ચોરીની પ્રવૃતિ વિધેયાત્મક પ્રવૃતિ છે. જે કામ સરકાર, રિઝર્વ બેંક કે અન્ય સંસ્થા કરી શકતી નથી તે કામ ચોર મહાશયો કરે છે. પક્ષી જગતમાં કાગડો કે ગીધ સફાઇ કામદાર છે તેવું કામ ચોર કરે છે. ચોર લોકો સંપતિની અસમાન વહેંચણી કે જાણીતા આવકના સ્ત્રોત સામે અપ્રમાણસર મિલકતોનું શાંતિમય રીતે હસ્તાંતરણ કરે છે.આ અર્થમાં તે મહાન જ્યોતિર્ધર છે. આપણા શાસ્ત્રોએ પણ ચોર્યકલાનુ્ મહત્વ આત્મસાત કરીને રાજકુમારોના અભ્યાસક્રમમાં દાખલ કરેલી . રાજકુમારોના ઓલરાઉન્ડ ઓલડાયમેન્શનલ વિકાસ માટે આવશ્યક એવી ચોસઠ કળામાં ચોર્યકલાનો સમાવેશ થાય છે. બિહારમાં પીપીપી મોડલ અને ડીમ્ડ સેલ્ફ ફાયનાન્સના ધોરણે ચોરી કળા શીખવવાનો ડિપ્લોમા ચાલે છે. જેમાં સૈદ્ધાંતિક તેમ જ પ્રેકટિકલ તાલીમ આપવામાં આવે છે. ખિસ્સા કાતરવા માટે બ્લેડ કે કટર વાપરવાના શાસ્ત્રીયલાભાલાભની વિશદ માહિતી આપવામાં આવે છે!!!
ચોર બે પ્રકારના હોય છે.એક સરકારી બાબુ દેવા હોય છે. બાબુ જીવન નિર્વાહ ચલાવવા જેમ નોકરી કરે તેમ ચોર લોકો બ્રેડબટર મળી રહે તે માટે ચોરી કરે છે. બીજો પ્રકાર કોર્પોરેટ કે વેપારી વર્ગ જે લક્ષ્યાંક નિયત કરીને તેને એચિવ કરવાઅહર્નિશ પ્રયત્નો કરે છે. તે રીતે ચોરી કરી થીવ્ઝ મેગેઝિનના કવર પેજ પર ચમકવા તનતોડ મહેનત કરે છે,જે જતા દિવસે રંગ લાવે છે!!
કેટલાક બાઇકધારી ચોર ચેઇન સ્નેચિંગ કરે છે. કેટલાક ચોર પ્રવાસી શિક્ષક જેમ અન્ય સ્થળે શિક્ષણ આપે છે તેમ અન્ય રાજ્યોમાંથી ફલાઇટ પકડી બીજા રાજ્યમાં આવે છે. ફાઇવ સ્ટાર હોટલમાં ઉતરે છે. ચોરી કરીને ફલાઇટ મારફત વતન વારસા કરે છે. કેટલાક ઘરફોડીતમાં પીએચડી કે માસ્ટર ઓફ સર્જરી ( ખરેખર ડોકટર હોય છે.) હોય છે. કેટલાક પશુ ચોરીમાં માસ્ટર હોય છે!! કેટલાક નાસ્તિક ચોર મંદિરમાં માતાજી કે ભગવાનના વસ્ત્રાલંકાર ચોરી કરે છે. હમણા દક્ષિણ ભારતમાં એક ચોર મંદિરમાં ચોરી કરવા બાકોરું પાડ્યું. ચોરી કર્યા પછી બાકોરામાંથી બહાર નીકળી ન શકયો અને પોલીસના હાથે પકડાઇ ગયો. કેટલાક લેન્ડ ગ્રેબર હોય છે. કાગળ પર કરાંગુલિના કરતબ કે કરામત કરી ખેડૂત ખાતેદારની હજારો એકર જમીન ગાયબ કરીને બીજાના ખાતામાં સરકાવી દે છે!!કેટલાક બાબુઓ મેળાપીપણામાં કૂવા ,મકાનો જાદુગરની જેમ ગાયબ કરી દે છે.આમ પેઢી દર પેઢી ચોરી કરવાની પ્રવૃત્તિમાં વૈવિધ્યીકરણ અને વિસ્તૃતીકરણ આવે તે ઇચ્છનીય છે. સોના ,ચાંદી, હીરા જવેરાત, વસ્તુની ચોરી સમજ્યા. કેટલાક અમૂલ્ય મૂર્તિ , કલાકૃતિઓ, એન્ટીક પીસની ચોરી કરે છે. માનવ તસ્કરી કરે છે. મગરના ચામડા વગેરેની ચોરી કરે છે.
કવિ કરસનદાસ માણેક આર્થિક વિષમના પર ચાબખો મારે છે.બખિયો ઉધેડી નાંખે છે.દેવડીએ દંડાય છે ચોર મુઠી જારના ને લાખો લૂટનારે મહેંફિલ મંડાય છે. પરીક્ષામાં ચોરી તો નગણ્ય છે!!
દેશના મોટા ભાગના શહેરમાં શાકભાજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. લીંબુના ભાવમાં વધારો થતા લોકોનું ધ્યાન તે તરફ કેન્દ્રિત થયું છે. લીંબુના ભાવ ૩૫૦-૪૦૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચ્યા છે. લીંબુની વધી રહેલા ભાવના કારણે માત્ર ગ્રાહકો જ નહી પરંતુ દુકાનદાર પર અસર જોવા મળી રહી છે.
ભાવ વધારાનું સૌથી મોટું કારણ લીંબુની અછત છે. દેશભરમાં જે શહેરોમાં લીંબુનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે, ત્યાં ભીષણ ગરમી પડી રહી છે. ગરમીના કારણે લીંબુના ઉત્પાદન પર અસર થઈ રહી છે. ગરમી વધુ હોવાના કારણે લીંબુ શરૂઆતમાં જ નષ્ટ થઈ રહ્યા છે, જેાના કારણે ઉત્પાદન પર અસર થઈ છે. ભારે પવન અને ગરમીના કારણે લીંબુ ઝાડથી નીચે પડી રહ્યા છે. જેના કારણે ઉત્પાદન પર અસર થાય છે, તે પણ ભાવ વધારાનું મોટું કારણ છે.આ વર્ષે ઉત્પાદન ઓછુ હોવાની સાથે આંધ્રપ્રદેશ અને તેલંગાણાથી આવતા લીંબુનો મોંઘવારી માટે ડીઝલ પણ ભાવ વધારા માટે જવાબદાર છે. ડીઝલના વધતા ભાવથી ટ્રાન્સપોર્ટેશન ચાર્જમાં ૧૫ ટકાનો વધારો થયો છે. જેથી લીંબુની કિંમત પર ડબલ અસર થઈ છે.હાલમાં લગ્નની સીઝનની પણ શરૂઆત છે. લગ્નની સીઝનમાં લીંબુની ડિમાન્ડમાં વધારો થયો છે. ઉત્પાદન ઓછું અને ડિમાન્ડ વધુ હોવાના કારણે વેપારીઓ ઉંચા ભાવે લીંબુનું વેચાણ કરે છે. ગરમીની સીઝનમાં શેરડીના રસથી લઈ લીંબુ પાણી સુધી તમામ જગ્યાએ લીંબુની જરૂર પડતી હોય છે. આ કારણે પણ લીંબુના ભાવ વધી રહ્યા છે હાલમાં નવરાત્રી અને રમઝાન મહિનો ચાલી રહ્યો છે. ઉપવાસ અને રોજા દરમિયાન લીંબુનો વધુ ઉપયોગ થતો હોય છે. જેના કારણે પણ લીંબુની માગ સતત વધી રહી છે.સુરતની કામરેજ તાલુકાના કઠોર ગામની સીમમાં આવેલ શક્તિ ફાર્મમાં એક અજીબો ગરીબ ઘટના બની છે. હાલમાં ખૂબ જ મોંઘા ભાવે મળતા એવા લીંબુની ચોરી થઈ છે. એક બે કિલો નહીં, પરંતુ ચોર ૧૪૦ કિલો જેટલા લીંબુ ચોરાઈ ગયા છે. જો કે ખેડૂતે (Farmers) લીંબુ ચોરી થયાની ફરિયાદ નોંધાવી નથી. પરંતુ લીંબુ ચોરીની ઘટના બાદ આસપાસના લીંબુની વાડી ધરાવતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે.સુરતના કામરેજ તાલુકાના કઠોર ગામની સીમમાં જયેશ પટેલ નામના વ્યક્તિનું શકિત ફાર્મ આવેલું છે. જયેશભાઈ ઓર્ગેનિક લીંબુની ખેતી કરે છે. આ વર્ષે તેમણે સાડા છ વીઘામાં લીંબુની ખેતી કરી છે. ગત વર્ષ કરતા ચાલુ વર્ષે લીંબુનું ૩૦ ટકા ઓછુ ઉત્પાદન થયું છે. જેના કારણે લીંબુના ભાવ આસમાને છે. બજારમાં ૧ કિલો લીંબુનો ભાવ ૩૦૦ રુપિયાથી વધુ હોવાથી લીંબુ ખરીદવા મોંઘા બન્યા છે, ત્યારે જયેશભાઈના ફાર્મમાં ઉતારેલા ૧૪૦ કિલો લીંબુની ચોરી થઈ હતી. ચોરી થઈ ત્યારે ફાર્મ માલિક ભાવનગર અન્ય મિત્રના ફાર્મની મુલાકાતે ગયા હતાં અને મજૂરો પણ ફાર્મ પર ન હોવાથી તસ્કર દ્વારા લીંબુની ચોરી થઈ હતી. રાત્રીના સમયે તસ્કરો ૩૫ હજારની કિંમતના ૧૪૦ કિલો લીંબુની ચોરી કરી ગયા હતા. આ અંગે બીજા દિવસે સવારે જથ્થો વિખેરાયેલો જોવા મળતા ચોરી થયાનો અંદાજ આવ્યો હતો!
ગરમીઓમાં લોકોને રાહત આપનાર લીંબૂ હવે લોકોને રડાવવા લાગ્યા છે. લીંબુના ભાવ એટલા વધી ગયા છે કે હવે ચોરોની નજર આવ્યા ગયા છે. રાજસ્થાનના જયપુરમાં ચોરો સોના-ચાંદી અંહી પરંતુ લીંબુ ચોરી કરવા લાગ્યા છે. જયપુરના શાકમાર્કેટમાં લીંબુની ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. વધતા જતા ભાવથી લોકોના દાંત ખાટા કરનાર લીંબુ હવે ચોરોના નિશાન પર છે. જયપુરના મુહાના શાકમાર્કેટમાં લીંબુ ચોરી કરવાનાર હવે સક્રિય થઇ ગયા છે. જોકે સ્થિતિ એવી છે કે ગત થોડા દિવસોમાં આ શાકમાર્કેટમાં લીંબૂની ચોરી થઇ ચૂકી છે. વાયરલ થઇ રહેલા સીસીટીવી ફૂટેજમાં જોઇ શકો છો કે શાકમાર્કેટમાં કેવી રીતે ચોર આવે છે અને લીંબૂ ચોરીને ફરાર થઇ જાય છે. વેપારીઓને સમજાતું નથી કે તે ઘરે જઇને ઘરની રખેવાળી કરે કે પછી શાકમાર્કેટમાં બેસીને લીંબુઓને જુએ. ઉત્તરપ્રદેશના શાહજહાંપુર શાકભાજીના માર્કેટમાંથી એક સાથે ૬૦ કિલો લીંબુની ચોરી થતા ચકચાર મચી ગઇ છે. ચોર માત્ર લીંબુ જ નહી પરંતુ તેની સાથે સાથે લીંબુ જોખવાના ત્રાજવા અને સાથે રહેલા વિવિધ વજનના બાટ પણ લઇ ગયા હતા. લીંબુની ચોરી હાલ તો ચર્ચાનો વિષય છે. વેપારીઓમાં આ ઘટના બાદ ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. પોલીસ આ મુદ્દે તપાસ ચલાવી રહી છે. લીંબુની મોંઘવારીના કારણે ચોરીની આવી ઘટનાઓ સામે આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. લીંબુ ઉપરાંત લસણ અને ડુંગળીની ચોરી કરી હતી.
સો ગ્રામ લીંબુ ખરીદનાર અંબાણી અદાણીના વહેમમાં ફરે છે!! લીંબુના ભાવોમાં અસાધારણ ભાવ વધારાના કારણે મૂંછે લીંબુ લટકાવનારાની સંખ્યા ઘટી ગઇ છે. એક બે લીંબુના માલિક ઢ સિકયોરીટીની માંગણી કરે છે. મોંઘા ભાવનું લીંબુ ખાનારને લોકો રાષ્ટ્ર દ્રોહી ગણે છે.
આવા માહૌલમાં આપણો બકડમદાર રાજુ રદી બારીબારણા ખુલ્લા મુકીને ધસધસાટ ઊંઘે છે. માનો કે લીંબુ વેચીને સૂતો ન હોય..રાજુ રદી પાછો કહે છે મારીયે છાબડીમાં લીંબુ નથી મને ચોરીની બીક ન બતાવો!!
– ભરત વૈષ્ણવ