માતા-પિતા મજુરી કામે જતાં ઘરમાં એકલી રહેલી સગીરાએ કોઈ અગમ્ય કારણોસર અઘટિત પગલું ભર્યું
ભાવનગર શહેરના બોરતળાવના કાંઠે આવેલ મફતનગરમા રહેતી માત્ર 14 વર્ષિય સગીરાએ તેના ઘરે જાતેથી ફાંસો ખાઈ લેતાં ગંભીર હાલતે સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જયાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું. મૃતકના હાથમાં ‘MY LIFE MY RULSE’અનેકવાર લખેલું મળી આવતા આત્મહત્યાનું રહસ્ય ઘેરાયું છે. સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના બોરતળાવના કાંઠે મફતનગર વિસ્તાર આવેલો છે. જેમાં આંબેડકર ચોકમાં સેંકડો શ્રમજીવી પરિવારો વસવાટ કરે છે. અહીં વસવાટ કરતા એક પરિવારની 14 વર્ષની વય ધરાવતી સગીર પુત્રીએ આજરોજ બપોરે માતા-પિતા મજૂરી કામે ગયાં હોય અને અન્ય ભાઈ-બહેનો ઘર બહાર રમતાં હોય એ દરમ્યાન રૂમનો દરવાજો બંધ કરી છતના હુક સાથે દોરી બાંધી ફાંસો ખાઈ લેતાં બહાર રમતાં બાળકો ઘરે આવ્યાં હતાં અને રૂમનો દરવાજો ખખડાવવા છતાં સગીરાએ દરવાજો ન ખોલતાં બાળકોએ પડોશીઓને જાણ કરતાં યુવાનો ઘરે દોડી આવ્યા હતા. બંધ દરવાજો તોડી અંદર પ્રવેશતાં સગીરા દોરી સાથે લટકતી જોવા મળતા યુવાનોએ સગીરાને નીચે ઉતારી તત્કાળ સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડી હતી જયાં તબીબોએ સારવાર શરૂ કરી હતી પરંતુ એ દરમ્યાન સગીરાએ અંતિમ શ્વાસ લીધો હતો.
માત્ર 14 વર્ષની સગીરાએ એકાએક આવું અજુગતું પગલું શા માટે ભર્યું ? સગીરાના હાથ પર તેણે જાતે ઈંગ્લીશમાં એકથી વધુ વખત “My life my rulse” લખેલું હતું તથા સગીરાએ અગાઉ પણ હાથના કાંડા પર બ્લેડ વડે ચેકા માર્યાંના નિશાન પણ જોવા મળ્યાં હતાં. આટલી ઉંમરે એવું તે શું દુઃખ પડ્યું કે તેણે જિંદગી બોઝ લાગી ? આ તમામ બાબતો માટે પરિવાર પણ નિરુતર હતો. જયારે આ ઘટનાની જાણ તેની માતા-દાદીને થતાં તેઓ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને સગીરાનો નશ્ર્વરદેહ નિહાળી ભારે કલ્પાંત કરતાં વાતાવરણ ગમગીન બન્યું હતું.