રાજય સરકારના કર્મી એવા આરોગ્ય અધિકારીને પણ હવે કોર્પોરેશન ગણવેશ માટે પૈસા ચૂકવશે !
ભાવનગર મહાપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિમાં રોડ સહિતના વિકાસના કામોને મંજુરી આપવામાં આવી હતી જયારે અધ્યક્ષ સ્થાનેથી જુદા જુદા ૮ ઠરાવને બહાલી આપવામાં આવી હતી. મહાનગરપાલિકામાં મંગળવારે સાંજે સ્ટેન્ડીંગ કમિટિની બેઠક ચેરમેનના અધ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં રૂ. ૧પ.ર૦ કરોડના રોડ સહિતના કામોને મંજુરી આપવામાં આવી હતી. આ બેઠકમાં જુદા જુદા કામના ૪૧ ઠરાવને બહાલી આપવામાં આવી હતી. ચૂંટણી વર્ષના પગલે શહેરના ઘોઘાસર્કલ, સરદારનગર, કાળીયાબીડ, કુંભારવાડા, તખ્તેશ્વર, પીરછલ્લા, ચિત્રા-ફુલસર સહિતના વોર્ડમાં પેવર રોડ, પેવિંગ બ્લોક, આરસીસી રોડ સહિતના કામોને મંજુરી આપવામાં આવી હતી. આ ઉપરાંત ભાવનગર મહાપાલિકાના વર્ગ ૧થી ૪ના અધિકારી-કર્મચારીઓને વર્ષ ર૦રર-ર૩ માટે ગણવેશની રકમ રોકડમાં ચુકવવાની હોય, જે અન્વયે પુરૂષ કર્મચારી માટે બે જોડીના કાપડ તથા સિલાઈ સાથે કુલ રૂ. ૬૬૩ તથા સ્ત્રી માટે રૂ. ૭૦૦ લેખે ભાવનગર મનપાના કુલ પુરૂષ કર્મચારીની સંખ્યા-૧૧પ૧ તથા સ્ત્રી કર્મચારીની સંખ્યા ૭૪૩ હોય જે મુજબ કુલ રૂ. ૧ર,૮ર,પપ૦ રોકડમાં ચુકવવાની મંજુરી આપવા નિર્ણય કરવાનો હતો પરંતુ ગણવેશની રકમમાં વધારો કરી રૂ. ૧પ૦૦ કરવામાં આવી છે. આ તમામ કર્મચારીઓને ગણવેશના રૂ. ૧પ૦૦ આપવામાં આવશે. આ ઉપરાંત મનપાના આરોગ્ય અધિકારી સિન્હાને પણ ગણવેશ આપવા ચેરમેને નિર્ણય કર્યો છે. સ્ટેન્ડીંગ કમિટિમાં જુદા જુદા ૮ ઠરાવ અધ્યક્ષ સ્થાનેથી કરવામાં આવ્યા હતા, જેમાં ઓલ ઈન્ડીયા કાઉન્સીલ ઓફ મેયર્સમાં ચાલુ વર્ષ ર૦રર-ર૩ માટેની વાર્ષિક સભ્ય ફી રૂ. ર૩,૬૦૦ ભરવા મંજુરી આપવામાં આવી હતી. તરસમીયા ગામમાં બાકી રહેતા તમામ રસ્તાઓનુ મેટલ ગ્રાઉટીંગ કામ રૂ. ૪૪.૦૪ લાખના ખર્ચે, ઘોઘાસર્કલ-અકવાડા વોર્ડમાં વિવિધ રસ્તાઓનુ મેટલ ગ્રાઉટીંગનુ કામ કુલ રૂ. પ૭.૭૪ લાખના ખર્ચે, આ જ વોર્ડમાં અન્ય રોડના મેટલ ગ્રાઉટીંગ કામ કરવા કુલ રૂ. પપ.૦પ લાખના ખર્ચે કરવા મંજુરી આપવામાં આવી હતી. કાળીયાબીડ વોર્ડમાં ભયલુભાઈની વાડીથી વિકટોરીયાની દિવાલને પેરેલલ બોરતળાવ ઈસ્કોન કલબ સુધીના રસ્તાનુ મેટલ ગ્રાઉટીંગ કરવાનુ કામ કુલ રૂ. ૪૭.૬૮ લાખના ખર્ચે કરવા. આ સહિતનો સમાવેશ થાય છે.