શિકારની શોધમાં ફરતો દીપડો ખેતરમાં રહેલા કૂવામાં પડી ગયો હતો.વનવિભાગની ટીમે દોરડા વડે ભારે જહેમત બાદ સફળતાપૂર્વક દીપડાને બહાર કાઢ્યો
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંઘોળા નજીક આવેલા ઠોંડા ગામે ગત સમી સાંજે એક 100 ફૂટના કૂવામાં દીપડો ખાબક્યો હતો. જેને લઈ આ ઘટનાની જાણ વનવિભાગની ટીમને કરવામાં આવી હતી. જેથી મહામહેનતે વન વિભાગના કર્મચારીઓએ દીપડાનું રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યો હતો. જે બાદ દીપડાને પાંજરે પૂરાતા ગ્રામજનોએ હાશકારો લીધો હતો. ભાવનગર જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓ જોવા મળે છે જે ઉનાળામાં પાણી અને શિકારની શોધમાં ડુંગરો અને સીમમાંથી ગામમાં ઘૂસી આવે છે. આ દરમિયાન ગત સમી સાંજે રંઘોળાના ઠોંડા ગામે શિકારની શોધમાં ફરતો એક દીપડો ગામમાં આવી ચડ્યો હતો અને ખેતરમાં રહેલા 100 ફૂટના કૂવામાં પડી ગયો હતો. ઠોંડા ગામના આહીર મેઘાભાઈ ભીમાભાઇ ચાવડા, ખીમાભાઇ ભીમાભાઇ ચાવડાના બન્ને ભાઈનું સંયુક્તમાં રહેલા ખેતરના કૂવામાં દીપડો ખાબક્યો હતો. જ્યારે ખીમાંભાઈ ખેતરમાં આવેલા કૂવાની મોટર ચાલુ કરવા ગયા ત્યારે તેઓને ઘટનાની જાણ થઇ હતી જેથી તેઓએ તરત જ વનવિભાગને આ અંગે જાણ કરતાં વન વિભાગના અધિકારી કર્મચારીઓ ઠોંડા ગામે પહોંચી ગયા હતા. ઉમરાળા સિહોર ગારીયાધાર સહિત વન વિભાગના નીલમબેન ગોલેતરા , સુમિતાબેન ડાકી , સહિત અધિકારી કર્મચારીએ દીપડાને દોરડાથી બાંધીને પિંજરે પૂરવાનું નક્કી કરીને પાંજરા ગોઠવી દીપડાને દોરડું બાંધીને કલાકોની ભારે જહેમત બાદ સફળતાપૂર્વક બહાર કાઢી રેસ્ક્યું કર્યુ હતું. દીપડાને પાંજરે પુરાઈ ગયેલો જોતાં જ ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.