રાજવી પરિવાર અને પ્રજાજનોએ સમાધિ સ્થળે પુષ્પાંજલિ કરી કરેલી વંદના
મારી પ્રજાનું કલ્યાણ થજો સૂત્ર થકી લોકોના હૃદયમાં આજે પણ જીવંત રહેલા ભાવનગરના રાજવી – મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલનો આજે જન્મદિવસ છે. પુણ્યશ્લોક રાજવીની ઉપમા પામનાર નેક નામદાર કૃષ્ણકુમારસિંહજીનું સમગ્ર જીવન, તેમના આદર્શો, નીતિમત્તા અને શાસન કરવાની કુનેહ તેમજ ત્યાગ અને બલીદાનની વાતો આજે પણ અમર છે.પ્રત્યેક ભાવેણાંવાસી રાજવીના નામે ગૌરવ લઈ શકે છે. એ સમયે આરોગ્ય, રેલવે જેવી મહત્વની સેવામાં ભાવનગર રાજય અગ્રેસર અને અન્ય રાજયો માટે પ્રેરણા રૂપ હતું. ગોહિલવંશી રાજવીઓની દીઘર્દ્રષ્ટિ અને કુનેહથી થયેલા રોડ, રસ્તા, ઇમારતો અને તળાવોના બાંધકામ આજે પણ પ્રજાના ઉપયોગમાં છે. છેલ્લા શાસક કૃષ્ણકુમારસિંહજીએ રાજયને સૌપ્રથમ દેશના ચરણે ધરી દેશને એક તાંતણે બાંધવા અમૂલ્ય યોગદાન આપ્યું. જે પણ ઇતિહાસમાં અમર છે. આવા દિવંગત રાજવીને ભારત રત્ન આપવા પ્રજાની માંગ દિન પ્રતિદિન પ્રબળ બનતી જાય છે. આજે પુણ્ય શ્લોક રાજવીના જન્મદિને રાજવી પરિવારમાંથી મહારાજા વિજતરાજસિંહજી તથા યુવરાજ જયવીરરાજસિંહજી સહિત તથા પ્રજાજનોએ સમાધિ સ્થાન પર જઈ પુષ્પાંજલિ અર્પિ હતી.