દુર્ઘટનાની ગંભીરતાને જોતા મૃત્યુઆંક વધવાની સંભાવના, ૨૦-૨૫ જેટલા શ્રમિકો મીઠાના પેકેજિંગનું કામ કરી રહ્યા હતા ત્યારે હોનારત સર્જાઈ
મોરબી, તા.૧૭
મોરબીના હળવદમાં આવેલી જીઆઈડીસીમાં એક કરૂણ ઘટના બની છે, મળતી વિગતો પ્રમાણે મીઠાના કારખાનામાં દીવાલ ધરાશાયી થવાથી ૧૨થી વધુ શ્રમિકોના મોત થઈ ગયા છે. અકસ્માત બાદ દીવાલના કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસ શરુ કરવામાં આવ્યા છે. આ દુર્ઘટના બપોરના ૧૨ વાગ્યાની આસપાસ બની હોવાનું જાણવા મળી રહ્યું છે. મીઠાના કારખાનમાં બનેલી દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જ્યારે ઘાયલોને સારવાર માટે ખસેડવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. દુર્ઘટનાની ગંભીરતાને જોતા મૃત્યુઆંક વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં આ દુર્ઘટના બની હોવાનું સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવી રહ્યું છે. આ કારખાનામાં મીઠાનું પેકેજિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી. અહીં ૨૦-૨૫ જેટલા શ્રમિકો મીઠાના પેકેજિંગનું કામ કરી રહ્યા હતા ત્યારે હોનારત સર્જાઈ હતી અને ત્યારે એક દીવાલ ધરાશાયી થઈ હતી અને તે પછી ત્યાં મૂકેલા થેલા પણ પડ્યા હતા અને બધાની નીચે લગભગ ૩૦ જેટલા શ્રમિકો દટાઈ ગયા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીમાં બનેલી ઘટનાને હૃદય કંપી જાય તેવી ગણાવી છે, વડાપ્રધાને આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા આ દુર્ઘટનામાં પોતાના પરિવારને ગુમાવનારા લોકોને હિંમત મળે તેવી કામના કરી છે. પીએમએ ઘાયલો જલદી સાજા થાય તેવી આશા વ્યક્ત કરી છે અને આ ઘટનાના અસરગ્રસ્તોને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જરુરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી હોવાનું પણ જણાવ્યું છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના વારસદારોને રાજ્ય સરકાર તરફથી ૪ લાખ રૂપિયા જ્યારે કેન્દ્ર સરકાર તરફથી ૨ લાખ રૂપિયા આપવાના જાહેરાત કરવામાં આવી છે. આ સાથે કેન્દ્ર સરકાર ઘાયલોને ૫૦,૦૦૦ રૂપિયાનું વળતર આપશે. અચાનક દીવાલ તૂટી પડવાની ઘટના બનતા ત્યાં કામ કરી રહેલા શ્રમિકો ગભરાઈ ગયા હતા. આ પછી કેટલાક શ્રમિકો દીવાલની નીચે દટાઈ ગયા હોવાની ખબર પડતા તેમની બહાર કાઢવા માટે તાત્કાલિક કામગીરી શરુ કરવામાં આવી હતી. આ બનાવની જાણ થતાં જિલ્લા કલેક્ટર જેબી પટેલ સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. દુર્ઘટના મોટી હોવાથી જીસીબી સહિતના સાધનો પણ અહીં કામે લગાડવામાં આવ્યા છે. દીવાલ કઈ રીતે ધરાશાયી થઈ તેનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ કામદારો આ દીવાલની નજીકમાં બેસીને મીઠાનું પેકિંગ કરી રહ્યા હતા ત્યારે અચાનક દુર્ઘટના સર્જાઈ હતી. બનાવ બાદ અહીં લોકોની ચીસો અને રોકકળથી કારખાનું ગુંજી ઉઠ્યું હતું. કાટમાળ નીચેથી કઢાયેલા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને જે શ્રમિકો ઘાયલ થયા છે તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. આ ઘટના અંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ જાણ કરવામાં આવી છે અને તેમણે ઘાયલોને તાત્કાલિક સારવાર મળે તેવી સુવિધા ઉભી કરવાના આદેશ આપી દીધા છે. આ સાથે સ્થાનિક નેતાઓ પણ ઘટના સ્થળ પર જવા માટે રવાના થઈ ગયા હોવાની વિગતો મળી રહી છે.૧૨ મૃતકોના નામઃ રમેશભાઈ નરસિંહભાઈ ખીરાણા, કાજલબેન જેશાભાઈ, દક્ષાબેન રમેશભાઈ કોળી, શ્યામભાઈ રમેશભાઈ કોળી, રમેશભાઈ મેઘાભાઈ કોળી, દિલાભાઈ રમેશભાઈ કોળી, દિપકભાઈ દિલીપભાઈ સોમાણી, રાજુભાઈ જેરામભાઈ, દિલીપભાઈ રમેશભાઈ, શીતબેન રમેશભાઈ, રાજીબેન ભરવાડ, દેવીબેન ભરવાડ.