રેલ્વે ફાટક પર ઇલેક્ટ્રીક લાઇન ઉંચી લઇ જવાના બદલે રેલ્વેએ વાહનોને તાબામાં લેવા કમાન લગાવી દીધી : કુંભારવાડા અને ગઢેચી વડલામાં કમાન લગાડાતા કેટલાક વાહનોને ફરી-ફરીને આવવું પડશે
ભાવનગર રેલ્વે ડિવીઝનમાં ઇલેક્ટ્રીફિકેશનનું કામ ચાલી રહ્યું છે અને ભાવનગર ટર્મિનસ સુધી પહોંચવા આવ્યું છે ત્યારે કુંભારવાડા તથા ગઢેચી વડલાના રેલ્વે ફાટકમાંથી પસાર થતા વાહનોની ઉંચાઇને નિયંત્રણમાં લાવવા રેલ્વેએ કમાન લગાવી દીધી છે. આ કારણે કેટલાક વાહનોને હવે ગામ ફરવાની સ્થિતિ ઉભી થતા પ્રબળ કચવાટ સાથે રોષ વ્યાપ્યો છે. ભાવનગર ડિવીઝનમાં પણ હવે ટ્રેનો ઇલેક્ટ્રીક પાવરથી ચાલશે. આ માટે ઇલેક્ટ્રીફિકેશનનું કામ લગભગ અંતિમ તબક્કામાં છે. શહેર સુધી ઇલેક્ટ્રીક લાઇનનું કામ પહોંચતા કુંભારવાડા અને ગઢેચી વડલાના રેલ્વે ફાટકની બહાર તંત્રએ કમાન લગાવી દીધી છે. આથી ચોક્કસ ઉંચાઇથી વધુ ઉંચાઇ ધરાવતા વાહનો પસાર થઇ શકશે નહીં. ઉપરથી રેલ્વે લાઇન પસાર થતી હોવાથી વધુ પડતી ઉંચાઇના વાહનો પસાર થાય તો તારને અડી જાય અને દુર્ઘટના થાય તેવી ભીતિ છે આથી રેલ્વેએ આગોતરા પગલા ભર્યાં છે. જો કે, રેલ્વે ફાટક પુરતી ઇલેક્ટ્રીક તારની ઉંચાઇ વધારવામાં આવે તો આમ થતું ચોક્કસ રોકી શકાય પરંતુ રેલ્વે તંત્રએ તાર ઉંચા લેવાને બદલે વધુ ઉંચાઇવાળા વાહનો પસાર ન થાય તે માટે કમાન લગાવી દીધી છે જેને વાહન ચાલકો ગેરકાયદે ગણાવીને રોષ વ્યક્ત કરી રહ્યા છે.