દર માસે નિરાધાર અને જરૂરિયાતમંદ 82 પરિવારને નિયમિત માસિક રૂા.80 હજારની રોકડ સહાયની મદદ
વલીદાદા વૈદ્યની સેવાની જ્યોતને ઉજાગર રાખતાં તેમના પુત્ર મન્સુરભાઈ ઈસાણી
ધન તો કુદરત દરેકને આપે છે. તેનો કેવો ઉપયોગ કરવો તે દરેક વ્યક્ત પર નિર્ભર હોય છે. આજની મટીરીયાલીસ્ટીક દૂનિયામાં પરોપકાર, સખાવત, ઉદારતાનું ઝરણું ધીમે-ધીમે સુકાતું જાય છે પરંતુ જેની પેઢીમાં દિલની દાતારીના સંસ્કાર હોય તે બીજાની પીડા અને વેદના જોઈ કંઈક કરી છૂટવાં માટે સતત ધનનો સદુપયોગ કરીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડતાં રહે છે. આવા જ એક દાતા હતાં સ્વ.વલીભાઇ વૈદ્ય કે જેઓએ તે જમાનામાં લોકોના દુઃખ દર્દને દૂર કરવાં માટે નિઃશૂલ્ક આરોગ્યની સેવાઓ પૂરી પાડી હતી. તેમના સંસ્કાર વારસાને આગળ ધપાવતાં તેમના પૂત્ર મન્સૂરભાઇ ઇસાણી પણ તેમના પગપંથને પખાળતાં ભાવનગરના શિહોર શહેરમાં વિવિધ સેવાકાર્યો કરીને માનવતાની સુવાસ પ્રસરાવી રહ્યાં છે.
સિહોર તાલુકાના મઢડા ગામના રહેવાસી સ્વ. વલીદાદા વૈદ્ય જે વર્ષો પહેલાં સમાજની આરોગ્યની સેવાની શરૂઆત કરીને ખૂબ જ પ્રેમ ચાહના પામ્યાં હતાં. તેમના પરોપકારથી સિંચિત થયેલાં તેમના પુત્ર પણ સેવા સંસ્કારના વારસાની જ્યોતને સંત શ્રી વલીભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ, મઢડા દ્વારા દર માસે 82 જરૂરીયાતમંદ પરિવારને રોકડ સહાય મદદ ગ્રામજનોને કરીને કરી રહ્યાં છે. આ દાતાને ધ્યાનમાં આવ્યું કે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફને મકાનની તકલીફ છે. તો તેમનું મકાન ફર્નિચર બનાવડાવીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના જુદા-જુદા વિભાગ બનાવીને આરોગ્ય વિભાગને અર્પણ કરી જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી વાપરવાં માટે આપ્યું હતું. ગ્રામજનોને જ્યાં પણ મુશ્કેલી પડે તો તરત જ તેમનો સહયોગ મળે છે. તાજેતરમાં આગેવાનો દ્વારા જાણકારી મળી છે હાઈસ્કૂલમાં પતરાના શેડની જરૂરિયાત છે. તો આશરે રૂા.4 લાખ જેવી માતબર રકમના ખર્ચે હાઈસ્કૂલને શેડ બનાવી આપ્યો હતો. આ શેડના કારણે શાળાના બાળકોને શીતળ છાંયડો મળશે. આવનારી ભાવી પેઢીને જેવી સગવડ જોઇએ તેવી આપવી જોઇએ તેવું માનતાં મન્સુરભાઇ સમાજ સેવા માટે પાછી પાની ક્યારેય કરતાં નથી. આ પતરાનો શેડ બનાવી આપવાં માટે આચાર્ય દિપ્તીબેન ચૌહાણ દ્વારા દાતા અને સહયોગ આપનાર આ તમામ ગ્રામજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સંત શ્રી વલીભાઈ ટ્રસ્ટને મન્સુરભાઈની ઉદારતા સહયોગને બિરદાવવામાં આવી હતી. ગામના આગેવાનો ત્રંબકભાઈ જાની, ધરમશીભાઈ ભાયાણી, માજી સરપંચ ભાવસંગભાઈ ડોડીયા, પરેશભાઈ જાની, ઘનશ્યામભાઈ ડોડીયા, જનકભાઈ મકવાણા, હરેશભાઈ ભાયાણી, જીગ્નેશભાઈ ડોડીયા, અનિલભાઈ પંડિત, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, મઢડાના સુપરવાઇઝર રાજદીપસિંહ ગોહિલે દાતાની દાતારી અને વતન પ્રેમની સરાહના કરી હતી.