મિચેલ માર્શ-વોર્નરની તોફાની બેટિંગ, દિલ્હીએ રાજસ્થાન સામે આઠ વિકેટે વિજય નોંધાવ્યો

55

નવી દિલ્હી,તા.૧૨
ડેવિડ વોર્નર અને મિચેલ માર્શની આક્રમક અડધી સદીની મદદથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલ-૨૦૨૨માં બુધવારે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે આઠ વિકેટે શાનદાર વિજય નોંધાવ્યો હતો. લોકપ્રિય ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં બુધવારે મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં દિલ્હીએ ટોસ જીતીને રાજસ્થાનને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. રાજસ્થાનની બેટિંગ નિરાશાજનક રહી હતી પરંતુ અશ્વિન અને દેવદત્ત પડિક્કલની આક્રમક ઈનિંગ્સની મદદથી ટીમે નિર્ધારીત ૨૦ ઓવરમાં છ વિકેટે ૧૬૦ રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં દિલ્હીએ ૧૮.૧ ઓવરમાં બે વિકેટે ૧૬૧ રન નોંધાવીને મેચ જીતી લીધી હતી. જેમાં ડેવિડ વોર્નરે ૫૨ રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. જ્યારે મિચેલ માર્શે ૮૯ રનની ધમાકેદાર ઈનિંગ્સ રમી હતી. આ વિજય સાથે દિલ્હીએ પ્લેઓફની આશા જીવંત રાખી છે. દિલ્હી ૧૨ પોઈન્ટ સાથે પાંચમાં ક્રમે છે જ્યારે રાજસ્થાન ૧૪ પોઈન્ટ સાથે ૧૪ પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે. રાજસ્થાન રોયલ્સે આપેલો ૧૬૧ રનનો લક્ષ્યાંક ડેવિડ વોર્નર અને મિચેલ માર્શની તોફાની બેટિંગ આસાન બનાવી દીધો હતો. જોકે, તેની શરૂઆત ખરાબ રહી હતી અને ઈનિંગ્સના બીજા જ બોલ પર શ્રીકર ભરત આઉટ થઈ ગયો હતો. પરંતુ બાદમાં વોર્નર અને માર્શની ઓસ્ટ્રેલિયન જોડીએ આક્રમક અંદાજમાં બેટિંગ કરી હતી અને ટીમને આસાન વિજય અપાવ્યો હતો. આ જોડીએ ૧૪૪ રનની ભાગીદારી નોંધાવી હતી. માર્શ ૧૧ રન માટે સદી ચૂકી ગયો હતો. તેણે ૬૨ બોલમાં ૮૯ રન ફટકાર્યા હતા જેમાં પાંચ ચોગ્ગા અને સાત સિક્સર સામેલ હતી.
જ્યારે વોર્નર ૪૧ બોલમાં ૫૨ રન નોંધાવીને નોટઆઉટ રહ્યો હતો. તેણે પાંચ ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી. જ્યારે સુકાની રિશભ પંતે અણનમ ૧૩ રનનું યોગદાન આપ્યું હતું. રાજસ્થાનને પ્રથમ બેટિંગનું આમંત્રણ મળ્યું હતું. જોકે, તેના સ્ટાર ઓપનર કંઈ ખાસ કમાલ કરી શક્યા ન હતા. વર્તમાન સિઝનમાં ધમાકેદાર પ્રદર્શન કરનારો જોસ બટલર સસ્તામાં આઉટ થઈ ગયો હતો. જોકે, બાદમાં રવિચંદ્રન અશ્વિન અને દેવદત્ત પડિક્કલની આક્રમક બેટિંગની મદદથી રાજસ્થાનની ટીમે નિર્ધારીત ૨૦ ઓવરમાં છ વિકેટે ૧૬૦ રનનો સ્કોર ખડક્યો હતો. ટીમની શરૂઆત નબળી રહી હતી અને ૧૧ રનના સ્કોર પર તેની પ્રથમ વિકેટ પડી હતી. બટલર સાત રન નોંધાવીને આઉટ થયો હતો જ્યારે તેનો સાથી ઓપનર યશસ્વી જયસ્વાલ ૧૯ રન નોંધાવીને આઉટ થયો હતો. જોકે, બાદમાં અશ્વિન અને પડિક્કલની જોડીએ બાજી સંભાળી હતી અને તાબડતોબ અંદાજમાં બેટિંગ કરી હતી.

Previous articleયે રિશ્તામાંથી એક્ઝિટ થયા બાદ પૂજા જોશીએ ખોલ્યું સલૂન
Next articleએક ભારત, ગરમ ભારતને અમારી સરકારે ચરિતાર્થ કર્યું – રાજુ રદીનો દાવો (બખડ જંતર)