પાંચ હુક્કા, ચિલમ, પાઈપ, મોબાઈલ અને બાઈક મળી રૂા.૧.૧૬ લાખના મુદ્દામાલ સાથે ૭ શખ્સોની ધરપકડ
શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં હવા મસ્જીદ પાસે રહેણાકી મકાનમાં હુક્કાબાર ચાલતું હોવાની બાતમીના આધારે ગંગાજળીયા પોલીસ કાફલાએ ગત મોડીરાત્રીના દરોડો પાડી ગેરકાયદે ચાલતુ હુક્કાબાર ઝડપી લીધુ હતુ અને હુક્કાબારના સર સામાન મોબાઈલ બાઈક મળી રૂા.૧.૧૬ લાખના મુદ્દામાલ સાથે ૭ શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા. અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે ગંગાજળીયા પો.સ્ટે.થી જાણવા મળ્યા મુજબ પો.સ્ટે.નો સ્ટાફ ગતરાત્રીના નાઈટ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન પ્રભુદાસ તળાવ હવા મસ્જીદ પાસે રહેણાકી મકાનમાં ઈમરાન ઉર્ફે લંબુ અબ્દુલમજીદ મોમીન નામનો શખ્સ ગેરકાયદે હુક્કાબાર ચલાવી રહ્યો હોવાની બાતમી મળતા પોલીસ કાફલાએ તુરંત પંચોને સાથે રાખી દરોડો પાડ્યો હતો. જ્યાં તપાસ કરતા હુક્કાબાર ચાલુ હતો અને કેટલાક લોકો ગૃપમાં બેસીને વારાફરતી હુક્કા પીવા જોવા મળેલ અને ચિલમમાં ફેવરવાળી તમાકુ ભરી શખ્સો હુક્કો પી રહ્યા હતા. આથી પોલીસે શખ્સોને પોલીસની ઓળખ આપી ઈમરાન ઉર્ફે લંબુ અબ્દુલમજીદને હુક્કાબારનું લાઈસન્સ છે કે તે અંગે પુછતા તેણે લાઈસન્સ ન હોવાનું જણાવતા પોલીસે ઈમરાન ઉર્ફે લંબુ તેમજ ભિલવાડા સર્કલ મહમદી રેસીડેન્સીના બ્લોક નં.૧૦૩માં રહેતા મહમદ શબ્બીર સિનેમાવાલા ઉ.વ.૩૨ તેમજ બાર્ટનલાઈબ્રેરી નાળીયેરીવાળી વખારમાં રહેતા હોજેફા નુરુદ્દીન તેજાબવાલા, શાસ્ત્રીનગર પ્લોટ.નં. ૧૩૪માં રહેતા ધર્મ દર્શનભાઈ જોષી, વડવા કાછીયાવાડ વિસ્તારમાં હિદાયત ઈબ્રાહીમભાઈ શેખ, અમીપરા મસ્જીદની સામે રહેતા સમિર હનીફભાઈ સમા, તથા ગીતાચોક શુભમ સોસાયટીના બ્લોક નં.૯૬માં રહેતા દિપ દિલીપભાઈ ચૌહાણ સહિત સાત શખ્સોને ઝડપી લીધા હતા અને ઘટનાસ્થળેથી પાંચ હુક્કા ચિલમ, વિવિધ ફલેવરની તમાકુ, મોબાઈલ, બાઈક સહિતની ચીજવસ્તુઓ મળી રૂ.૧.૧૬ લાખનો મુદ્દામાલ ઝડપી લઈ તમામ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ જો કે તમામને મોડીરાત્રીના ટેબલ જામીન આપી દિધા હોવાનું જાણવા મળેલ છે.