મહિલા કોર્પોરેટર ઘરે ન હોવાથી મોરચો લઇને ગયેલી મહિલાઓને યોગ્ય પ્રત્યુતર ન મળ્યો, ઉલ્ટાનું કોર્પોરેટરના પડોશીએ ભડાકે દેવા ધમકી આપ્યાનો આક્ષેપ
ઉનાળો કાળઝાળ બની રહ્યો છે. બીજી બાજુ શહેરના છેવાડાના વિસ્તારમાં પાણી સમસ્યા મોં ફાટ બનતી જાય છે. પાણીથી વંચિત લોકો અકળાઇ રહ્યા છે. આજે કુંભારવાડા બાનુબેનની વાડીના રહિશો ભાજપ કોર્પોરેટરના ઘરે પાણી પ્રશ્નનો મોરચો લઇને ગયા હતા જ્યાં કોર્પોરેટર તો મળ્યા નહીં પરંતુ ઉલ્ટાની ભડાકે દેવા ધમકી મળતા મહિલાઓનો રોષ બેવડાયો હતો. જો કે, અન્ય કોર્પોરેટરે અરજદાર મહિલાઓને ઠંડુ પીવડાવી ઠંડા પાડ્યા હતાં !કુંભારવાડા વિસ્તારમાં બાનુબેનની વાડી શેરી નં.૬માં કેટલાક સમયથી પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે. આ વિસ્તારની સમસ્યા પરત્વે ધ્યાન નહીં અપાતા આજે સ્થાનિક મહિલાઓનું એક ટોળુ મોરચો લઇને હાથમાં થાળી વગાડતું-વગાડતું વડવા-બ વોર્ડના મહિલા કોર્પોરેટર ઉષાબેન ગોહેલના ઘરે વિઠ્ઠલવાડીમાં પહોંચ્યું હતું. અહીં મહિલા કોર્પોરેટર પોતાના ઘરે હાજર ન હતા પરંતુ તેમના દિકરી અને દિકરાના વહુ હતા જેમણે કોર્પોરેટર ઘરે હાજર ન હોવાનું જણાવ્યું હતું. દરમિયાનમાં મહિલાના ટોળાને ઘરેથી જતું રહેવા જણાવી ભડાકે દેવાની ધમકી પણ મળી હોવાનો ઘટસ્ફોટ અરજદાર પૈકીના એક એવા જ્યોતિબેન નામના મહિલાએ ઓન કેમેરા કર્યો છે. જ્યોતિબેનના જણાવ્યા મુજબ જ્યારે પાણી પ્રશ્નની રજૂઆત માટે પહોંચ્યા ત્યારે સંતોષકારક જવાબ મળ્યો ન હતો ઉપરાંત મહિલા કોર્પોરેટરની બાજુમાં રહેતા પડોશીએ ડેલીગેશનને ધમકાવી જતા રહો નહીંતર ભડાકા કરવા પડશે તેમ કહ્યું હતું. જો કે, ભાજપના અન્ય નગરસેવક લક્ષ્મણભાઇએ સ્થિતિ પારખી પોતાની ઓફીસે મહિલાઓને બેસાડી અને ઠંડુ પીવડાવી રોષ શાંત પાડ્યો હતો તેમજ વોટર વર્કસ અધિકારીને ફોન પર પ્રશ્ન જણાવી ઉકેલ ન આવે ત્યાં સુધી પાણીના ટાંકા મોકલવા જણાવ્યું હતું.