રાજ્યમાં ૪૫ ડીગ્રી ગરમીમાં ડેમો સુકાયા, ઉ.ગુજરાત-કચ્છમાં પાણીનો પોકાર, ૧૫ ડેમમાં ૧૩ ટકા પાણી બચ્યું

80

ઉનાળામાં પડી રહેલા આકરા તાપની સાથે ગ્રામીણ વિસ્તારોમાં પાણીની તંગી ખૂબ તીવ્ર બની છે. પાણીની પરેશાનીને કારણે સરકાર દ્વારા ઘણા ડેમોમાં નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે છતાં ઘણાં ગામડાં ધોમધખતાં તાપમાં તરસ્યાં છે, એવામાં ટેન્કર દ્વારા ત્યાં પાણી પહોંચાડવાના પ્રયાસ થઈ રહ્યા છે. બીજી તરફ, રાજ્યના ૧૭ મુખ્ય ડેમમાં હાલની સ્થિતિએ માત્ર ૪૬ ટકા પાણીનો જથ્થો રહેલો છે. જો આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સારું નહીં રહે તો આગામી વર્ષે પણ પાણીની સમસ્યા વધુ ગંભીર બની શકે છે.ઉત્તર ગુજરાત અને કચ્છ બાદ હવે સૌરાષ્ટ્રમાં પણ જળસંકટની સ્થિતિ ઊભી થઈ રહી છે. ગુજરાતના ૨૦૭ ડેમમાં અત્યારે ૪૬ ટકા જેટલો પાણીનો જથ્થો બચ્યો છે. જોકે ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ કફોડી સ્થિતિ છે, ત્યાંના ૧૫ ડેમમાં માંડ ૧૩.૬૯ ટકા જેટલું પાણી છે, જ્યારે કચ્છના ૨૦ ડેમમાં ૧૬.૯૦ ટકા જેટલો પાણીનો સંગ્રહ બચ્યો છે, જ્યારે સૌરાષ્ટ્રના ૧૪૧ ડેમમાં હવે ૩૨.૫૯ ટકા પાણીનો સંગ્રહ બચ્યો છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી આસપાસનાં ક્ષેત્રોમાં પીવાના પાણી માટે પોકાર ઊઠ્‌યો છે. રાજ્યના છેવાડાના વિસ્તારોમાં પાણી માટે ટેન્કરોની દોડાદોડ થઈ રહી છે.અત્યારે રાજ્યના કચ્છ સહિતના છેવાડાનાં ૫૦ જેટલાં ગામોમાં રોજનાં ટેન્કરોના ૧૦૦ જેટલા ફેરા થઈ રહ્યા હોવાનું સૂત્રો કહે છે. પાણી અને ઘાસચારાની અછત વચ્ચે બનાસકાંઠામાં અબોલ પશુઓનાં મોત થઈ રહ્યાં હોવાની રજૂઆતો રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવી હતી. આ સાથે પાણીનો પૂરતો જથ્થો પૂરો પાડવા માગણી થઈ છે. રાજ્યના નર્મદા અને કલ્પસર વિભાગના ડેટા પ્રમાણે બનાસકાંઠામાં અત્યારે પાણીનો જીવંત જથ્થો માંડ ૪.૮૬ ટકા છે, સાબરકાંઠામાં ૩.૭૯ ટકા, અરવલ્લીમાં ૭.૧૭ ટકા અને મહેસાણામાં ૧૧.૦૩ ટકા પાણીનો જીવંત જથ્થો બચ્યો છે. કચ્છમાં ૧૦.૫૬ ટકા તથા સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકામાં ૩.૩૭ ટકા, બોટાદમાં ૭.૬૫ ટકા, જામનગરમાં ૨૦.૪૭ ટકા, જૂનાગઢમાં ૨૪.૧૨ ટકા, પોરબંદરમાં ૨૦.૮૪ટકા, સુરેન્દ્રનગરમાં ૧૯.૫૩ ટકા પાણીનો જીવંત જથ્થો બચ્યો છે. ગુજરાતમાં અત્યારે ડેમોમાં પાણી મામલે સારી સ્થિતિ દક્ષિણ ગુજરાતની છે, જેના ૧૩ ડેમમાં ૫૪.૨૫ ટકા પાણીનો જથ્થો છે. સરદાર સરોવર ડેમમાં ૫૨.૦૬ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. મધ્ય ગુજરાતના ૧૭ ડેમમાં ૪૦.૫૦ ટકા પાણીનો જથ્થો છે. હવામાન વિભાગ અને ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ બંને મુજબ, આ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય રહેવાનો અંદાજ છે. હવામાન વિભાગ મુજબ, દક્ષિણ-પશ્ચિમી ચોમાસું ૧૫મી મે આસપાસ આંદામાન અને દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં પહોંચી જશે. પૂર્વાનુમાન પ્રમાણે, આ વર્ષે ભારતમાં ચોમાસું નિર્ધારિત સમય કરતાં પાંચ દિવસ પહેલાં એટલે કે ૨૭મી મેના રોજ આવી જશે. એનું સૌથી પહેલું આગમન કેરળમાં થશે. કેરળમાં વરસાદ પડશે એ પછી દેશભરમાં લોકોને લૂથી રાહત મળશે. બીજી તરફ સ્કાયમેટ દ્વારા ગુજરાત તથા રાજસ્થાનમાં સામાન્યથી ઓછો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. જો આમ થયું તો રાજ્યમાં આગામી વર્ષે પાણીની તંગીની સ્થિતિ સર્જાઈ શકે છે

Previous articleભાવનગર શહેર આજે એક દર્દી ડિસ્ચાર્જ થતા શહેર ફરી એક વાર કોરોનામુક્ત થયું
Next articleરાજકોટમાં ગળા પર લીંબુ-મરચાં પહેરી કોંગ્રેસનું હલ્લાબોલ, પોલીસે ટીંગાટોળી સાથે કાર્યકરોની અટકાયત કરી