સરોવરોનું નિર્માણ એ સમાજ પ્રત્યેનું ઋણ ચૂકવવાનો અવસર છેઃ કલેક્ટર યોગેશ નિરગુડે
આઝાદી કા 75 મા વર્ષના ઉપલક્ષ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક જિલ્લામાં 75 સરોવર નિર્માણ માટે આહ્વાન કર્યુ હતું. જેના પગલે ભાવનગર જિલ્લામાં 75 સરોવરની સામે 100 સરોવરોનું નિર્માણ થઇ રહ્યું છે અને હજુ તેમાં વધારો થવાની શક્યતા છે. આ સરોવરોનું નિર્માણ લોકભાગીદારીથી એટલે કે, સેવાભાવી સંસ્થાઓ તથા ગામલોકોની આર્થિક સાથે શ્રમદાનના યોગદાનથી થવાનું છે. ભાવનગરની જાણીતી કંપનીઓ પણ તેઓના સી.એસ.આર. પ્રવૃત્તિના ભાગરૂપે જોડાવાની છે. ત્યારે આ બધા સહયોગીઓ વચ્ચે સંકલન માટે એક બેઠકનું આયોજન કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. કલેક્ટરે આ બેઠકને સંબોધતાં જણાવ્યું કે, જલ સંચય એ કુદરતના સંરક્ષણનું કાર્ય છે. ભાવી પેઢી જળની અછત ન ભોગવે તે માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે જળ અભિયાન પણ ચલાવે છે. ત્યારે આપણે સૌની જવાબદારી છે કે, આપણાં પર કુદરતનું તથા સમાજનું જે ઋણ છે તેને આ સરોવરના નિર્માણથી અદા કરીએ. આ સરોવરોના નિર્માણથી પાણીનું સ્તર ઉંચું આવશે તેમ જણાવી તેમણે આ સરોવરની આસપાસ પ્રકૃતિના જતન માટે ભારતીય મૂળ અને કૂળના વૃક્ષોનું પણ વાવેતર કરવામાં આવશે. જેથી આ ધરાને ફરીથી નવપલ્લવિત કરી શકાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે ઘણી બધી કંપનીના પ્રતિનિધિઓ હાજર છે ત્યારે તેઓ પણ આ સરોવરના નિર્માણની વૈયક્તિક તથા સામૂહિક જવાબદારી નિભાવવા માટે પોતાનું યોગદાન આપે. નવા તૈયાર થનારા સરોવર ઓછામાં ઓછા એક એકરના બનશે તેમ જણાવી જો ગામ લોકો આર્થિક સહકાર સાથે પોતાનું શ્રમદાન આપે કે પોતાની પાસેના સાધનોનો સહયોગ આપે તે આવકાર્ય છે. આ માટે 15 માં નાણાં પંચ તથા મનરેગા સહિતના ગ્રામ વિકાસના નાણાનો ઉપયોગ કરવામાં આવશે. દાતા દ્વારા આપવામાં આવનાર નાનામાં નાના દાનની પણ તકતી લગાવવામાં આવશે. આ નવી તૈયાર થનાર સાઇટ ખાતે 15 મી ઓગષ્ટની ઉજવણી પણ કરવામાં આવનાર હોવાનું તેમણે જણાવ્યું હતું. આમ, આ સરોવરોનું નિર્માણ પ્રકૃતિના સ્ત્રોતોને સભર બનાવી રાખવાનું તેમજ સૌરાષ્ટ્રના પ્રદેશને જળની અછતથી મુક્તિ અપાવનારું અભિયાન બની રહેશે તેવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી. આ અંગેના વિગતવાર પ્રેઝન્ટેશનની રજૂઆત પંચાયત સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર ડી. આર.પટેલે કરી હતી. આ બેઠકમાં ધારાસભ્ય કેશુ નાકરાણી, જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહેલ, પંચાયતની વિવિધ કમીટીઓના ચેરમેનઓ, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જીલોવા, નાયબ વન સંરક્ષક સાદિક મુજાવર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી જોષી, જિલ્લાના પ્રાંત અધિકારીઓ તથા મામલતદારો, જિલ્લાના અધિકારીઓ, કંપની અને સેવાભાવી સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.