ઈતિહાસ, ઓળખ, પરંપરા આ બધાનો અભ્યાસ કરવા માટે ઉત્તમ પરંપરાને સજીવ કરી એને પોંખવા માટેનું આયોજન કાર્યક્રમમાં કરાયુઃ પુરષોત્તમ રૂપાલા
બોટાદ જિલ્લાના નાગનેશ ધામ ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે આજ રોજ વિરવંદના અને પાળીયા સંસ્કૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી ઉદ્યોગ વિભાગ કેન્દ્રીયમંત્રી પરશોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પાળીયા માટે જે તપ કર્યું પાળીયાને ગ્રંથસ્થ કરવા માટેનો જે પ્રયાસ કર્યો તે બદલ ભારત સરકાર વતી હદયપૂર્વક અભિનંદન આપી પરશોતમ રૂપાલાએ જણાવ્યું હતું કે, વર્તમાન ભાષા સાહિત્યમાં પાળીયાને પોંખવા માટે દાદબાપુ જેવી કલમ કોઈની ચાલી હોય તેવું લાગતું નથી, “ટોચમાં મને ટાંચણું લઈ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, ધડ ધિંગાણે જેના માથા મસાણે એના પાળીયા થઈને પૂજાવું રે, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાઉં” પાળીયાની પ્રતિષ્ઠાને જોડવામાં આવી એટલે તે ઘટના ગરીમાપૂર્ણ બની એની સુંદર વંદના કરી દાદબાપુને શ્રધ્ધાજંલી પાઠવી હતી.
મંદિરની પ્રતિષ્ઠા, સુંદર મજાના યજ્ઞનું આયોજન અને એ કાર્યક્રમની અંદર વિરવંદનાના કાર્યક્રમની રચના અને એનું આયોજન કરનાર તમામને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, મરવા માટેના ટાણાય ક્યા હોઈ તેનું વર્ણન આપણા લોકસાહિત્યમાં લખ્યું છે એને મળવાથી આપણને ઉમળકો આવે છે, પણ જીવવાવાળા કોણ હતા તો એના સરનામાં એટલે પાળીયા. આવી આપણી ઉત્તમ ઝળોહાત આપણી ઉત્તમ પ્રણાલી હતી અને તે સમયે આટલી બધી આધુનિકતા પણ ન હતી એટલે આ પથ્થરોમાં જુદી જુદી કોતરણી કરી ઘટનાઓને દસ્તાવેજના રૂપમાં સોપવાની પરંપરા હતી. આપણી આ પરંપરા, ખાંભી, પાળીયા, આ સગા આ બધાનું ખૂબ વર્ણન લોકસાહિત્યમાં જોવા મળે છે. ઈતિહાસ, ઓળખ, પરંપરા આ બધાનો અભ્યાસ કરવા માટે ઉત્તમ પરંપરાને સજીવ કરી એને પોંખવા માટેનું આયોજન આજના કાર્યક્રમમાં કરવામાં આવ્યું છે.
વધુમાં ઉમેર્યું હતું કે, આપણા વડવાઓએ માથા આપવા મોજ માણી છે, આવી ઘટનાઓને નવી પેઢી સમક્ષ આવા સાંસ્કૃતિક કાર્યક્રમો થકી પ્રસ્તુતિ કરાવી તે સરાહનીય છે, ફરી વાર ભારત, જગત ગુરુના સ્થાન ઉપર બીરાજે એ દિશામાં ડગલું માંડી દીધું છે આવા વિરાંજલીના કાર્યક્રમ કરવા બદલ તમામ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે વિસામણબાપુની જગ્યા પાળીયાદ ધામ ખાતેથી ભયલુભાઈ, કિર્તીકુમારસિંહ ગોહિલ, જયવિરરાજસિંહ ગોહીલ, ઉષાદેવીમા ગોહીલ, મહેંદ્રસિંહ ગોહિલ, જોરાવરસિંહ જાદવ, જીતુદાન ગઢવી, બલભદ્રસિંહ ચુડાસમા, ડૉ.પ્રધુમનકુમાર ખાચર, પાળીયા સંસ્કૃતિના સંશોધક તથા અગ્રણીઓ તેમજ શ્રધ્ધાળુ હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.