બંને પર આરોપ છે કે, તેઓ ભારતીય સેના સાથે સબંધિત ગુપ્ત જાણકારીઓ પાકિસ્તાન પહોંચાડી રહ્યા હતા
નવી દિલ્હી,તા.૧૯
પાકિસ્તાની સુરક્ષા એજન્સી આઈએસઆઈ અને સરહદ પાર બેઠેલા આતંકવાદી સંગઠનના લીડર ભારતમાં અશાંતિ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એક દિવસ અગાઉ નાગપુર સ્થિત આરએસએસ મુખ્યાલયની રેકી કરનારા આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હતી. હવે પંજાબની રાજધાની અમૃતસરથી આઈએસઆઈના બે જાસૂસોની ધરપકડ કરવામાં આવી છે. તે બંને પર આરોપ છે કે, તેઓ ભારતીય સેના સાથે સબંધિત ગુપ્ત જાણકારીઓ પાકિસ્તાન પહોંચાડી રહ્યા હતા. પંજાબ પોલીસે તેમની ધરપકડની પુષ્ટિ કરી છે. આ બંનેની સામે ઓફિશિયલ સીક્રેટ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. કાર્યવાહીની જાણકારી આપતા પંજાબ પોલીસે જણાવ્યું કે, ગુપ્ત જાણકારી મળ્યા બાદ સ્ટેટ સ્પેસિયલ ઓપરેશન સેલ અમૃતસરના અધિકારીઓએ અમૃતસરથી બે જાસૂસોની ધરપકડ કરી હતી. તેમની ઓળખ કોલકાતાના ઝફર રિયાઝ અને બિહારના મોહમ્મદ શમશાદના રૂપમાં થઈ છે. તે બંને પર આરોપ છે કે, તેઓ ભારતીય સેના સાથે સબંધિત માહિતી પાકિસ્તાન પહોંચાડી રહ્યા હતા. મોહમ્મદ શમશાદ બિહારના મધુબની જિલ્લાના ભેજાનો નિવાસી છે. તે અમૃતસર સ્ટેશનની બહાર લીંબુ-પાણીની દુકાન ચલાવે છે. ઝફર રિયાઝ કોલકાતાના બેનિયાપુકુરનો નિવાસી છે. ઝફરે ૨૦૦૫માં એક પાકિસ્તાની મહિલા રબિયા સાથે લગ્ન કર્યા હતા. જે પહેલા કોલકાતામાં રહેતી હતી. જોકે, વર્ષ ૨૦૧૨માં બંને લાહોર ચાલ્યા ગયા હતા. જ્યાં તેમને લાલચ આપીને પાકિસ્તાની સુરક્ષા એજન્સી આઈએસઆઈએ જાસૂસી કરાવવાનું શરૂ કરી દીધું હતું.