૨૦૨૨માં સેન્સેક્સ-નિફ્ટીમાં સતત ઘટાડો જોવા મળ્યો જાન્યુઆરીથી બીએસઈ સેન્સેક્સ ૧૦ ટકા સુધી તૂટ્યો
મુંબઈ, તા.૧૩
ભારતીય શેરબજારમાં ઘટાડાનો સિલસિલો અટકી રહ્યો નથી, શુક્રવારે સકારાત્મક વૈશ્વિક સંકેતોના લીલા નિશાન પર શરૂઆત કર્યા બાદ આખરે બંને સૂચકાંકો ફરી ઘટાડા સાથે બંધ થયા હતા. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શેરો ધરાવતો સેન્સેક્સ ૧૩૭ પોઈન્ટ ઘટીને ૫૨,૭૯૪ પર બંધ થયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ ૨૬ પોઈન્ટ ઘટીને ૧૫,૭૮૨ પર બંધ થયો હતો. અગાઉ, બજારના બંને સૂચકાંકો લીલા નિશાન પર શરૂ થયા હતા. સેન્સેક્સ ૪૮૦ પોઈન્ટ અથવા ૦.૯૧ ટકા વધીને ૫૩,૪૧૦ના સ્તરે ખૂલ્યો હતો, જ્યારે નિફ્ટી ૧૬૪ પોઈન્ટ અથવા ૧.૦૪ ટકાના ઉછાળા સાથે ૧૫,૯૭૨ના સ્તરે ટ્રેડ કરવાનું શરૂ કર્યું હતું. બજાર ખુલતાની સાથે જ લગભગ ૧૪૮૬ શેર વધ્યા, ૩૯૭ શેર ઘટ્યા અને ૭૨ શેરમાં કોઈ ફેરફાર થયો ન હતો. ગુરુવારે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં શેરબજારમાં સતત પાંચમા દિવસે મોટો ઘટાડો નોંધાયો હતો. દિવસના કામકાજના અંતે, બીએસઈ સેન્સેક્સ ૧૧૫૮ પોઈન્ટ અથવા ૨.૧૪ ટકા ઘટીને ૫૨,૯૩૦ પર બંધ થયો હતો, જ્યારે એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ ૩૫૯ પોઈન્ટ અથવા ૨.૨૨ ટકા ઘટીને ૧૫,૮૦૮ પર હતો. આ પહેલા પણ ગયા સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસ શુક્રવારથી બંને સૂચકાંકોમાં ઘટાડાનો સિલસિલો જારી રહ્યો હતો. વર્ષ ૨૦૨૨માં સેન્સેક્સ અને નિફ્ટીમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જો આપણે ડેટા પર નજર કરીએ તો જાન્યુઆરીથી બીએસઈ સેન્સેક્સ ૧૦ ટકા સુધી તૂટ્યો છે. ૩ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ, તે ૫૯,૧૮૨ પોઇન્ટ પર હતો, જ્યારે ગુરુવાર, ૧૨ મેના રોજ, સેન્સેક્સ ઘટીને રૂ. ૫૩,૯૩૦ પર આવી ગયો હતો. આ વર્ષે બજારના ઘટાડા પાછળ વૈશ્વિક પરિબળ મુખ્ય રહ્યા છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર માત્ર ભારત પર જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય બજારો પર પણ દેખાઈ રહી છે.