ચેન્નાઈ , તા.૧૩
શું આઈપીએલ રવિન્દ્ર જાડેજા અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મોટો ખટરાગ ઉભો થયો છે? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે સોશિયલ મીડિયા પર જોડાયેલી હોય ત્યારે તેમના સંબંધો અને વિચારો અંગે કોઈ બાબત જોડાયેલી હોય છે, જોકે જાડેજા અને સીએસકેએ એકબીજાને સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પરથી અનફોલો કર્યા છે ત્યારે ટીમના ’ટોપ બોસ’ અને જાડેજા વચ્ચે મતભેદ થયા હોવાની વાતો સામે આવી રહી છે. સીએસકે ફ્રેન્ચાઈઝી અને જાડેજા વચ્ચેના ૧૦ વર્ષ જૂના સંબંધોનો અંત આવી ગયો હોવાની અટકળો પણ લગાવવામાં આવી રહી છે. મહત્વનું છે કે અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને આ વખતે આઈપીએલની સિઝનની શરુઆતમાં ટીમના કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. આ પછી ફરી એકવાર ટીમની કમાન ધોનીના હાથમાં સોંપવામાં આવી હતી. સુપરકિંગ્સના સીઈઓ કાશી વિશ્વનાથે જણાવ્યું હતું કે, રવિન્દ્ર જાડેજા સીએસકેની આગામી બે મેચ નહીં રમી શકે કારણ કે તેમની પાંસળીમાં ઈજા થઈ છે. તેઓ ઘરે પરત ફર્યા છે. જાડેજા ઈજાના કારણે જ બેગ્લોર સામેની મેચ નહોતો રમી શક્યો કે કારણ કંઈક બીજુ હતું તેને લઈને પણ ઘણાં સવાલો જાડેજાના ફેન્સને થઈ રહ્યા છે. શરુઆતમાં તરખાટ મચાવનારા ઓલ-રાઉન્ડર જાડેજાના ફોર્મ પર પાછલા કેટલાક સમયથી અસર પડી હોવાનું દેખાઈ રહ્યું છે. સીએસકેની સાથે ભારતીય ટીમમાં પણ પાછલા દાયકામાં જાડેજાનું મહત્વનું સ્થાન રહ્યું છે. રવિન્દ્ર જાડેજાને ચેન્નાઈની ટીમમાં ઊંચા ભાવે પરત લેવામાં આવ્યો હતો, અગાઉ ધોની દ્વારા તેને જણાવાયું હતું કે તે આ સિઝનમાં ટીમનો કેપ્ટન બની શકે છે. જોકે, ધોનીની જગ્યાએ જાડેજાને ટીમની કમાન સોંપવામાં આવી હોવાની ખબર આ વર્ષે ૈંઁન્ની સિઝન શરુ થઈ તેના બે દિવસ પહેલા જ આવી હતી, બહારથી એવું લાગી રહ્યું હતું કે ધોની આ નિર્ણયથી અજાણ હતો, પરંતુ ચેન્નાઈની આ સિઝનમાં સતત પછડાટ બાદ જાડેજા પાસેથી ટીમનું નેતૃત્વ પરત લઈને તે જવાબદારી ફરી કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંઘ ધોનીને સોંપવામાં આવી હતી. શરુઆતની મેચો દરમિયાન ભરે રવિન્દ્ર જાડેજા પાસે સીએસકેની ટીમની કમાન હતી પરંતુ તે ફિલ્ડિંગ અન્ય કેપ્ટનની જેમ પીચની નજીક રહેવાના બદલે ડીપમાં ફિલ્ડિંગ કરતો હતો, આ દરમિયાન ધોનીએ કેટલાક મહત્વના નિર્ણયો લીધા અને ચેન્નાઈએ મેચ જીત સામે વધુ મેચ ગુમાવી છે. રવિન્દ્ર જાડેજાની કેપ્ટનશિપ અંગે ભારતીય ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે, તેણે ક્યાંય કેપ્ટનશીપ નથી કરી, તે પાણીની બહાર માછલી હોય તે રીતે દેખાતો હતો. જોકે, ભલે જાડેજા કેપ્ટન હોય તેવું લાગવું મુશ્કેલ હતું પરંતુ તેને ધોની પર સંપૂર્ણ વિશ્વાસ હોય તે સ્પષ્ટ રીતે જોઈ શકાતું હતું. આ સાથે એ વાત જરાય છૂપી નહોતી કે આ સિઝનમાં જાડેજાના બેટ અને બોલ બન્ને પરથી પક્કડ ગુમાવી હતી. ધોનીને ફરી કેપ્ટનશીપનો ભાર આપવાનું કારણ સૌરાષ્ટ્રના ખેલાડી જાડેજાને તેના ભારણમાંથી હળવો કરીને તેની ગેમ પર સ્વતંત્ર નિર્ણય લેવા માટે હતો. બુધવારે સીએસકે દ્વારા સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું હતું કે જાડેજા પાંસળીની ઈન્જરીના કારણે ટીમમાંથી બહાર થયો છે. જોકે, જાડેજા અને સીએસકે ટીમે સોશિયલ મીડિયા પરથી એક બીજાથી અલગ થયા બાદ આ મામલે ઘણાં સવાલો ફેન્સને થઈ રહ્યા છે. શું હવે ફરી સીએસકે સાથે જાડેજા જોવા નહીં મળે તેવા સવાલો પણ ઉભા થઈ રહ્યા છે.
એવી પણ વાત સામે આવી રહી છે કે, જાડેજા અને સીએસકે ટીમની ’ટોપ બોસ’ વચ્ચે જે ગેરસમજ ઉભી થઈ છે તેનું જલદી નિરાકરણ લાવવામાં આવી શકે છે.