એક ભારત, ગરમ ભારતને અમારી સરકારે ચરિતાર્થ કર્યું – રાજુ રદીનો દાવો (બખડ જંતર)

60

ગિરધરઆઇ. આને અસરકારક સરકાર કહેવાય. પરિણામ મેળવવા કરોડો લિટર પરસેવો વહેડાવવો પડે. કહે છે ને કે સિધ્ધિ તેને વરે જે પરસેવે નહાય.મન હોય તો માળવે જવાય.હાથ રુમાલને બદલે ટોવેલથી પરસેવાના ધધૂડા લૂંછતાં રાજુ રદી પોરસાયો
“ સરકારે શું કર્યું એ તો કહે, મારા બાપ?” મેં પૂછયું.
“ ગિરધરભાઇ,તમે છાપા વાંચતા નથી કે શું નથી કર્યું? સરકારે શું નથી કર્યું એમ પૂછો?” રાજુ હજુ બ્લાઇન્ડ ગેમ રમતો હતો.
“ ચાલ સરકારે શું શું નથી કર્યું એ કહે!” મેં રાજુને કહ્યું
“ જે કામ અંગ્રેજો કરી ન શકયા, પાછલી સરકારો ન કરી શકે એ કામ અમારી સરકારે કર્યું.અમારી સરકારે તમામ દેશોના છેલ્લા સો વરસોના ડેટા મેળવ્યા. એનું એનાલીસીસ કર્યું. સ્ટ્રેટ્‌જી માટે વોર રૂમ બનાવ્યો. નીતિઓ ઘડવા બ્રેઇન સ્ટ્રોમિંગ કર્યું, મગજનું દહીં નહીં પણ દહીંનું મગજ કર્યું. ધડાધડ હુકમો કર્યા. સ્લોગનો બનાવાયા. આઇ કેંચી સૂત્રો બનાવ્યા. તેના સ્ટિકરો, હોર્ડિંગ, તેની ચોપાસ ચર્ચા , ટિ્‌વટર યુદ્ધ, વોટસએપ મેસેજનો મારો કર્યો. આના લીધે બે પાંચ ટકા સફળતા એમને એમ મળી ગઇ. સફળતા ફલ્યુક નથી . વરસોની સાધના તપશ્ચર્યાને લીધે મળે છેપ..” રાજુ નીતિ આયોગનો સભ્ય હોય એવી છટાથી બોલ્યો.
“હંઅ” મારા ભાગે આટલું બોલવાનો જ વિકલ્પ હતો.
“ગિરધરભાઇ.અગાઉની સરકારે કોઇ નક્કર કામગીરી કરી ન હતી. છૂટીછવાઇ નગણ્ય કામગીરી કરી હતી.અમારી સરકારે મિશન મોડમાં કામગીરી હાથ ધરી છે. ખેડુતોની આવક બમણી કરી છે, તેમ આ બાબતે પણ ૨૦૧૪ ના વરસને બેઇઝ બનાવી દર વરસે ૧૦ % નો પ્રોજેકટેડ વધારો કરી ૨૦૨૩ માં બમણી કરવાનો દ્રઢ સંકલ્પ, નેમ અને પ્રતિબદ્ધતા છે.” રાજુએ સરકારના આશયનો પુનોચ્ચાર કર્યો.!
“રાજુ. પેટ્રોલ ,ડિઝલ , ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડવાનું અભિયાન છે??
“ ના . ગિરધરભાઇ ફાલતુ બાબતો અમારા એજન્ડામાં નથી.મને વિનમ્રભાવે જણાવતાં આનંદ થાય છે કે સો વરસના ગરમીના રેકોર્ડ તોડ્યા છે!!! અમે એક ભારત -ગરમ ભારત. એક ભારત-બળબળતું ભારતનો સોનેરી સંકલ્પ આઝાદીના અમૃત મહોત્સવમાં સિદ્ધ કર્યો છે!!”રાજુએ મૂછે હાથ ફેરવીને કહ્યું.હાંફતા કૂતરાંના અધખુલ્લા મોઢામાંથી ગરમ હવા નીકળે તેમ મારા મોંમાંથી ૪૮ ડિગ્રી ગરમીનો ઉકળાટ નીકળ્યો,” ના હોય બોસ!”

– ભરત વૈષ્ણવ

Previous articleમિચેલ માર્શ-વોર્નરની તોફાની બેટિંગ, દિલ્હીએ રાજસ્થાન સામે આઠ વિકેટે વિજય નોંધાવ્યો
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે