આરોપી ગુનાને અંજામ આપી ફરાર થયો
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં છોકરાઓને રમવા દેવા જેવી સામાન્ય બાબતે યુવાન તથા તેની માતા પર પાડોશી યુવાને છરી વડે હુમલો કરી ફરાર થઈ જતાં ઈજાગ્રસ્ત માતા-પુત્રને સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. સમગ્ર બનાવ અંગે ડી-ડીવીઝન પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ સ્થિત અબુબક્કર મસ્જિદ પાસે પરિવાર સાથે રહેતો અને વિઠ્ઠલવાડી વિસ્તારમાં મોટર ગેરેજમાં મિકેનિક તરીકે મજૂરી કરતાં ઈફતીયાર યાસીન પઠાણ ઉ.વ.30 એ તેના પાડોશમાં રહેતા રમઝાન ઉર્ફે નાનું તથા તેની માતા વિરુદ્ધ ડી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એવાં મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેનો પુત્ર અલીરજા રમજાન ઉર્ફે નાનુંના ઘર પાસે બાળકો સાથે રમતો હોય આથી રમજાનની માતાએ ઈફતીયારની પત્નીને જણાવેલ કે તારા પુત્ર ને અહીં રમવા આવવા દઈશ નહીં તે બાળકો સાથે મળી ગાળો બોલે છે. જેમાં ઈફતીયાર આવતા તેણે રમજાનની માતાને જણાવેલ કે બાળકો છે તોફાન-મસ્તી કરે અને એને શું ખબર પડે આ સંવાદ મા ઉશ્કેરાયેલા રમજાન ઉર્ફે નાનું એ ફરિયાદી ઈફતીયાર ના ઘરમાં છરી સાથે ઘૂંસી હુમલો કરતાં ઈફતીયારની માતા હાલીમા વચ્ચે પડતા તેને પણ છરી વાગી હતી. ઈફતીયાર તથા તેની માતા પર હુમલો થતાં લોકો એકઠા થતાં રમજાન નાસી છુટ્યો હતો. આથી લોકોએ માતા-પુત્ર ને ઈજાગ્રસ્ત હાલતે સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જયાં સારવારના અંતે ઈફતીયાર એ રમજાન તથા તેની માતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.