ભાવનગરમાં રૂા. ૧૦ કરોડના ખર્ચે ૧૦૦ અમૃત સરોવરોનું નિર્માણ થશે

55

આઝાદીના ૭૫ વર્ષના ઉપલક્ષ્યમાં દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવરોના નિર્માણના વડાપ્રધાનશ્રીના આહવાનને ઉપાડી ભાવનગર જિલ્લો ૧૦૦ સરોવરો બનાવીને સાકાર કરશે : આ સરોવરોના નિર્માણથી જિલ્લામાં ૨૪૧.૧૬ કરોડ લીટર પાણીની સંગ્રહ ક્ષમતા વધશે : ૮૫.૧૬ એમ.સી. એફ.ટી. માટી આ ખોદકામથી નિકળશે
દેશના દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવરોના નિર્માણનાં વડાપ્રધાન મોદીના આહવાનને પગલે ભાવનગર જિલ્લામાં લક્ષ્યાંકિત ૭૫ સરોવરોને બદલે રૂા. ૧૦ કરોડન ખર્ચે ૧૦૦ તળાવોનું નિર્માણ કરીને ભાવનગરની ધરાને પાણીથી પાણીદાર બનાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને વિવિધ તાલુકાઓમાં કામગીરી હાથ ધરીને તેની શરૂઆત કરી ૧૫ મી ઓગષ્ટ,૨૦૨૨ સુધીમાં આ અંતર્ગતની ૨૦ ટકા કામગીરી પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સિંચાઇ વિભાગના સંકલન સાથે રાખવામાં આવ્યો છે.

આ ઉપરાંત ૧૫ મી ઓગષ્ટ, ૨૦૨૩ સુધીમાં આ કામગીરી પૂર્ણ કરાશે. કલેક્ટર યોગેશ નિરગુડેએ જણાવ્યું કે, સરોવરોના નિર્માણમાં ટેક્નોલોજી સાથે ઇકો સિસ્ટમનો પણ ખ્યાલ રાખીને ચિરંતન વિકાસ કરવામાં આવશે. અમૃત તળાવોના નિર્માણમાં સ્પેસ ટેક્નોલોજી, જીઓ સ્પેશિયલ ટેક્નોલોજી, ફોટોગ્રામેટ્રી (થ્રી-ડી), ઇન્ફર્મેશન ટેક્નોલોજી, મોબાઇલ એપ્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે પાણીના શક્ય વહેણ અને તેની પાણી રોકાવાની શક્યતા ચકાસવાં માટે બાયસેગના માધ્યમથી જીઓ ટેગીંગ કરીને અમૃત સરોવરના સ્થળો પસંદ કરવામાં આવ્યાં છે. જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવાઓએ આ અંગે જનજાગૃતિ લાવવાં માટે જિલ્લાભરનો પ્રવાસ કરીને મોટાભાગના ગામોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત આ સરોવરથી જે-તે ગામને થનારા લાભથી માહિતગાર કર્યા હતાં. સરોવર માટેનો મોટાભાગનો ખર્ચ સરકાર દ્વારા કરીને રાજ્ય સરકાર જ્યારે આપના દ્વારે આવી છે ત્યારે તેનો મહત્તમ લાભ ઉઠાવવા માટે પણ જિલ્લા વિકાસ અધિકારીએ ગામના સરપંચો અને ચૂંટાયેલાં પ્રતિનિધિઓને અનુરોધ કર્યો છે. સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર ડી.આર. પટેલે જણાવ્યું કે, ભાવનગરમાં ૧૦, તળાજામાં ૮, મહુવામાં ૧૫, ઘોઘામાં ૧, જેસરમાં ૧૧, પાલિતાણામાં ૧૦, શિહોરમાં ૫, ઉમરાળામાં ૬ અને વલ્લભીપુરમાં ૩ સરોવરોનું આયોજન છે. વધુમાં આ તમામ સરોવર નવા જ બનશે તેમ જણાવ્યું. જિલ્લામાં ૭૫ સરોવરોના નિર્માણના લક્ષ્યાંક સામે અત્યાર સુધી બાયસેગના માધ્યમથી જીઓ ટેગીંગ કરીને પાણીના રોકાણની વિપુલ શક્યતા ધરાંવતાં સ્થળોની પસંદગી કરી ત્યાં યુ આકારમાં આડબંધ બનાવવામાં આવશે. જેથી કુદરતી પાણીથી જ આ સ્થળના પાછળના ભાગમાં સરોવરનું નિર્માણ થશે.
આ સરોવરોના નિર્માણથી જિલ્લામાં ૨૪૧.૧૬ કરોડ લીટર પાણીની સંગ્રહ ક્ષમતા વધશે. આ સરોવરના નિર્માણ માટે ૮૫.૧૬ એમ.સી. એફ.ટી. માટીનું ખોદકામ કરવામાં આવશે જેના દ્વારા આ સરોવર માટેનો પાળો બનાવવામાં આવશે.આ રીતે ખોદાયેલ માટીની જગ્યાએ પણ પાણીનો સંગ્રહ થશે અને માટીનો પાળો બનાવવાથી પાછળના ભાગમાં પણ સરોવર આપોઆપ બનશે. ચોમાસામાં વહીને દરિયામાં જતું પાણી તેનાથી રોકાશે. જેથી મીઠા પાણીનો સંગ્રહ થશે. આ પાણી પીવાના તેમજ સિંચાઇ એમ દ્વિવિધ કામ માટે ઉપયોગમાં લઇ શકાશે. આ સિવાય આ પાણીના સંગ્રહથી ભાવનગરની જમીન કે જે ખારાશ ધરાવે છે. તે મીઠા પાણીના સંગ્રહને કારણે તેની ખારાશ ઓછી થશે અને ભવિષ્યમાં આ સરોવરની આસપાસની જમીન ખેતી માટે નવસાધ્ય બનશે.
સરોવરની પાળે વૃક્ષોનું વાવેતર, ૧૫મી ઓગસ્ટે ધ્વજવંદન થશે
આ સરોવરોની આસપાસ વૃક્ષોના વાવેતર દ્વારા પ્રકૃતિને પણ નવપલ્લવિત થવાનું કાર્ય થવાનું છે. આ જગ્યા પર ધ્વજવંદન માટેની જગ્યાનું નિર્માણ કરી ૧૫ મી ઓગષ્ટનું આયોજન આ સરોવર કિનારે થાય અને ગામના સ્વતંત્રતા સેનાની કે સેનામાં કાર્યરત સૈનિકોનું બહુમાન થાય તેવું આયોજન વડાપ્રધાન મોદીના આહવાનને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.
કાળિયાર-સિંહોની તરસ છીપાવવા તળાવો બનશે
કાળિયાર અભ્યારણ્યના કાળિયારને પીવા માટે ઉનાળામાં પણ પાણી મળી રહે તેવાં ખ્યાલ સાથે અભ્યારણ્ય નજીકના ઘાંઘળી અને ઉંડવીમાં સરોવરનું નિર્માણ થશે. આ ઉપરાંત જેસર તાલુકામાં સિંહનું વિચરણ જોવાં મળે છે તેને ધ્યાનમાં રાખીને જેસર તાલુકાના કરઝાળામાં પણ સરોવરનું નિર્માણ કરાશે. આમ, પ્રાણી માત્રની ચિંતા કરીને માત્ર માનવ અને માત્ર વિકાસ નહીં, પરંતુ પ્રકૃતિ સાથેના ચિરંતન વિકાસને ધ્યાનમાં રાખીને અમૃત સરોવરોનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે.

Previous articleધોરણ 12 સાયન્સનું પરિણામ
Next articleસ્ટેન્ડિંગમાં કરોડોના વિકાસ કાર્યોને લીલીઝંડી અધ્યક્ષસ્થાનેથી ૮ ઠરાવો રજૂ કરવામાં આવ્યા