કલોલનાં વેપારીનાં ક્રેડીટ કાર્ડની લીમીટમાંથી રૂ.૧ હજાર ઉપાડી લઇને રૂ.૨.૦૭ લાખ ઉપાડવાનો પ્રયાસ થયો હતો. જો કે ક્રેડીટ કાર્ડ તો વેપારી પાસે હતુ તો અન્ય જગ્યાએ ક્રેડીટ કાર્ડ કયાંથી આવ્યુ તે સવાલ થતા ગાંધીનગર એલસીબી સાઇબર સેલને આ અંગે અરજી કરતા સાઇબર સેલ દ્વારા અમદાવદના અને હાલ મુંબઇ રહેતા શખ્સની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ક્રેડીટ કાર્ડનું ક્લોન (ડુપ્લીકેટ) ક્રેડીટ કાર્ડ બનાવી પૈસા ઉપાડી લેવાનું ઇન્ટરનેશનલ લેવલનું રેકેટ સામે આવ્યુ છે.
ગાંધીનગર એએસપી વિજય પટેલે આ રેકેટની માહિતી આપતા જણાવ્યુ હતુ કે સાઇબર સેલને આ અંગે અરજી મળ્યા બાદ એલસીબી પીઆઇ ટી આર ભટ્ટે સાઇબર સેલનાં પીએસઆઇ ડી ડી રહેવરને તેમની ટીમનાં જીતેન્દ્રસિંહ, રાજેન્દ્રસિંહ, ભવાનસિંહ તથા સુરેન્દ્રસિંહ સાથે કામે લગાડ્યા હતા. ફરીયાદી પાસેથી જરૂરી વિગતો મેળવતા તેમને બેન્કમાંથી ફોન આવતા ખબર પડી હોવાનું જાણવા મળ્યુ હતુ. જેમાં ક્રેડીટ કાર્ડ ક્લોન હોવાનું લાગતા તે કાર્ડ ક્યાં પીઓએસ મશીન પર સ્વાઇપ થયુ તેની ડીલેઇલ કઢાવવામાં આવી હતી.
તપાસ કરતા બેન્ક દ્વારા આ પીઓએસ મશીન પારેખ ઇન્ટરનેશનલ પ્રોપ્રાઇટર સંજય પોપટલાલ પારેખ (રહે ગાયત્રી ફ્લેટ, ઘાટલોડીયા) વાપરતા હોવાની ખબર પડી હતી. જેના આધારે આ શખ્સને પુછપરછ માટે બોલાવ્યો હતો. પરંતુ યોગ્ય જવાબ આપતો નહોતો. ઉલટ તપાસ શરૂ કરતા ભાંગ પડ્યો હતો અને ક્લોન કાર્ડથી આ રીતે પૈસા સેરવતા હોવાની કબુલાત કરી હતી. આ શખ્સ પાસેથી ૩ પીઓએસ મશીન, રબર સ્ટેમ્પ તથા પારેખ ઇન્ટરનેશનલનાં લેટર પેડ કબજે કર્યા છે. ગાંધીનગર સાઇબર સેલની સ્થાપનાને એક જ માસ થયો છે ત્યાં મોટુ રેકેટ ડીટેક્ટ કરવામાં સફળતા મળી છે.
એએસપી વિજય પટેલે જણાવ્યુ હતુ કે સાઇબર ટોળકી બેન્કનાં કોઇ કર્મચારીને ફોડીને પણ ક્રેડીટ કાર્ડ નંબર તથા પીન મેળવતી હોય શકે. બેન્ક દ્વારા જે પીન ખાતેદારને આપવામાં આવે તે લીક થવાની શકયતા રહે છે. ત્યારે નાગરીકો બેન્કે આપેલો પીન બદલી નાંખવો જોઇએ. જેથી કરીને બેન્કમાંથી પીન લીક થાય તો પણ તે બદલાઇ જવાથી ચીટરો માટે નકામો બની જાય.
ક્લોન ક્રેડીટ કાર્ડ એટલે આપણી પાસે જે ક્રેડીટ કાર્ડ હોય અને તેમાં જે ગુપ્ત વિગતો હોય તે ગુપ્ત વિગતો કોઇપણ રીતે મેળવીને તે મેગ્નેટીક સ્ટ્રીપમાં રાઇટ કરીને તેવુ જ ક્રેડીટ કાર્ડ બનાવવામાં આવે છે. મુંબઇની એક ટોળકી દ્વારા આરોપી સંજય પારેખને આવા કલોન ક્રેડીટ કાર્ડ આપવામાં આવતા અને સંજય પોતાનાં પીઓએસમાં સ્વાઇપ કરી પૈસા સેરવતો હતો. ત્યારે આપણા ક્રેડીટ કાર્ડનો આ ગુપ્ત ડેટા આવા સાઇબર ચીટરો સુધી પહોચતો હોય તો નવાઇ નહી.
ન્ઝ્રમ્ના જણાવ્યાનુંસાર ચાઇનામાંથી રૂ.૧૪ લાખ ર્ઁંજીથી સેરવ્યા છે. સંજયની ધરપકડ તથા બેન્કને જાણ થતા શંકા જતા તેના ખાતામાં જમા થયેલા પૈસા સીઝ કરવામાં આવ્યા છે.