દોઢ લાખથી વધુ લોકો આઈસોલેશનમાં : દ.કોરિયા સરકારના જણાવ્યાં મુજબ ૧૮૭૦૦૦ લોકોને આઈસોલેટ કરીને તેમની સારવાર થઈ રહી છે, હજુ સ્પષ્ટ નથી કરાયું કે તે તાવ કયો છે
નવી દિલ્હી, તા.૧૩
બે વર્ષથી આખી દુનિયાને હચમચાવી નાખતા કોરોના વાયરસે આખરે આટલા સમય બાદ ઉત્તર કોરિયામાં પણ એન્ટ્રી કરતા જ હાહાકાર મચી ગયો છે. એક જ કેસ રિપોર્ટ થતાની સાથે લોકડાઉન લાગી ગયું. આ બધા વચ્ચે હવે રહસ્યમય ’તાવ’ના કારણે લોકોના મોત થઈ રહ્યા છે. ન્યૂઝ એજન્સી એએફપીએ ત્યાંના સરકારી મીડિયાના હવાલે જણાવ્યું છે કે આ તાવના કારણે ૬ લોકોના મોત થયા છે. દક્ષિણ કોરિયા સરકારના જણાવ્યાં મુજબ ૧,૮૭,૦૦૦ લોકોને આઈસોલેટ કરીને તેમની સારવાર થઈ રહી છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી કરાયું કે આ જે તાવથી લોકોના મોત થઈ રહ્યા છે તે તાવ કયો છે. પરંતુ બે વર્ષ બાદ ઉ.કોરિયામાં કોરોનાએ દસ્તક આપી છે. નવા કેસની પુષ્ટિ થયા બાદ કિમ જોંગ ઉને દેશવ્યાપી લોકડાઉન લગાવી દીધુ. તેમણે અપીલ પણ કરી કે કોરોનાથી બચવાના ઉપાય લોકો અજમાવે અને કડકાઈથી પાલન કરે. મીડિયા રિપોર્ટ મુજબ રાજધાની પ્યોંગયાંગમાં અનેક લોકોના ટેસ્ટ કરાયા જેમાંથી ઓમિક્રોન વેરિએન્ટની પુષ્ટિ થઈ. લોકોને ઘરોમાં રહેવા જણાવાયું છે. અત્રે જણાવવાનું કોરોના છેલ્લા બે વર્ષ કરતા પણ વધુ સમયથી હજુ પણ દુનિયાને હચમચાવી રહ્યો છે. અનેક દેશોમાં તેના અલગ અલગ સબ વેરિઅન્ટના ઢગલો કેસ આવી રહ્યા છે. પરંતુ આ અગાઉ ઉત્તર કોરિયામાં કોરોનાના કેસ સામે આવ્યા હોય તેવા કોઈ સમાચાર આવ્યા નહતા. આ બાજુ તજજ્ઞોનું કહેવું છે કે દક્ષિણ કોરિયાના ખરાબ સ્વાસ્થ્ય વ્યવસ્થા જોતા દેશે કોરોનાના ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે.