ઢોર દીઠ ૬ હજારના ખર્ચે પાંજરાપોળમાં મોકલવાનો ઠરાવ કારોબારીમાં નાપાસ : ગૌશાળા માટે કલેક્ટર પાસે જમીન મંગાઇ : જમીન મળે અને ગૌશાળા બને ત્યાં સુધી લોકોએ ઢોરનો ત્રાસ ભોગવવો પડશે !
ભાવનગર શહેરમાં વિવિધ વિસ્તારોમાં રખડતા ઢોરનો ત્રાસ ખુબ જ વધવા પામ્યો છે. તંત્ર સમક્ષ વારંવાર ફરિયાદો કરવામાં આવી રહી છે ત્યારે તંત્રની આંખ ખુલી હોય તેમ ભાવનગરના બે ઢોરના ડબ્બામાં રખાયેલા ઢોરને જેતલપુર પાંજરાપોળમાં રૂા.૬ હજારનો નિભાવ ખર્ચ આપી મોકલવાનો કારોબારી સમિતિની બેઠકમાં ઠરાવ મુકવામાં આવ્યો હતો પરંતુ જે પાંજરાપોળમાં ઢોર મોકલવાની વાત હતી તે પાંજરાપોળ સામે ઢોરને કતલખાને મોકલાતા હોવાની ફરિયાદ અગાઉ નોંધાયેલી આથી ગઇકાલે મળેલી કારોબારીની બેઠકમાં હવે ઢોરને પાંજરાપોળમાં મોકલવાનો ઠરાવ કેન્સલ કરવામાં આવ્યો હતો અને ભાવનગરમાં જ નવી જગ્યાએ ગૌશાળા બનાવવા માટે આયોજન કરવામાં આવશે અને તે માટે કલેક્ટર સમક્ષ જમીનની પણ લેખિતમાં માંગણી કરવામાં આવેલ છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં ઢોરના ત્રાસને હળવો કરવા માટે મહાપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી શરૂ છે અને દૈનીક ૧૦ થી ૧૫ ઢોર પકડી શહેરમાં બનાવાયેલ બે ઢોરના ડબ્બામાં પુરવામાં આવી રહ્યા છે પરંતુ આ બન્ને ઢોરના ડબ્બામાં ૭૦૦ ઉપરાંત ઢોર થઇ જતા હવે ઢોરના ડબ્બા પણ પેક થઇ ગયા છે ત્યારે જેતલપુર પાંજરાપોળમાં ઢોરને નિભાવ ખર્ચ આપી મોકલવાનો ઠરાવ પણ કેન્સલ કરવામાં આવ્યો છે. હવે ભાવનગરમાં જ ઢોરને રાખવા માટે કલેક્ટર સમક્ષ શહેરના છેવાડાના વિસ્તારો એવા રૂવા, સિદસર અને નારી સહિતની જગ્યાએ ગૌશાળા માટે જમીનની માંગણી લેખિતમાં કરવામાં આવી છે. હવે કલેક્ટર દ્વારા જ્યારે જમીન ફાળવાય અને ગૌશાળા બને ત્યાં સુધી લોકોએ રખડતા ઢોરનો ત્રાસ ભોગવવો પડશે તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. ગઇકાલે ચેરમેન ધીરૂભાઇ ધામેલીયાના અધ્યક્ષસ્થાને મળેલી કારોબારી સમિતિની બેઠકમાં વિવિધ ઠરાવોને ચર્ચાઓ કરી મંજુર કરવામાં આવ્યા હતાં.
ભાવનગરમાં લોકો પાસેથી કરોડો રૃપિયાનો વેરો લેવાનો પણ ઢોરનો ત્રાસ દૂર નહિ કરવાનો
ભાવનગર શહેરમાં ઢોરનો ત્રાસ દૂર કરવાની વર્ષોથી માત્ર વાતો થઈ રહી છે પણ મહાપાલિકા માત્ર તમાસો નિહાળે છે. રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે, મહાપાલિકાની કચેરી સામે જ ઢોર બેઠા હોય ત્યારે અધિકારી, પદાધિકારીઓની ગાડીઓ તેને તારવીને ચલાવે પણ આ સમસ્યાને હલ કરવાની કોઈને પડી નથી. હાલમાં મોટા ભાગના રસ્તાઓ પર ઢોરના અડિંગા જામેલા રહે છે, વર્ષો કરોડો રૃપિયાનો વેરો ભરતા શહેરીજનોને આ ત્રાસમાંથી ક્યારે છુટકારો મળશે તેવો સવાલ નગરજનોમાંથી ઉઠી રહ્યો છે.