છેલ્લા એકાદ સપ્તાહથી ભાવનગરમા ૪૧થી ૪૪ ડિગ્રીના તાપમાન સાથે કાળઝાળ ગરમી પડી રહી છે. અને લોકો ગરમીમા શેકાઈ રહ્યા છે. બજારમાં કામ કાજ કે ખરીદી માટે આવતા લોકોને તરસ લાગે તો પાણી માટે ફરજિયાત રૂ.૧૦ કે ૨૦ નો ખર્ચે કરીને બોટલ લેવી પડે છે. ત્યારે શહેરમાં અનેક વેપારીઓ દ્વારા પોતાની દુકાન બહાર રાહદારીઓ માટે વિનામુલ્યે ઠંડુ પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરી છે જેનો લોકો મોટા પ્રમાણમાં લાભ લઈ ને પોતાની તરસ છીપાવી રહ્યા છે. જેમાં જમાદાર શેરીમાં રૂપસાગર ચશ્માંવાળા બરફ નાખીને લોકોને ઠંડુ પાણી પીવરાવે છે. આ ઉપરાંત ઘોઘાગેટ ચોક ખાતે ભગવતી રેડીમેઈડ દ્વારા વર્ષોથી દુકાન બહા ઠંડા પાણીના જગ રાખવામાં આવે છે. જ્યારે ડબગર શેરીમાં આવેલ પ્રેમ જ્યોત વેરાયટી દ્વારા છેલ્લા ચારેક વર્ષોથી ઠંડા પાણીના જગની સેવા કરાય છે, અંબાજી મંદિરની બહાર પાનની કેબીન ધરાવતા વેપારીએ અને હાઈકોર્ટે રોડ પર જે.કે.રેસ્ટોરન્ટ દ્વારા પણ રાહદારીઓની તરસ છીપાવવા ઠંડા પાણીના જગની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરના અનેક વેપારીઓ દ્વારા પોતાની દુકાનો બહાર લોકો માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે કેટલીક જગ્યાએ તો ઠંડી છાસનુ પણ વિનામુલ્યે વિતરણ કરાઈ રહ્યું છે. અને સેવાકીય કાર્યો થઈ રહ્યા છે એટલે જ ભાવેણુ સંસ્કારી નગરીનુ બિરૂદ ધરાવે છે.