કોંગ્રેસના કાર્યકરોએ મોંઘવારી મુદ્દે ગેસના બાટલાની હરાજી કરી વિરોધ પ્રદર્શન કર્યું અને ધરપકડ વ્હોરી – કાર્યક્રમ સુપેરે સંપન્ન !!
ગેસના સિલિન્ડર સહિત જીવન જરૂરી વસ્તુઓના વધતા જતા ભાવો અને વધતી જતી મોંઘવારીને લઈને પ્રજાજનો ત્રાહિમામ છે. મજબૂત વિપક્ષની ખોટ આજે લોકશાહીને પડી છે. કોંગ્રેસ જાણે નોર વગરનો સિંહ હોય તેમ દેખાવો વિરોધ કરે છે પરંતુ પરિણામલક્ષી નહિ.! કોંગ્રેસના વિરોધમાં હવે દમ નથી, કારણ કે કરવા ખાતર વિરોધ થતો હોય તેમ થઈ રહ્યું છે.
ગઈકાલે ભાવનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં કોંગીજનોના મુખ પર પ્રજાની પીડાની વેદના નહોતી દેખાતી, એકત્રિત થઈ સૌએ વિરોધ કર્યો અને હસતા હસતા ધરપકડ વહોરી કાર્યક્રમ સુપેરે સંપન્ન કર્યો હતો.!
ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા શિવાજી સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કોંગ્રેસના આગેવાનો દ્વારા ગેસના બાટલાની હરાજી કરી અને સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ અગ્રણીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. હાલ કૂદકે ને ભૂસકે મોંઘવારી વધી રહી છે જેને લઇને આમ જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે, જેને લઇ ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા જીવન જરૂરી વસ્તુઓના ભાવો, ગેસ સિલિન્ડરના ભાવો અને વધતી જતી મોંઘવારીના વિરોધમાં વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખ્યો હતો. આ કાર્યકમ દરમિયાન શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણીએ ગેસના સિલિન્ડરની હરાજી કરી હતી અને જણાવ્યું હતું કે, હાલ ભાજપને રૂપિયાની ખૂબજ જરૂર હોય ગેસ સિલિન્ડરની હરાજી કરવામાં આવી રહી છે. કોંગ્રેસ દ્વારા ગેસના સિલિન્ડરની પ્રતીક રૂપે હરાજી કરવામાં આવી હતી, જોકે, હરાજી કરી વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગી અગ્રણીઓની પોલીસ દ્વારા અટકાયત કરી તમામને ઘોઘા રોડ પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા. કોંગ્રેસના આ અનોખા વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણી, મહિલા કોંગ્રેસના આગેવાનો, કોંગ્રેસ નગરસેવક સહિતના કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને હસતા હસતા ધરપકડ વહોરી હતી. આમ કાર્યક્રમ સુપેરે સંપન્ન થયો હતો..!!