યો હતો. ત્રણ યુવાન સિંહ ડેમ નજીક જતા હતા.ત્યારે ડેમમાંથી નીકળેલો એક કાચબો ત્યાં જોવા બેઠો હતો.અને પોતાનું મો બહાર રાખી હલન ચલન કરતો હતો.સિંહના ધ્યાનમાં આ કાચબો આવી જતા કાચબાને એક સિંહે પકડયો હતો.ત્યાં જ કાચબાએ પોતાનું મો અંદર કરી લીધું હતું. બાદમાં સિંહે કાચબાને મારી નાખવા ખૂબ પ્રયાસ કર્યા હતા પરંતુ મજબૂત કવચ ધરાવતા કાચબાને કોઈ અસર થઈ ન હતી. એક પછી એક ત્રણેય યુવા સિંહોએ આ કાચબાને મો મા પકડી અને પગ ઉપર રાખી નખથી ખોલવા માટેના પ્રયાસો કર્યા હતા.પરંતુ તેમાં સફળ થયા ન હતા.
આખરે કાચબાને મજબૂત કવચના લીધે ત્રણેય સિંહો હાંફી ગયા હતા.અને થોડે દુર જઈ બેસી ગયા હતા.થોડી વાર બાદ કાચબાએ મોઢું બહાર કાઢી પહેલા આસપાસ જોઈ લીધું હતું.અને ત્યાંથી ડેમના પાણી તરફ વિજેતાની અદાથી જતો રહ્યો.! સિંહોના કમનસીબે આ ઘટના વાયરલ થઇ ગઇ.આફ્રિકાના જંગલો અને બધા અભયારણ્ય, પ્રાણી સંગ્રહાલયમાંથી સિંહોની નાલેશીને બિરદાવતા મેસેજો તારના દોરડેથી વરસવા લાગ્યા છે!!?
પેલી સિંહણો અંદરોઅંદર વાત કરે છે કે એ તો સારું છે કે
બીપીએલ કાર્ડ હેઠળ દર મહિને પાંચ કિલો અનાજ, એક કિલો દાળ અને એક કિલો મીઠાનું રાશન મળે છે. ઉજવલામાં ગેસ કનેકશન- બાટલો મળ્યો છે. એટલે ટાબરાના જમવાનો મામલો ઉકેલાય છે. બાકી આમના ભરોસે રહીએ તો હરદિન રોજા રહે!!
બધી સિંહણોએ સિંહોને કહ્યું કે મારા નમાલા ભરથાર,મારી નણંદના વીર, તમે વનરાજ તરીકે વોલેન્ટરી કે કંમ્પસલરી રાટાયરમેન્ટ લઇ લો. પંચતંત્રમા એક વાર્તા છે.સિંહણે નમાયા શિયાળના બચ્ચાંને ઉછેર્યું.સિંહબાળ સાથે ઉછેરતું શિયાળબાળ ખુદને સિંહબાળ સમજવા લાગ્યું.
સિંહબાળના તાનમાં હાથી પર ચડાઇ કરી.હાથીએ સૂંઢમાં પકડી, સૂંઢ ગોળગોળ ઘુમાવીને દૂર ફેંક્યો.બાદમાં સિંહણે શિયાળબાળને કહ્યું કે તારા કૂળમાં જન્મેલા હાથીનો શિકાર કરતા નથી!!!તમે પણ કાચબાનો શિકાર કરી શકતા નથી . હાથીથી લઇને શિયાળનો શિકાર કરવાના બદલે કાગડાનો શિકાર કરો છો. હવે ત્રણે જણ મચ્છર કે માખીનો શિકાર કરવા કાબેલ છો. તમે મચ્છર અને માખીનો શિકાર કરી ખાવ!!
કહે છે કે પેલા ત્રણ સિંહો મચ્છર -માખીનો શિકાર કરવામાં એકસપર્ટ થઇ ઓનલાઇન -ઓફલાઈન કોચીંગ કરવા લાગ્યા છે!!
– ભરત વૈષ્ણવ