મુંબઈ,તા.૧૮
મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે સનરાઇઝર્સ સામે મુકાબલા દરમિયાન એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ટી૨૦ ક્રિકેટમાં જસપ્રીત બુમરાહે ૨૫૦ વિકેટ પૂરી કરી લીધી છે અને તે આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય છે. આઈપીએલ-૨૦૨૨માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મેચમાં બુમરાહે એક વિકેટ ઝડપી હતી. આ તેની ટી૨૦ ક્રિકેટમાં ૨૫૦મી વિકેટ હતી. જસપ્રીત બુમરાહે વોશિંગટન સુંદરને બોલ્ડ કરી ટી૨૦ ક્રિકેટમાં પોતાની વિકેટનો આંકડો ૨૫૦ પર પહોંચાડ્યો હતો.
ભારતના સ્ટાર બોલર બુમરાહે અત્યાર સુધી ૨૦૬ ટી૨૦ મેચ રમી છે, જેમાં તેના નામે ૨૫૦ વિકેટ છે. બુમરાહે આ ટી૨૦ મેચ મુંબઈ ઈન્ડિયન્સ, ગુજરાત અને ભારત માટે રમી છે.
ટી૨૦માં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય
જસપ્રીત બુમરાહ- ૨૫૦ વિકેટ
ભુવનેશ્વર કુમાર- ૨૨૩ વિકેટ
જયદેવ ઉનડકટ- ૨૦૧ વિકેટ
વિનય કુમાર- ૧૯૪ વિકેટ
ઇરફાન પઠાણ- ૧૭૩ વિકેટ
જસપ્રીત બુમરાહે પોતાની ૨૫૦મી વિકેટ પૂરી કરી ત્યારે ગ્રાઉન્ડ પર તેની પત્ની અને ટીવી પ્રેઝેન્ટર સંજના ગણેશન પણ હાજર હતી. ટીવી સ્ક્રીન પર તેનું રિએક્શન પણ દેખાડવામાં આવ્યું હતું. જસપ્રીત બુમરાહે આ સીઝનમાં કુલ ૧૩ મેચમાં ૧૨ વિકેટ ઝડપી છે અને તે ટીમ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલરમાં એક છે.