વૈશ્વિક બજારોમાં ભારે વેચવાલી વચ્ચે શેરબજારમાં કડડભૂસ : રોકાણકારોની સંપત્તિમાં અંદાજે ૭ લાખ કરોડનો સફાયો, એચસીએલ ટેક્નોલોજી, ઇન્ફોસિસ, ટીસીએસ, ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલના શેરમાં ઘટાડો
મુંબઈ, તા.૧૯
વૈશ્વિક બજારોમાં ભારે વેચવાલી વચ્ચે ગુરુવારે સ્થાનિક બજારો પણ ભારે નુકસાન સાથે બંધ થયા હતા. બીએસઈના ૩૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૧,૪૦૦ પોઈન્ટથી વધુ તૂટ્યો. વ્યાપક વેચાણના વલણ વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી બંને ૨.૬૦ ટકાથી વધુના નુકસાન સાથે સમાપ્ત થયા. સ્થાનિક બજારોમાં વિદેશી રોકાણકારોના સતત પ્રવાહને કારણે બજારના સેન્ટિમેન્ટને પણ અસર થઈ હતી. ૩૦ શેરો ધરાવતો બીએસઈ સેન્સેક્સ ૧,૪૧૬.૩૦ પોઈન્ટ અથવા ૨.૬૧ ટકા ઘટીને ૫૨,૭૯૨.૨૩ પર આવી ગયો. દિવસના ટ્રેડિંગ દરમિયાન, તે એક સમયે ૧,૫૩૯.૦૨ પોઇન્ટ ઘટીને ૫૨,૬૬૯.૫૧ પર આવી ગયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ ૪૩૦.૯૦ પોઈન્ટ અથવા ૨.૬૫ ટકાના ઘટાડા સાથે ૧૫,૮૦૯.૪૦ પર બંધ થયો હતો. અમેરિકન શેરબજારમાં મોંઘવારીની ચિંતા અને કન્ઝ્યુમર ગુડ્સ કંપનીઓમાં વધી રહેલા ખર્ચના કારણે નબળા પરિણામ જોવા મળ્યા હતા. બ્રિટનમાં ફુગાવો ૪૦ વર્ષની ઊંચી સપાટીએ હતો. અમેરિકામાં ૪.૫ ટકાથી પાંચ ટકા જેટલા ઘટ્યા બાદ ગુરુવારે ભારતીય શેરમાં પણ તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. શરૂઆતી સત્રમાં ૧૦૦૦ અંકોના કડાકે ખુલેલા સેન્સેક્સમાં દિવસના અંતે ૧૪૧૬ અંકોના કડાકે, ૨.૬ ટકા નીચે ૫૨,૭૯૨ના સ્તરે બંધ આવ્યો છે. નિફટી ૫૦ ઈન્ડેકસમાં પણ ૪૩૨ અંકોના ઘટાડે ૧૫,૮૦૯ના સ્તરે બંધ આવ્યા છે. આજના બજારના કડાકા સાથે રોકાણકારોની સંપત્તિમાં અંદાજે ૭ લાખ કરોડનો સફાયો થયો છે. બીએસઈ ખાતે લિસ્ટેડ કંપનીઓનું બજાર મૂલ્ય ૨૫૫.૭૭ લાખ કરોડથી ઘટીને રુ. ૨૪૯.૦૨ લાખ કરોડ થઈ છે. આજે બજારમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી છે. સેન્સેકસના ૩૦માંથી ૨૭ શેર ઘટીને તો માત્ર ૩ શેર જ વધીને બંધ આવ્યા છે તેમાં આઈટીસી, ડો રેડ્ડી અને પાવર ગ્રિડનો સમાવેશ થાય છે. આ જ ત્રણ શેર નિફટી ૫૦માં વધ્યા છે એટલેકે બાકીના ૪૭ શેર ઘટ્યાં છે. આજના બજારને નીચે ધકેલવામાં આઈટી શેરનો સૌથી મોટો ફાળો રહ્યો છે. ઈન્ફોસિસ-ટીસીએસ-ટેક મહિન્દ્રા-એચસીએલ અને વિપ્રો ૫%થી વધુ આજે તૂટ્યાં છે. ઈન્ફોસિસનું આજની મંદીમાં યોગદાન ૨૬૭ અંક હતુ અને રિલાયન્સનું યોગદાન ૧૮૨ અંકોનું હતુ. સેન્સેક્સ કંપનીઓમાં એચસીએલ ટેક્નોલોજી, વિપ્રો, ઈન્ફોસિસ, ટીસીએસ, ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, ઈન્ડસઈન્ડ બેંક અને કોટક મહિન્દ્રા બેંકનો તૂટેલા શેરોની કંપનીમાં સમાવેશ થાય છે. બીજી તરફ, આ સમયગાળા દરમિયાન આઈટીસી અને ડૉ. રેડ્ડીઝના શેર્સ વધારા સાથે બંધ થયા હતા. ચીનના શાંઘાઈ, હોંગકોંગના હેંગસેંગ, સાઉથ કોરિયાના કોસ્પી અને જાપાનના નિક્કી સિવાયના અન્ય એશિયન બજારોમાં નીચા ભાવ હતા. યુરોપિયન બજારો પણ બપોરના સત્ર દરમિયાન નીચામાં ટ્રેડ થઈ રહ્યા હતા. બુધવારે યુએસ બજારોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. દરમિયાન, આંતરરાષ્ટ્રીય ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૧.૨૯ ટકા ઘટીને ૧૦૭.૭ ડોલર પ્રતિ બેરલ થયું હતું. શેરબજારમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર સ્થાનિક બજારોમાંથી વિદેશી રોકાણકારોને પાછા ખેંચવાની પ્રક્રિયા ચાલી રહી છે. બુધવારે તેણે રૂ. ૧,૨૫૪.૬૪ કરોડના શેરનું વેચાણ કર્યું હતું.