પંજાબ પોલીસે ફરીદકોટના નિવાસી નિશાન સિંહ નામના વ્યક્તિને કસ્ટડીમાં લીધો અને તેની પૂછપરછ ચાલુ છે
ચંડીગઢ, તા.૧૧
પંજાબના મોહાલીમાં પોલીસ ઈન્ટેલિજન્સ યુનિટના હેડક્વાર્ટર પરિસરમાં સોમવારે રાત્રે રોકેટથી ચાલતા ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો. જેનાથી ઈમારતની એક માળની બારીના કાચ તૂટી ગયા હતા. મળતી માહિતી પ્રમાણે મોહાલી રોકેટ લોન્ચર કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પંજાબ પોલીસે ફરીદકોટના નિવાસી નિશાન સિંહ નામના વ્યક્તિને કસ્ટડીમાં લીધો છે અને નિશાન સિંહની પૂછપરછ ચાલું છે. મળતી માહિતી મુજબ, આ વ્યક્તિએ હુમલાખોરોને લોજિસ્ટિક્સ પ્રોવાઈડ કર્યું હતું. પંજાબ પોલીસે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાંથી વધુ બે વ્યક્તિને કસ્ટડીમાં લીધા છે. પંજાબ પોલીસને આશા છે કે, તેઓ ટૂંક સમયમાં આખા ષડયંત્રનો ખુલાસો કરશે. આ હુમલા પર રાજ્યના મુખ્યમંત્રી ભગવંત માનનું કાલે નિવેદન આવ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, રાજ્યનો માહોલ ખરાબ કરવાનો પ્રયત્ન કરનારાઓને બક્ષવામાં નહીં આવશે. સીએમ માને કહ્યું કે, પંજાબ પોલીસ મોહાલીમાં થયેલા બ્લાસ્ટની તપાસ કરી રહી છે. જેણે પણ પંજાબનો માહોલ ખરાબ કરવાનો પ્રયત્ન કર્યો છે તેને બક્ષવામાં નહીં આવશે. આ હુમલા પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું પણ નિવેદન આવ્યું છે અને તેમણે કાયરતાપૂર્ણ કૃત્ય ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, તમામ દોષિતોને સખત સજા કરવામાં આવશે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, મોહાલી બ્લાસ્ટ તે લોકોની કાયરતાપૂર્ણ હરકત છે જે પંજાબની શાંતિ ભંગ કરવા માગે છે. આમ આદમી પાર્ટીની પંજાબ સરકાર તે લોકોના ઈરાદો પૂરો નહીં થવા દેશે. પંજાબના બધા લોકો સાથે મળીને દરેક સ્થિતિમાં શાંતિ કાયમ રાખવામાં આવશે અને દોષિતોને સખત સજા અપાવવામાં આવશે.