અલગતાવાદી નેતા યાસીન મલિકે કોર્ટમાં ગુનાઓની કબૂલાત કરી

49

અશાંતિનો માહોલ સર્જવા માટે ટેરર ફન્ડિંગ કર્યું હતું મલિકની સજાના નિર્ધારણ માટે તારીખ ૧૯ મે નક્કી કરાઈ
નવી દિલ્હી, તા.૧૧
કાશ્મીરમાં અશાંતિનો માહોલ સર્જવા માટે ટેરર ફન્ડિંગ કરવા મામલે આરોપી એવા અલગાવવાદી નેતા યાસીન મલિકે પટિયાલા હાઉસ કોર્ટ ખાતે પોતાના ગુનાનો સ્વીકાર કર્યો છે. યાસીન મલિકે કોર્ટ સમક્ષ કહ્યું હતું કે, તે પોતાના પર લાગેલા ટેરર ફન્ડિંગ, આતંકવાદી જૂથનો સદસ્ય હોવાના, ષડયંત્ર રચવાના અને રાષ્ટ્રદ્રોહના આરોપનો ઈનકાર નથી કરતો. યાસીનના આ નિવેદન બાદ વિશેષ ન્યાયાધીશ પ્રવીણ સિંહે યાસીન મલિકની સજાના નિર્ધારણ માટે તારીખ ૧૯ મે નક્કી કરી છે. મંગળવારની સુનાવણી દરમિયાન કોર્ટે આ કેસના અન્ય તમામ આરોપીઓ પર ઔપચારિકરૂપે આરોપો નિર્ધારિત કર્યા હતા. હાફિઝ સઈદ, સૈયદ સલાહુદ્દીન, શબ્બીર શાહ, મસરત આલમ, રાશિદ એન્જિનિયર, જહૂર અહમદ વતાલી, બિટ્ટા કરાટે, આફતાબ અહમદ શાહ, અલતાફ અહમ શાહ, નઈમ ખાન, બશીર અહમદ બટ્ટ ઉર્ફે પીર સૈફુલ્લાહ સહિત અન્ય આરોપીઓ વિરૂદ્ધ આરોપો નિર્ધારિત કરવાનો આદેશ અપાયો હતો. એનઆઈએના અહેવાલ પ્રમાણે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ૈંજીૈંના સહયોગથી લશ્કર-એ-તૈયબા, હિજબુલ મુજાહિદ્દીન, જેકેએલએફ, જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનોએ જમ્મુ કાશ્મીરમાં સામાન્ય નાગરિકો અને સુરક્ષા દળો પર હુમલા અને હિંસાને અંજામ આપ્યો. એનઆઈએના કહેવા પ્રમાણે હાફિઝ સઈદે હુર્રિયત કોન્ફરન્સના નેતાઓ સાથે મળીને હવાલા અને અન્ય ચેનલ્સ દ્વારા આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે ધનની લેવડ-દેવડ કરી. તે ધનનો ઉપયોગ ઘાટીમાં અશાંતિ ફેલાવવા, સુરક્ષા દળો પર હુમલો કરવા, શાળાઓમાં આગ ચાંપવા અને સાર્વજનિક સંપત્તિઓને નુકસાન પહોંચાડવા માટે કરવામાં આવ્યો. ગૃહ મંત્રાલયને આ અંગેની સૂચના મળ્યા બાદ એનઆઈએએ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૨૦બી, ૧૨૧, ૧૨૧એ અને યુએપીએની કલમ ૧૩, ૧૬, ૧૭, ૧૮, ૨૦, ૩૮, ૩૯ તથા ૪૦ અંતર્ગત કેસ દાખલ કર્યો હતો.

Previous articleમોહાલી બ્લાસ્ટ કેસમાં મદદ કરનારા શખ્સની અટકાયત
Next articleઅવાણીયાના ખારમાં આવેલ ખારવાળા મામાદેવના પાટોત્સવના લાભાર્થે ફિલ્મ અભિનેત્રી મમતા સોનીનો પ્રોગ્રામ યોજાયો